શિયાળામાં જ જળાશયોમાં પાણી ખુટવા લાગ્યા, ઉનાળામાં કપરા સંજોગોના એંધાણ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

શિયાળામાં જ જળાશયોમાં પાણી ખુટવા લાગ્યા, ઉનાળામાં કપરા સંજોગોના એંધાણ


ભુજ, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર

ગત વર્ષે સતત કચ્છમાં ચાર મહિના વરસાદ વરસ્યો હતો. લોકો પણ વિચારવા લાગ્યા હતા કે, વરસાદ કયારે બંધ થશે પણ વરસાદ તો ચાલુ રહ્યો હતો. દિવાળી પછી પણ વરસાદી માવઠાઓ ચાલુ રહ્યા હતા. અને રીતસરના પાણી વહી નિકળ્યા હતા. સતત અને સારો વરસાદ પડવાથી લોકોને એમ લાગ્યુ કે, આ વર્ષે ઉનાળામાં પાણીની તકલીફ નહિં થાય. જળાશયોમાં પાણી નહિં ખુટે, પશુધનને પાણી માટે વલખા નહિં મારવા પડે પરંતુ ગણતરીના મહિનાઓમાં જ જળાશયોના તળ દેખાવા માંડયા છે.

શ્રાવણ માસથી વરસાદ શરૂ થયો હતો તે છેક દિવાળી પછી કારતક મહિના સુધી વરસાદ ચાલુ રહ્યો. જેથી કરીને ગામડાઓની આસપાસ તેમજ વગડાઓમાં ડેમો નાના જળાશયો છલોછલ છલકાઈ ગયા હતા. નદી નાળા તેમજ ડુંગર પરથી વહેતા ઝરણાઓ પણ શરૂ થઈ ગયા હતા. આવા ઝરણાઓ વર્ષો પછી લોકોએ જોયા હતા. આમ, સચરાચર વરસાદ વરસ્યો છતા પણ જળાશયોમાં શિયાળામાં જ પાણી સુકાવા લાગ્યા છે.

શિયાળામાં જળાશયોમાં પાણી ખાલી થવા લાગતા ઉનાળામાં પશુધન માટે પાણી માટે કપરા એંધાણ છે. કચ્છમાં ગત વર્ષ પહેલા સતત ચાર વર્ષ દુષ્કાળ જેવા ગયા હતા. ત્યારે પશુઓને પાણી માટે વગડામાંથી સીમમાં આવવુ પડતુ હતુ એવી જ રીતે ગત વર્ષે સારો વરસાદ છતા પશુઓની ઉનાળામાં ગરમીના દિવસોમાં હાલત કફોડી થશે એવુ જણાઈ રહ્યુ છે. ગામના તળાવોમાં પાણી ફટાફટ સુકાવા લાગ્યો છે. આ વરસે જેમ ચોમાસો લાંબો ચાલ્યો તેવી રીતે શિયાળામાં પણ કડકડતી ઠંડી છે તેમ છતા જળાશયોમાં પાણી સુકાવા લાગતા વિચારવા જેવી વાત છે.

નખત્રાણા-ભુજ હાઈવે પર મોટા યક્ષ ગામનું જખરા તળાવ છે. જે તળાવ છલોછલ ભરેલુ છે જેના પણ તળ દેખાઈ રહ્યા છે. તેવી રીતે કચ્છના અન્ય નાના મોટા અન્ય તળાવોના તળ પણ દેખાવા માંડયા છે. આ જોતા ભવિષ્યમાં પશુઓ માટે પીવાના પાણીની કટોકટી ઉભી થાય તેમ હોવાથી સરકાર દ્વારા આ બાબતે વિચારવા જેવુ છે. અને આગોતરા આયોજન કરવા જેવા છે, ખાસ કરીને જયાંથી નર્મદાની લાઈન પસાર થતી હોય ત્યાંથી આજુબાજુના નાના મોટા તળાવો ભરી દેવા જોઈએ.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w4VR7B

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages