બજેટથી નિરાશ ચોરસમાજની 'વિશેષ પેકેજ'ની માગણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

બજેટથી નિરાશ ચોરસમાજની 'વિશેષ પેકેજ'ની માગણી

 
આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

ઓનલાઈન તફડંચીના જમાનામાં લુપ્ત થઈ રહેલી ખીસા કાપવાની કળાની જાળવણી થાય એવી ચોર સમાજની મુખ્ય માગણી હતી. એ કળા શીખવા માટે પ્રેરણા મળે એવાં કાર્યક્રમો શરૂ થાય તેવી રજૂઆત ચોર સમાજે કરી હતી 

જંગલના અખબારોમાં બજેટ સ્પેશિયલ કવરેજ આવ્યું : માદા સશક્તિકરણ માટે 30 હજાર કરોડની ફાળવણી. ખેતી સાથે સંકળાયેલા બળદસમાજને 40 હજાર કરોડનું પેકેજ. ચારા-પાણીનો બિઝનેસ શરૂ કરતા ઉદ્યોગ સાહસિકોને ટેક્સમાંથી રાહત. રાત્રે ભસીને અજાણ્યા પ્રાણીઓથી જંગલવાસીઓને સાવધાન કરતા કૂતરાસમાજને મફતમાં ગળાના ઈલાજની યોજના. ગધેડાસમાજનું ગાયન સુધારવા માટેના બજેટમાં વધારો, ગર્ભવતી સિંહણ-દીપડી-હાથણીઓ માટે દર મહિને ખોરાક ભથ્થાની યોજના. પ્રાણીઓની સરળતા માટે નદી-નાળા ઉપર નવા બ્રિજના બાંધકામોનો પ્રોજેક્ટ્સ વગેરે વગેરે..

બજેટમાં ચોરસમાજ માટે કોઈ જ જોગવાઈ ન હોવાથી આખોય ચોરસમાજ ભારે નારાજ થયો. આગળના આયોજન માટે ચોરસમાજના પ્રમુખે તુરંત બેઠક બોલાવી.

'દોસ્તો! જંગલની સરકારના બજેટમાં આપણી સાથે ઘોર અન્યાય થયો છે. બધા જ જંગલવાસીઓના કલ્યાણ માટે ફંડ અપાયું છે, પરંતુ આપણી ભારે અવગણના થઈ છે' 4૨0 નામના ગુપ્ત સ્થળે મળેલી અખિલ જંગલીય ચોર સમાજની બેઠકને સંબોધિત કરતા પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડે ઉમેર્યું, 'જો આ રીતે અવગણના થતી રહેશે તો તો આપણો સમાજ બીજા બધા જંગલવાસીઓની સરખામણીએ પછાત રહી જશે'

'મહારાજા સિંહ સમક્ષ આપણે અગાઉ પણ 'તસ્કર એક્ટ' પસાર કરાવવાની માગણી કરી ચૂક્યા છીએ. એ વખતે સિંહે આશ્વાસન આપ્યું હતું, પણ હજુ સુધી કશું જ થયું નથી' વાહન ચોરીના ધંધા સાથે સંકળાયેલા ઊંટભાઈ ઉઠાવગીરે જૂની રજૂઆત યાદ કરાવી.

'એ આવેદનપત્ર વખતે માદાઓને ચોરીમાં વિશેષ અનામત આપવાની માગણી કરવામાં આવી હતી. ચોરસમાજની માદાઓનું પણ સરકારે ઘોર અપમાન કર્યું છે' ચોરસમાજમાં માદા સશક્તિકરણનું પ્રતીક બની ગયેલાં ખિસકોલીબેન ખીસાકાતરુંએ તીણાં અવાજે નારાજગી દર્શાવી.

'ચોરશક્તિકરણ માટે અલગ ફંડ ન મળે તો આપણે સૌએ આંદોલન કરવું જોઈએ' અખિલ જંગલીય ચોર સમાજના ઉપપ્રમુખ જિરાફભાઈ જેબકતરાએ આક્રમક થઈને ઉમેર્યું, 'આમેય અત્યારે માર્કેટમાં ભારે મંદી છે. જંગલવાસીઓના ખીસા ખાલીખમ થઈ ચૂક્યા હોવાથી ખીસાકાતરું ક્ષેત્રમાં બેરોજગારી વધી ગઈ છે'

'બેરોજગારીનો આંકડો તો અમારા ક્ષેત્રમાં પણ સતત વધતો જાય છે' ઓનલાઈન તફડંચ ટોળકીના ચીફ ફ્રોગભાઈ ફ્રોડે ટોપી સરખી કરીને સાથીદારો તરફ ઈશારો કરતા આગળ ચલાવ્યું : 'મહારાજા સિંહે કેશલેસ સિસ્ટમ કરી એ વખતે અમારે ખાસ વાંધો આવ્યો ન હતો. જંગલવાસીઓની બેંકમાં રહેલી રકમને અમે ટાર્ગેટ કરી શકતા હતા, પરંતુ મોંઘવારી અને મંદીના આ માહોલમાં તો હવે બેંક અકાઉન્ટ જ ખાલી થઈ ચૂક્યા છે. અમારા આ બધા જ સાથીદારોની પાસવર્ડ હેક કરવાની મહેનત માથે પડી રહી છે. જો સરકારી સહાય નહીં મળે તો તો કપરા દિવસો આવશે'

'તો પછી હવે ઉગ્ર રજૂઆત કર્યા વગર છૂટકો નથી. તમારા બધાનો શું ઓપિનિયન છે?' પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડે તમામ સભ્યો ઉપર નજર નાખી લીધી.

'ગમે તે ભોગે આપણાં સમાજ માટે 'વિશેષ પેકેજ'ની માગણી કરવી જોઈએ' ઉપપ્રમુખ જિરાફભાઈ જેબકતરાએ સૌથી પહેલો ઓપિનિયન આપ્યો. બધાએ એમાં સૂર પૂરાવ્યો.

કલાકોની મહેનત પછી ચોરસમાજના સભ્યોએ વિશેષ પેકેજની માગણી માટે રૂપરેખા ઘડી કાઢી.

***

આવેદનપત્રના મહત્વના અંશો

'ચોરી એ કળા છે અને એમાંય ખીસા કાપવાનું કામ વિશેષ આવડત માંગી લે છે. જરાક પણ ભૂલ થાય તો જંગલવાસીઓ જાહેરમાં ફટકારે છે. એ સાહસ કરવાનું બધાનું ગજું નથી એટલે હિંમતવાન ચોરો જ આ ક્ષેત્રમાં આવે છે. એ ચોરીમાં થ્રિલ હોવાથી એનું મહત્વ પણ એટલું જ છે. ઓનલાઈન તફડંચી અને મોઢા મોઢા છેતરપિંડીના આ જમાનામાં ખીસા કાપવાની કળા લુપ્ત થતી જાય છે. એ કળાને સાચવી રાખવા માટે સરકાર અલગથી ફંડ ફાળવે. આ ક્ષેત્રમાં આવવા ઈચ્છતા ચોરસમાજના યુવાનો માટે નિઃશુલ્ક તાલીમકેન્દ્રો શરૂ કરો. ખીસા મજબૂત થતા જાય છે એટલે તેને ચંદ સેકન્ડમાં કાપી શકાય એવા છુપા હથિયારો મળે એવી કોઈ યોજના લોંચ કરવા વિનંતી'

*

'પાકિટમાર ગેંગને આજકાલ ભારે આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. વૉલેટ તફડાવ્યા પછી કશું જ મળતું નથી એવા કિસ્સા ખૂબ વધ્યા છે. આવા કિસ્સામાં પાકિટમાર ગેંગના સભ્યને જો યોગ્ય રકમ ન મળે તો સરકાર ટેકાનો ભાવ જાહેર કરે. વળી, જંગલવાસીઓના દસ્તાવેજો પાછા આપવાની નૈતિક જવાબદારી પણ અમારા ચોરસમાજના સભ્યો નિભાવે છે. એટલે એવી કોઈ હેલ્પલાઈન શરૂ કરવાની પણ અમારી માગણી છે કે જ્યાં ઓળખ છતી કર્યા વગર વૉલેટ કે પર્સમાં રહેલા દસ્તાવેજો જમા કરાવી શકાય' 

*

'મોબાઈલ ચોરીના બનાવોમાં અતિશય સુરક્ષિત લોકસિસ્ટમના કારણે ચોરસમાજના સભ્યોને કશું જ મળતું નથી. મોબાઈલ ચોરી એ ઝડપથી ઉભરતું ક્ષેત્ર છે. જો એમાં જ આ હાલત હોય તો ચોરસમાજનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે. અમારી માગણી છે કે જંગલની સરકાર મોબાઈલ ચોરીમાં સંકળાયેલા ચોરોને સાયબરક્રાઈમથી રક્ષણ મળે એવી કોઈ યોજના બનાવે અને તેના માટે યોગ્ય ફંડ ફાળવે. અથવા સાયબરક્રાઈમના નબળા કાયદાને વધારે નબળા બનાવીને મોબાઈલ ચોરોને આડકતરું સુરક્ષાકવચ આપે'

*

'વાહન ચોરીના આરોપમાં પકડાયેલા અમારા ચોરસમાજના સભ્યની જંગલની પોલીસ જૂના વાહનોની ચોરી અંગે પણ આકરી પૂછપરછ કરે છે. એના કારણે તેમનો રેકોર્ડ ખરાબ થાય છે અને યાતના સહન કરવી પડે છે તે અલગ. અમારી માગણી છે કે આવા કિસ્સામાં માત્ર જે તે વાહનની ચોરીનો આરોપ જ તેમના પર લાગે અને ખૂબ જ સન્માનપૂર્વક તેમની સાથે વર્તન કરવામાં આવે.'

*

'મકાનો-દુકાનોને નિશાન બનાવતા ચોરોને રાત્રે ચોક્કસ સમયે તક આપવામાં આવે એ સમયની માગ છે. જંગલમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લાગી ચૂક્યા છે. બધે જ લાઈટો ગોઠવાઈ ગઈ છે એટલે અંધારાનો લાભ મળતો નથી. અમુક સમયગાળામાં અંધારપટ્ટ થાય એવી કોઈક યોજના જાહેર થશે તો અમારા ચોરસમાજનું કલ્યાણ થશે'

મહારાજા સિંહને આવેદનપત્ર મોકલતા પહેલાં ચોરસમાજે એક વિશેષ નોંધ લખી : 'જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારો સમાજ જંગલવાસીઓને ટેક્સ ચોરી અને સરકારની તિજોરી સાફ કરવાની તરકીબો શીખવશે. તેની આ તકે નોંધ લેવી'

***

આવેદનપત્ર જોઈને મહારાજા સિંહે તેમના અંગત વિશ્વાસુ રીંછભાઈને બોલાવીને કહ્યું : 'બીજા બધા પ્રાણી-પંખીઓ માટે આપણે વિવિધ યોજનાઓ શરૂ કરી છે એમ ચોરસમાજ માટે પણ એક જોરદાર યોજના લોંચ કરી દો'

'જી મહારાજ. ટૂંક સમયમાં તમે જ યોજનાની જાહેરાત કરી શકો એવી વ્યવસ્થા કરાવું છું' હુકમ માથે ચડાવીને રીંછભાઈ ચાલતા થયા.

'પણ યાદ રાખજો..' મહારાજા સિંહે છેલ્લો હુકમ છોડયો, 'પ્રાણી-પંખીઓને લગતા બીજા બધા પ્રોજેક્ટ્સ માટે આપણે સરકારી તિજોરીમાંથી ફંડ ફાળવતા નથી એમ ચોરસમાજની યોજના માટે પણ ફંડ ફાળવવાનું નથી!'




from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vrBDEY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages