આણંદમાં સસ્તા અનાજની દુકાનમાં સડેલા ઘઉંનું વિતરણ કરાતા ગ્રાહકોનો હોબાળો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 11 February 2020

આણંદમાં સસ્તા અનાજની દુકાનમાં સડેલા ઘઉંનું વિતરણ કરાતા ગ્રાહકોનો હોબાળો


આણંદ, તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર

આણંદ શહેરની શિખોડ તલાવડી નજીક આવેલ સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉંનું વિતરણ કરવામાં આવતા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી આ સસ્તા અનાજની દુકાનમાં સડેલા ઘઉંનું વિતરણ કરવામાં આવતુ હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. જો કે આ સડેલા ઘઉંનો જથ્થો સરકારી ગોડાઉનમાંથી જ આવ્યો હોવાનું સંચાલકે જણાવ્યું હતું.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરની શિખોડ તલાવડી નજીક સિંધુ હોલ સામે દિપસિંહ સોલંકીની પંડિત દિનદયાલ સરકારી ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન આવેલ છે. દુકાનના સંચાલક દ્વારા અંત્યોદય યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને રાહતદરે ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. જો કે છેલ્લા ચારેક દિવસથી આ સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાતા ઘઉંમાં ખુબ જીવડા જોવા મળ્યા હતા અને સડેલુ અનાજ વિતરણ કરવામાં આવતું હોવાનુ જાણવા મળતા આજે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. 

વધુમાં ગ્રાહકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ ઘઉં સડેલા અને જીવાતવાળા તેમજ ખાવાલાયક નથી. આ અનાજ અંગે જો કોઈ ગ્રાહક દ્વારા સંચાલકને ફરિયાદ કરવામાં આવે તો સંચાલક દ્વારા તમને અનાજ મળશે નહીં અને આવતા મહિને અનાજ લેવા આવજો તેમ જણાવી ગ્રાહકોને રવાના કરી દેવામાં આવતા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. 

જ્યારે બીજી તરફ સસ્તા અનાજની દુકાનના સંચાલક દિપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ સડેલા અનાજનો જથ્થો તેઓને સરકારી ગોડાઉનમાંથી આપવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકોને આવા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે તેઓની કોઈ જવાબદારી બનતી ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સસ્તાભાવે અનાજનું વિતરણ કરવાની સગવડ કરાઈ છે પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે ગરીબોને શોષવાનો વારો આવે છે અને સારી ગુણવત્તાવાળુ અનાજ મળતુ નથી ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3byhLQT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages