
કોંગ્રેસ સરકારના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ
નવી દિલ્હી,તા.10 ફેબ્રુઆરી 2020, સોમવાર
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામત મૂળભૂત અધિકાર નથી. આ ચુકાદાના કારણે એસસી-એસટી માટે સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ નહીં કરવાની પ્રથા પડી જશે એવા આક્ષેપો સાથે વિપક્ષે સોમવારે લોકસભામાં ધમાલ મચાવી દીધી. કોંગ્રેસે તો સંસદની બહાર પણ આ મુદ્દાને ઉછાળ્યો. રાહુલ અને પ્રિયંકા બંનેએ સંઘ-ભાજપ અનામતની વિરૂધ્ધ હોવાના આક્ષેપ કર્યા.
રસપ્રદ વાત એ છે કે, સરકારી નોકરીઓમાં એસસી-એસટી માટે અનામતની જોગવાઈ નહીં કરવાનો નિર્ણય કોંગ્રેસ સરકારે લીધો હતો. ઉત્તરાખંડમાં ૨૦૧૨માં કરાયેલી સરકારી ભરતીમાં અનામતની જોગવાઈ ના કરાઈ એ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે ભરતી રદ કરતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.
મોદીની મંજૂરી વિના કબડ્ડી ટીમ પાકિસ્તાન પહોંચી
ભારત-પાકિસ્તાન વચ્ચે સ્પોર્ટ્સ ક્ષેત્રે સંબંધો કપાઈ ગયેલા છે. આ માહોલમાં ભારતની કબડ્ડી ટીમ વર્લ્ડકપ રમવા પાકિસ્તાન પહોંચી જતાં મોટો બખેડો થઈ ગયો છે. ભારતીય ટીમ શનિવારે વાઘા બોર્ડરથી લાહોર પહોંચી. ત્યાં સુધી કોઈને આ વાતની ખબર જ નહોતી. ટીમે રવિવારે સોશિયલ મીડિયા પર તસવીર મૂકી પછી બધાંને ખબર પડી ને સરકાર પણ હચમચી ગઈ. નરેન્દ્ર મોદીએ આ વાતની ગંભીર નોંધ લઈને સોમવારે સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજિજુને બોલાવીને ટીમને પાકિસ્તાન જવા કોણે મંજૂરી આપી તેનો જવાબ માંગ્યો. કોઈ પણ ટીમના વિદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે એ જોતાં ખેલ મંત્રાલયમાંથી કોઈનો ભોગ લેવાશે એ નક્કી છે.
સંઘે ભાજપના ઈશારે ભાજપની ટીકા કરી
ભાજપની પિતૃ સંસ્થા મનાતી આરએસએસના ટોચના નેતા ભૈયાજી જોશીના ભાજપ અંગેના નિવેદને આશ્ચર્ય સર્જ્યું છે. જોશીએ કહ્યું છે કે, ભાજપનો વિરોધ કોઈ કરે તેનો અર્થ હિંદુઓનો વિરોધ નથી થતો. ભાજપનો વિરોધ રાજકીય લડાઈ છે ને એ ચાલુ રહેશે પણ તેને હિંદુઓ સાથે જોડી ના શકાય કેમ કે હિંદુ સમાજનો અર્થ ભાજપ થતો નથી.
જોશીની આ ટીપ્પણીને ભાજપ વિરોધી ગણાવીને સોશિયલ મીડિયા પર તેની સામે ઘણા ભાજપ સમર્થકોએ આક્રોશ ઠાલવ્યો છે. જો કે ભાજપનાં સૂત્રોના મતે, આ ટીપ્પણી ભાજપના ઈશારે જ કરાઈ છે. સંઘની કટ્ટરવાદી હિંદુવાદી સંગઠન તરીકેની છાપના કારણે ભાજપના માથે માછલાં ધોવાય છે. ભાજપ દેશમાં હિંદુવાદી માહોલ પેદા કરી રહ્યો છે અને સંઘના ઈશારે ચાલે છે એવી છાપ ભારતનાં આથક હિતો માટે પણ નુકસાનકારક છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે ત્યારે આ મુદ્દા ના ઉઠે એ માટે બંને વચ્ચે અંતર હોવાની છાપ ઉભી કરવા આ નિવેદન કરાયું છે.
કોંગ્રેસે તિવારીને બેસ્ટ કોમેડી એક્ટર એવોર્ડ આપ્યો
દિલ્હીમાં મંગળવારે મતગણતરી છે પહેલાં કોંગ્રેસે બહાર પાડેલા એક વીડિયોને લોકો શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં ૨૦૨૦ના ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ કોમિક એક્ટર તરીકેનો એવોર્ડ દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીને અપાયો હોવાની જાહેરાત છે. તિવારી ઉપરાંત નિર્મલા સીતારામન અને પિયૂષ ગોયલ આ એવોર્ડ માટે નોમિનેટ થયાં હતાં એવું વીડિયોમાં બતાવાયું છે. વીડિયોમાં અંતે યોગ કરતા તિવારીને વિજેતા જાહેર કરાયા છે.
વીડિયો સાથે એવી લાઈન છે કે, જ્યારે બધું અંધકારમય હોય ને કપરો સમય હોય ત્યારે આપણે પોતાની જાતને ચીયર કરવા માટે થોડી કોમેડી કરવાથી વધારે કંઈ કરી શકતા નથી.
આ વીડિયો વાયરલ થતાં ભાજપ સમર્થકોએ પણ રાહુલ ગાંધીને નિશાન બનાવીને કોમેન્ટ્સ કરી છે. જો કે આ કોમેન્ટ્સમાં નવું કશું નથી. રાહુલ ગાંધી માટે ભાજપ સમર્થકો વાપર્યા કરે છે એ વિશેષણોની ભરમાર છે.
'આપ'ને મત આપવા ક્યા કોંગ્રેસીએ મેસેજ કર્યા ?
દિલ્હી કોંગ્રેસ અત્યારે શનિવારના મતદાન પહેલાં ફરતા થયેલા એક વોટ્સએપ મેસેજની તપાસ કરી રહી છે. આ મેસેજમાં એવો દાવો કરાયો હતો કે, આ વખતે પણ કોંગ્રેસની હાલત ખરાબ છે તેથી કોંગ્રેસના કાર્યકરો તથા સમર્થકો આ વખતે પણ આમ આદમી પાર્ટીને મત આપે કે જેથી ભાજપને હરાવી શકાય.
કોંગ્રેસનાં સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં જ આ મેસેજ ફરતા કરી દેવાયા હતા. તેના પગલે સ્થાનિક નેતાઓએ પોતાના કાર્યકરોને કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કરાવવા કહી દીધું. કોંગ્રેસના ટોચના નેતાઓને બપોરે આ વાતની ખબર પડી કે તરત તેમણે આ મેસેજ અફવા હોવાનું કહીને નેતાઓને કાર્યકરો લગી આ વાત પહોંચડવા કહ્યું પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
કોંગ્રેસે હવે આ મુદ્દે તપાસ શરૂ કરી છે પણ કોંગ્રેસના નેતાઓના મતે તેનો અર્થ નથી. કોંગ્રેસના નેતા ઘોડા છૂટયા પછી તબેલાંને તાળાં મારવા નિકળ્યા છે.
ઉમરની મુક્તિ માટે બહેન સારા મેદાનમાં
ઉમર અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ધરપકડ કરવા સામે ઉમરની બહેન સારા પાયલોટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સારા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સચિન પાયલોટની પત્ની છે. સારા વતી કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે હેબિયસ કોર્પસ અરજી કરીને ઉમરને હાજર કરવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે. રસપ્રદ વાત એ છે કે, સચિન અને સારાના લગ્નનો ઉમર અને તેના પિતા ફારૂક અબ્દુલ્લાએ વિરોધ કર્યો હતો. બંનેએ ભાગીને લવ મેરેજ કર્યાં હતાં. તેમના રીસેપ્શનમાં પણ બંને હાજર નહોતા રહ્યા. હવે ઉમર પોતે તકલીફમાં છે ત્યારે એ જ બહેન તેને મુક્ત કરાવવા માટે લડત ચલાવી રહી છે.
* * *
હવે તમામની નજર સ્ટ્રિટ ફાઇટર પર
આવતી કાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી શરૂ થશે.પરંતુ સૌની નજર દિલ્હીના મુખ્યમંત્રી કેજરવાલ પર ટકી છે. ભાજપે આ ચૂંટણી જીતવા પોતાની તમામ શક્તિ કામ લગાડી હોવા છતાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થશે એવું તમામ એક્ઝિટ પોલની આગાહી જોતાં કેજરીવાલને જ સ્ટ્રિટ ફાઇટર તરીકે જોવામાં આવે છે. કેજરીવાલને શહેરના મેયર કરતાં થોડી વધુ સત્તા અપાઇ છે એ વાસ્તવિકતા હોવા છતાં તેમણે શહેરમાં સારી શાળાઓ અને ઉત્તમ આરોગ્ય સેવાઓ પુરી પાડી હતી. ભાજપે પ્રચારમાં ટુકડે ટુકડે ગેંગ અને રાષ્ટ્રવિરોધી લેબલ લગાડયા છતાં પણ કેજરીવાલે અનેક સિધ્ધીઓ મેળવી હતી. જો આમ આદમી પાર્ટીની જીત થશે તો એનો યશ પ્રશાંત કિશોરને જશે જેણે આપની ચૂંટણી લક્ષી રણનીતી નકેકી કરી હતી. પ્રશાંત કિશોરે સૂત્ર આપ્યું હતું 'અચ્છે બિતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ'.
પ્રતિકુળ દળો સામે કેજરીવાલની લડત
દિલ્હીના રાજકારણ પર નજર રખનારાઓ કહે છે કે કેજરીવાલ બે પ્રતિકુળ દળો વચ્ચે ફસાયેલા હતા. એક, દિલ્હીના ઉપ-રાજ્યપાલ જે સીધી રીતે અમીત શાહને જવાબદાર છે, અને બે જે દિલ્હીની ભાજપ શાસિત ત્રણ મ્યુ.કોર્પોરેશનો જેને માથે અનેક શહેરી સવિધાઓ આપવાની જવાબદારી હોય છે.કેજરીવાલ પર અનેક વખતે શહેરની કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો કરવામાં આવે છે અને મહિલાઓની સલામતી પર તો ખાસ પ્રશ્નો પૂછાય છે.પોલીસ પર પોતાનું કોઇ જ નિયંત્રણ નથી, એમ કહેવાને બદલે તેઓ કહે છે કે મેં શહેરમાં અનેક જગ્યાએ કેમેરા ગોઠવ્યા છે.
ભાજપ હારે તો શાહની પડતી?
ભાજપે દિલ્હી ચૂંટણીના એકેઝિટ પોલને 'નોટ એકેઝિટ પોલ'ગણાવ્યા હતા. તેમનો દાવો છે કે ભાજપની જ સરકાર બનશે.તેમ છતાં સત્તાની ગલીઓમાં એક જ ચર્ચા ચાલે છે 'ભાજપની હાર અમીત શાહના ભાગ્યનો ફેંસલો કરશે'.કેન્દ્રના ગૃહ મેત્રીએ ચૂંટણીને પોતાની એકલાની શક્તિ તરીકે માની લીધી હતી.મુખ્યમંત્રીનો કોઇ જ ચહેરો ન હોવાથી કેન્દ્રમાં હાલમાં બીજા ક્રમના સૌથી શક્તિશાળી નેતા શાહ મત મેળવવા માટે દિલ્હીની ગલીઓમાં ફર્યા હતા. દિલ્હી ભાજપના કાર્યકર્તાઓ અમીતભાઇ માટે પ્રશંસાના ફુલ વિખેરતા હતા. તેમને લાગે છે કે શાહે એકલા જ હાથે હારેલી બાજી જીતવા તમામ શક્તિ કામે લગાડી હતી. શાહે કેન્દ્રના તમામ મૅંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને ૨૦૦ ઉપરાંત સાંસદોને પ્રચાર કાર્યમાં જોડી દીધા હતા.આખા દેશમાંથી ભાજપના અનેક નેતાઓ દિલ્હીમાં ઉતરી પડયા હતા જેમણે રાજકીય હરિફ પર ભયંકર પ્રહારો કર્યા હતા.ભાજપ હારશે તો આ નેતાઓ કહશે કે જુઓ અમીત શાહે મોટા મોટા નેતાઓને પણ પ્રચાર કાર્યમાં લગાડી દીધા હતા.
મહિલા આયોગના વડા પણ ગાર્ગી કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે
દિલ્હી યુનિ.ની ગાર્ગી કોલેજમાં એક યુવતીની થયેલી છેડતી બાબતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતી માલીવાલ પણ જોડાયા હતા. યુનિ.ના હાલમાં ચાલી રહેલા વાર્ષીક ઉત્સવ દરમિયાન કેટલાક લોકો દારૂ પીને આવ્યા હતા અને યુવતીઓની છેડતી કરી હતી. કોલેજના મહોત્સવનો આજે ત્રીજો દિવસ હતો. માલીવાલ કેમ્પસમાં પહોંચી ગયા હતા. આ મુદ્દો સંસદમાં પણ ગાજ્યો હતો. ઉપરાંત દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી.
- ઇન્દર સાહની
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39nSYNz
No comments:
Post a Comment