
આણંદ,તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
ભારત દેશમાં પણ પશ્ચિમી દેશોની જેમ વિવિધ ડે ઉજવવાનું ચલણ વધવા પામ્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી યુવાધન દ્વારા વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં પણ તા.૧૪મી ફેબુ્રઆરીના દિવસની ઉજવણી યુવાધન દ્વારા વિશેષ રીતે કરવામાં આવતી હોઈ સવારથી જ જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિવિધ ફુલો તેમજ ગીફ્ટ આર્ટીકલ્સની દુકાનો ઉપર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. મોટાભાગના યુવક-યુવતીઓએ પોતાના પ્રિયજન તેમજ મિત્રોને ફૂલ તથા ગીફ્ટ આપી વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી. તો એકબીજાથી દુર રહેતા મિત્રોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી એકબીજાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી. વેલેન્ટાઈન ડેને લઈને બજારમાં ગુલાબ તેમજ બુકેના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
ભારત દેશમાં યુવાધનને છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમી સંસ્કૃતિનું ઘેલું લાગ્યું છે. યુવાધન દ્વારા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી વિવિધ ડે તથા થર્ટી ફર્સ્ટ તેમજ વેલેન્ટાઈન ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. તા.૧૪મી ફેબુ્રઆરીના રોજ સમગ્ર આણંદ જિલ્લામાં યુવાધન દ્વારા ઉત્સાહભેર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાઈ હતી.
આ પર્વની ઉજવણી અંતર્ગત મિત્રો તેમજ પ્રિયજનો દ્વારા એકમેકને ગીફ્ટ તેમજ ગુલાબ આપવાનો મહિમા રહેલ હોઈ વહેલી સવારથી જ આણંદ શહેરની વિવિધ ફૂલોની દુકાનો ખાતે ફૂલ તથા બુકે તેમજ ગીફ્ટ આર્ટીકલ્સની દુકાનો ખાતે વિવિધ ગીફ્ટ સહિત ચોકલેટની ખરીદી માટે યુવક-યુવતીઓની ભારે ભીડ જોવા મળી હતી. આણંદ તથા વિદ્યાનગરની શાળા-કોલેજોમાં યુવક-યુવતીઓએ પોતાના મિત્રો તથા પ્રિયજનને ફુલ તથા ગીફ્ટ આપી વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી.
સામાન્ય દિવસોમાં ૧૦ થી ૨૦ રૂા.ના ભાવે વેચાતા ગુલાબના ફુલ આજે ૪૦ થી ૫૦ રૂા.ના ભાવે વેચાયા હતા. જ્યારે ફુલોના બુકેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જો કે ગુલાબનું ફુલ પ્રેમનું પ્રતિક હોવાથી યુવાધને ઉંચી કિંમત આપીને પણ ખરીદી કરી હતી. કેટલાંક યુવક-યુવતીઓએ નાની-મોટી હોટલમાં જઈ મિત્રવર્તુળ સાથે પાર્ટીનું આયોજન કરી ઉજવણી કરી હતી. વેલેન્ટાઈન ડે નિમિત્તે જિલ્લાના વિવિધ સિનેમાઘર તથા હોટલો ખાતે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
તા.૧૪મી ફ્રેબુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને પ્રેમની અભિવ્યક્તિ માટે પણ વિશેષ ગણવામાં આવે છે. જો કે પ્રેમની અભિવ્યક્તિ માટે ગુલાબના ફુલ તેમજ ચોકલેટનું વિશેષ મહત્વ રહેલું હોઈ આજે ફુલોના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓને ઘી-કેળાં થઈ ગયા હતા. સાથે સાથે વિવિધ ચોકલેટસના વેચાણમાં પણ વધારો નોંધાયો હતો. યુવક-યુવતીઓ દ્વારા મન મુકીને ગુલાબ તેમજ બુકે અને ચોકલેટની ખરીદી કરવામાં આવી હતી. તો કેટલાક ગીફ્ટ આર્ટીકલ્સ તેમજ ફુલોની દુકાનોવાળાએ ફુલના બુકેની સાથે ચોકલેટ લઈ આકર્ષક બુકે તૈયાર કરવામાં આવતા તેની માંગ વધુ જોવા મળી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37plGwl
No comments:
Post a Comment