ભારત અને શ્રીલંકાના સંબંધો ફરી ગાઢ બની રહ્યાં છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 10 February 2020

ભારત અને શ્રીલંકાના સંબંધો ફરી ગાઢ બની રહ્યાં છે

- શ્રીલંકાના રાજકારણમાં હાલ રાજપક્ષે પરિવારનું પ્રભુત્ત્વ છે અને રાજપક્ષે પરિવાર અત્યાર સુધી ચીનતરફી મનાતો રહ્યો છે પરંતુ ચીનની ખંધી ચાલને સમજીને હવે શ્રીલંકા તેના દેવાની માયાજાળમાંથી છૂટીને ભારતની નિકટ આવવા પ્રયાસ કરી રહ્યું છે


શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે હાલ ભારતની પાંચ દિવસની મુલાકાતે છે. રાજપક્ષેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત યોજી છે. તેમની આ ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક પરિયોજનાઓ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, સુરક્ષા અને આતંકવાદ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. ઉલ્લેખનીય છે કે મહિન્દા રાજપક્ષેના વડાપ્રધાન બન્યા બાદ આ પહેલી વિદેશયાત્રા છે અને એ માટે તેમણે ભારતની પસંદગી કરી છે જે બંને દેશો વચ્ચે વધી રહેલા સહયોગને દર્શાવે છે. 

ગત નવેમ્બરમાં મહિન્દા રાજપક્ષેના નાના ભાઇ ગોટબાયા રાજપક્ષે શ્રીલંકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિજેતા બન્યા હતાં. ગોટબાયા રાજપક્ષેએ પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌપ્રથમ ભારતની મુલાકાત લીધી હતી. હાલ શ્રીલંકાના રાજકારણમાં રાજપક્ષે પરિવારનું સંપૂર્ણ પ્રભુત્ત્વ છે. જોકે રાજપક્ષે પરિવાર ભારત કરતા ચીનતરફી વધારે હોવાનું મનાતું રહ્યું છે. ગોટબાયા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે જાણકારોનું માનવું હતં  કે તેમનો વિજય ચીન માટે મોટા ફાયદાસમાન છે.

મહિન્દા રાજપક્ષે સત્તામાં હતાં એ દસ વર્ષ દરમિયાન ચીને શ્રીલંકામાં સારો એવો પગપેસારો કર્યો હતો. ભારતના વિરોધ વચ્ચે પણ મહિન્દા રાજપક્ષેએ ચીન પાસેથી કરોડો ડોલર ઉધાર લીધાં અને શ્રીલંકાના બંદરો ચીનની સબમરિનો માટે ખુલ્લા મૂકી દીધાં હતાં. તેમણે ચીન સાથે મળીને વિશાળ બંદરનું નિર્માણ પણ કર્યું જેના કારણે શ્રીલંકા ચીનના દેવાના ડુંગર તળે દબાઇ ગયું. હવે ગોટબાયા સત્તામાં આવતા ચીન સાથેના સંબંધો બેરોકટોક આગળ વધશે એવી ભારતના જાણકારોને ચિંતા હતી.

શ્રીલંકામાં બહુમતિ બૌદ્ધ ધર્મી લોકોની છે જે કુલ વસતીના ૭૦ ટકા જેટલી છે. તો ૧૨.૫ ટકા હિન્દુઓ અને લગભગ ૧૦ ટકા મુસ્લિમો છે. ખ્રિસ્તીઓની વસતી માંડ સાત ટકા જેટલી છે. તામિલ વિદ્રોહીઓ ઉપર મહિન્દા રાજપક્ષે સરકારની નિર્ણાયક જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ગોટબાયાને બહુમતિ સિંહલ બૌદ્ધધર્મીઓના મોટા ભાગના લોકોનું સમર્થન હાંસલ હતું. જોકે ગોટબાયા પર તેમના વિરોધીઓ લઘુમતિના ઉત્પીડનના આરોપો લગાવતા રહ્યાં છે. એવું પણ મનાતું હતું કે શ્રીલંકાની કુખ્યાત વ્હાઇટ વેન સ્કવોડ ગોટબાયાની દેખરેખ હેઠળ કામ કરે છે.

ગોટબાયા પર પત્રકારો, કાર્યકરો અને તામિલ ટાઇગર્સ સાથે સંબંધની શંકા હોય એવા તામિલ નાગરિકોના દમનના આરોપ પણ હતાં. જેમાંના કેટલાંકને યાતનાઓ આપીને છોડી મૂકાયા હતાં તો કેટલાંક લાપતા થઇ ગયા હતાં. રાજપક્ષે ભાઇઓ ઉપર હત્યાઓની અનદેખી કરવાના અને યુદ્ધ દરમિયાન નાગરિકો અને હોસ્પિટલો પર જાણી જોઇને હુમલા કરવાના આરોપ પણ હતાં. 

ગોટબાયા રાજપક્ષે પોતે એક નિવૃત્ત સૈન્ય અધિકારી છે જે સેના છોડયા બાદ અમેરિકા જતાં રહ્યાં હતાં. તેમના મોટા ભાઇ મહિન્દા રાજપક્ષે ૨૦૦૫માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ શ્રીલંકા પરત ફર્યાં અને તેમને રક્ષા મંત્રાલયના સચિવનો હોદ્દો આપવામાં આવ્યો. આ પદ મારફતે તેમને અસીમિત શક્તિ આપવામાં આવી અને એ પછી તેમણે એવો વ્યવહાર શરૂ કર્યો કે જાણે શ્રીલંકાના ભાવિ રાષ્ટ્રપતિ તેઓ પોતે જ હોય. ગોટબાયાનું કહેવું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે તેમણે અમેરિકાનું નાગરિકત્ત્વ પણ ત્યાગી દીધું છે. ઇસ્ટર પર થયેલા હુમલા બાદ ગોટબાયાએ રાષ્ટ્રીય સુરક્ષા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોને લાગતું હતું કે ગોટબાયા રાજપક્ષેનો વિજય ચીન માટે મોટા ફાયદાસમાન છે. મહિન્દા રાજપક્ષે સત્તામાં હતાં એ દસ વર્ષ દરમિયાન ચીને શ્રીલંકામાં સારો એવો પગપેસારો કર્યો હતો. ભારતના વિરોધ વચ્ચે પણ મહિન્દા રાજપક્ષેએ ચીન પાસેથી કરોડો ડોલર ઉધાર લીધાં અને શ્રીલંકાના બંદરો ચીનની સબમરિનો માટે ખુલ્લા મૂકી દીધાં હતાં. તેમણે ચીન સાથે મળીને વિશાળ બંદરનું નિર્માણ પણ કર્યું જેના કારણે શ્રીલંકા ચીનના દેવાના ડુંગર તળે દબાઇ ગયું.

ગોટબાયા સત્તામાં આવતા ચીન સાથેના સંબંધો બેરોકટોક આગળ વધશે એવી ભારતને આશંકા હતી. પરંતુ ગોટબાયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારત તરફ ખેંચવાની પહેલ કરી અને હવે તેના પરિણામો પણ જોવા મળી રહ્યાં છે. 

શ્રીલંકા ભારતનું નિકટનું પાડોશી છે એ સંજોગોમાં ત્યાં સર્જાતી નાનામાં નાની ઉથલપાથલ પણ ભારત માટે મહત્ત્વ ધરાવે છે. બે વર્ષ પહેલા પણ શ્રીલંકામાં રાજકીય ઉથલપાથલ સર્જાઇ હતી અને રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને બરખાસ્ત કરી દીધાં અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડાપ્રધાન જાહેર કરી દીધાં હતાં. જોકે બાદમાં શ્રીલંકાની સંસદે રાનિલ વિક્રમાસિંઘેને વડાપ્રધાન તરીકે ફરી સ્થાપ્યાં હતાં. રાનિલ વિક્રમાસિંઘેની નીતિઓ ભારતતરફી મનાય છે.

અગાઉ ૨૦૧૫માં ભારતે શ્રીલંકાના રાજકીય વિવાદમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવતા સિરીસેના અને વિક્રમાસિંઘે વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને રાજપક્ષેને બહારનો રસ્તો દેખાડયો હતો. મામલો હંબનટોટા પોર્ટનો હતો કારણ કે રાજપક્ષેએ ચીનને હંબનટોટા બંદર વિકસાવવાની પરવાનગી આપતી કોલંબો પોર્ટ બનાવવાની છૂટ આપી હતી. એ વખતે એવું નક્કી થયું હતું કે ચીની સબમરીનો શ્રીલંકાના જળક્ષેત્રમાં ડેરો જમાવશે. જોકે એ વખતે રાજપક્ષે સત્તામાંથી જ બહાર થઇ જતાં ચીનને પછડાટ મળી હતી.

હકીકતમાં મહિન્દા રાજપક્ષે ચીનના હાથની કઠપૂતળી ગણાતા રહ્યાં છે. શ્રીલંકાના રાજકારણમાં પણ ચીનનો પરોક્ષ રીતે હસ્તક્ષેપ રહે છે. ચીન જ એવું ઇચ્છે છે કે શ્રીલંકામાં તેની કઠપૂતળી સરકારનું શાસન જ રહે કે જેથી કરીને તે ત્યાં પોતાના મથકો સ્થાપી શકે. આજે પરિસ્થિતિ એવી છે કે શ્રીલંકા આર્થિક રીતે ચીનનું ગુલામ છે. તો ભારત શ્રીલંકાનું વર્ષો જૂનું મદદગાર રહ્યું છે. એટલા માટે જ શ્રીલંકાનું રાજકારણ ક્યારેક ચીન તરફ તો ક્યારેક ભારત તરફ ઝૂક્યાં કરે છે.

મહિન્દા રાજપક્ષે ચીનનું પ્યાદું હોવાની વાસ્તવિકતા ભારત અને પશ્ચિમી દેશો જાણે છે. અગાઉ મહિન્દા રાજપક્ષે જ્યારે રાષ્ટ્રપતિ હતાં ત્યારે તેમની ચીન ઉપરથી વધારે પડતી નિર્ભરતા ભારતને પસંદ નહોતી. એટલા માટે રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન ભારત અને શ્રીલંકાના સંબંધો મધુર રહ્યાં નહોતાં. 

આધુનિક જગતમાં ચીન સૈન્ય કાર્યવાહી દ્વારા પોતાની સામ્રાજ્યવાદી નીતિને આગળ વધારી શકે એમ નથી. પોતાની આ મંશા પૂરી કરવા તે પોતાની આર્થિક તાકાતનો ઉપયોગ કરે છે. ખાસ કરીને એશિયાના નાના દેશોને તે મોટા પાયે આર્થિક કરજ આપે છે અને પોતાના સકંજામાં સપડાવે છે. દેવુ ચૂકવવામાં આવા દેશો નિષ્ફળ જાય ત્યારે ચીન તેમની સાથે મનમાની કરે છે અને પોતાના લશ્કરી મથકો સ્થાપે છે. ચીનની શરતોને તાબે થવા આવા દેશોએ પોતાની આર્થિક નીતિઓ તો બદલવી જ પડે છે, પરંતુ સાથે સાથે ચીનને પોતાના દેશમાં જમીન આપવા પણ મજબૂર થવું પડે છે. 

ચીનની આ માયાજાળનું સૌથી મોટું ઉદાહરણ શ્રીલંકા છે. દક્ષિણ એશિયામાં સૌથી દૂર આવેલા શ્રીલંકાએ પાયાગત માળખાની રચના માટે ચીનની મદદ લેવાની શરૂ કરી હતી. શ્રીલંકામાં વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા હંબનટોટા બંદરને વિકસાવવા માટે શ્રીલંકાએ ચીન સાથે હાથ મિલાવ્યા હતાં.

આશરે એક અબજ ડોલરના ખર્ચે બનેલા આ બંદર પર ખાસ અવરજવર નથી. પરિણામ એ આવ્યું કે શ્રીલંકાની સરકાર આ બંદર દ્વારા કમાણી તો ન થઇ અને ઉપરથી ચીનનું ૮ અબજ ડોલરનું દેવું ચડી ગયું. છેવટે શ્રીલંકાએ હંબનટોટા બંદર ચીનની એક સરકારી કંપનીને ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપી દીધું. હવે આ બંદરગાહનો ઉપયોગ ચીન પોતાની આર્થિક તાકાત વધારવા માટે કરી રહ્યું છે.

જોકે ચીનની ચાલ હવે શ્રીલંકા સમજી ગયું છે અને એટલા માટે જ તેણે પોતાની વિદેશ નીતિ બદલી છે અને ચીન તરફ વધારે ઝૂકવા કરતા ભારતની નજીક આવવાનું શરૂ કર્યું છે. ગોટબાયા બંધુઓ સત્તામાં આવ્યા ત્યારે શ્રીલંકા ચીનનું સંપૂર્ણ આર્થિક ગુલામ બની જશે એવી શંકા સેવાતી હતી પરંતુ શ્રીલંકા જાણી ગયું છે કે જો તે ચીનની સતત મદદ લેતું રહેશે તો તે લાંબા ગાળે શ્રીલંકાના સાર્વભૌમત્વને જોખમાવશે. હવે શ્રીલંકા ચીનની આર્થિક માયાજાળમાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યું છે અને એના માટે તેને ભારતના સાથની આવશ્યક્તા છે.

શ્રીલંકાની સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિ પામવામાં ભારતે જરાય વાર ન કરી અને મતભેદો હોવા છતાં શ્રીલંકા તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો. ગોટબાયા રાષ્ટ્રપતિ બન્યા કે તુરંત ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે શ્રીલંકાની મુલાકાત લીધી અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. એ પછી જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલે પણ શ્રીલંકાની મુલાકાત લઇને તેને આર્થિક સહાયનો વાયદો કર્યો. હવે ભારતની પહેલ પર બંને દેશો વચ્ચેના સંબંધો ફરી પાછા મધુર બની રહ્યાં છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w20cII

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages