પ્રસંગપટ
લોકશાહીની ખરી મજા એ છે કે પ્રજા ધારે તેને ખભે બેસાડે છે અને ધારે તેને નીચે પછાડે છે
ભાજપ માટે દિલ્હીની હાર એ માત્ર હાર નથી પણ એક માનસિક ફટકો છે. જેની લોકસભામાં માંડ એક બેઠક છે એણે 303 બેઠકો ધરાવતા સત્તા ધારી પક્ષને ધૂળ ચટાડી હતી. દેશના સૌથી મોટા અને સૌથી જુના એવા બે પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપને રાષ્ટ્રીય તખ્તા પર શૂન્ય કહી શકાય એવી હાજરી ધરાવતી આમ આદમી પાર્ટીએ ધૂળ ચાટતા કર્યા હતા.
ચાર ચાણક્યો ભેગા કરીને એકને તૈયાર કર્યો હોય એવું વ્યક્તિત્વ અરવિંદ કેજરીવાલનું છે. પ્રાદેશિક નેતાઓને હડધૂત કરવાનો પ્લાન ભાજપે પડતો મુકવાની જરૂર છે. રાજ્ય ચલાવવા પક્ષા-પક્ષીનું રાજકારણ ક્યારે દુર થશે તેની તો ખબર નથી પણ ભાજપે પ્રાદેશિક પક્ષના નેતાઓની રાજકીય સેન્સ તેમજ પ્રજા સાથે રહેવાની ધગશને સમજવાની જરૂર છે.
કોણ જાણે કેમ પણ ભાજપને હાર કોઠે પડી ગઇ હોય એમ લાગે છે. લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મને લોકોએ એટલી બધી ગાળો દીધી છે કે હું ગાળ પ્રૂફ બની ગયો છું. હવે દિલ્હીમાં ધબડકો જોઇને એમ લાગે છે કે ભાજપ હવે હાર પ્રૂફ બની ગયો છે. કોઇ મોટા પક્ષને હારની અસર ના થાય એ કેવું?ભાજપને ઉપરા છાપરી હાર મળી રહી છે તે જોઇ વિપક્ષ પણ તાનમાં આવી ગયો છે. પરંતુ ભાજપમાં કોઇ સુધારો દેખાતો નથી.
મોદી ભક્તો પણ માથું ખંજવાળી વિચાારી રહ્યા છે કે મોદીના નામનો જાદુ ઓસરી તો નથી રહ્યોને ? સ્થાનિક સ્તરની સમસ્યાઓ લઇને જ લોકો પાસે જવું જોઇએ એ કેજરીવાલે સમજાવી દીધું છે.
મોદી સરકારનો ફાંકો કેજરીવાલ એન્ડ કંપનીએ ઉતારી દીધો છે. સરકાર પાસે ચૂંૂંટણી જીતી શકાય એવી તમામ મશિનરીઓ અને સ્ટાર પ્રચારકો હોવા છતાં ભાજપનો ધબડકો સર્ર્જાયો છે.
પ્રજાની સમસ્યાઓને હાઇલાઇટ્સ કરીને કેજરીવાલે તેનું સોલ્યુશન અમલમાં મુક્યું હતું. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાની સમસ્યાના ઉકેેલ માટે કશું નહોતું. ભાજપ આવશે તો કેજરીવાલે આપેલી મફત સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવશે એમ લોકોના મનમાં ઠસાવવામાં કેજરીવાલને સફળતા મળી હતી.
ભાજપમાં ચૂંટણી વ્યૂહ રચના કરનારા કરતાં વધુ ભાષણબાજો હતા. દરેક ભાષણ કરનારા દિલ્હીના લોકોને સંબોધન નહોતા કરતા પણ આખા દેશને સંબોધન કરતા હાયે એમ બોલતા હતા. તેમને અટકાવનાર કોઇ નહોતું. ભાજપના પ્રચારકોની પીન શાહીન બાગ પર ચોંટી ગઇ હતી. શાહીન બાગ પર પ્રજા બેઠી છે કે નહીં બહારના લોકો એ ભાજપને સમજી શક્યું નહોતું.
શાહીન બાગની સમસ્યાને ભાજપ સમજી શક્યું નહોતું જ્યારે આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ પણ કર્યો અને લાભ પણ ઉઠાવ્યો હતો. પ્રજાના મનમાં શું ચાલે છે તે જાણવાનો કોઇ કોર્સ નથી ચાલતો.
આવો કોર્સ ભલે નથી ચાલતો પણ તે સમજવા અરવિંદ કેજરીવાલ,મમતા બેનરજી, મહેબુુબા મુફ્તી, લાલુ પ્રસાદ યાદવ જેવાઓ પાસે બેસવાની જરૂર છે. આ નેતાઓએ ભેગા થઇને હાઉ ટુ વીન ધ ઇલેક્શન નામથી ઓનલાઇન કોર્સ ચલાવવો જોઇએ. ભાજપના રાષ્ટ્રવાદને દિલ્હીના લોકોએ ફગાવી દીધો છે. સ્થાનિક સમસ્યાઓ અને મોંધવારીમાં અટાયેલા લોકોને અરવિંદ કોજરીવાલે હીલીંગ ટચ આપ્યો હતો.
મફત કોઇને ગમતું નથી પણ કોઇ ચીજ મફત મળતી હોય તો તે લેવાની કોઇ ના પણ નથી પાડતું. કેજરીવાલે દિલ્હીના 80 ટકા મધ્યમ વર્ગને ટાર્ગેટ કરીને ચૂંટણી લડી હતી અને ભાજપ-કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો.
હવે શુ? ભાજપે અત્યારથીજ આગામી પાંચ વર્ષ પછી આવનાર ચૂંટણી માટે તૈયારી કરવી પડશે. ભાજપે દિલ્હી માટે અત્યારથીજ નેતાઓની ફોજ તૈયાર કરવી પડશે અને જમીનને વળગીને ચાલવું પડશે. ભાજપ હાર્યું નથી પણ ચૂંટણી વ્યૂહ રચનામાં ધબડકો કર્યો છે.
ધન્ય છે ભારતની લોકશાહીને કે જ્યાં લોકો લડતા ઝઘડતા રાજકારણ રમતા જાય છે અને સત્તા સુખ ભોગવતા જાય છે. લોકશાહીની ખરી મજા એ છે કે પ્રજા ધારે તેને ખભે બેસાડે છે અને ધારે તેને નીચે પછાડે છે. ભારતની લોકશાહીને સાત દાયકા વીતી ગયા હોવા છતાં સૌથી મોટી કમનસીબી એ છે લોકો રાજકારણીઓને ઓળખી શક્યા છે પણ રાજકારણીઓ લોકોને ઓળખી શકતા નથી.
કોમનમેને બતાવી આપ્યું છે કે માત્ર રાષ્ટ્રવાદ નહીં પણ રોજીંદી સમસ્યાનો ઉકેલ પણ જરૂરી છે. રોટી કપડાં ઔર મકાનની જરૂરીયાત સાથે વિજળી, પાણી અને શિક્ષણને પણ જોડી દેવાયા છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37m1qvl
No comments:
Post a Comment