આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ફરી ગગડયો : તીવ્ર ઠંડીનો અનુભવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 5 February 2020

આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ફરી ગગડયો : તીવ્ર ઠંડીનો અનુભવ


આણંદ,તા.05 ફેબ્રુઆરી 2020, બુધવાર

કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરપુર્વીય રાજ્યોમાં થઈ રહેલ હિમવર્ષાને પગલે ઠંડા બર્ફીલા પવનો ફુંકાવાના કારણે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં પુન: ઠંડીનું જોર વધતા લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિ.સે.ની નીચે ઉતરી જવા પામ્યો છે. હાલ પડી રહેલ ઠંડીના લીધે શ્રમિક પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે.

ઉત્તરપુર્વીય ઠંડા બર્ફીલા પવનો ફુંકાવાને કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે પુન: તાપમાનનો પારો ૯.૫ ડિ.સે. નોંધાતા જિલ્લાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ઠંડીને પગલે ખુલ્લામાં તેમજ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બે દિવસ પૂર્વે આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા જિલ્લાવાસીઓએ ઠંડીમાંથી આંશિક રાહત મેળવી હતી. જો કે ઉત્તરભારતમાં થઈ રહેલ ભારે હિમવર્ષાને પગલે પુન: તાપમાનનો પારો ૧૦ ડિ.સે.થી નીચે ગગડી જતા જિલ્લાવાસીઓ કાતિલ ઠંડીમાં ઠુઠવાયા છે. ખાસ કરીને મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી ઠંડીનું જોર વધુ રહેતા જિલ્લાવાસીઓ અગત્યના કામકાજ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

 શ્રમિક વર્ગ વહેલી પરોઢના સુમારે ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણાનો સહારો લેતો નજરે પડી રહ્યો છે. તો બીજી તરફ ઠંડીના કારણે પ્રજાજનોને દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી રહી છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૨૮.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૯.૫ ડિ.સે. જ્યારે સરેરાશ તાપમાન ૧૮.૭ ડિ.સે. નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને પવનની ઝડપ ૨.૮ કિ.મી./કલાક રહેવા પામી હતી. 

આગામી ચાર દિવસ દરમ્યાન જિલ્લામાં તાપમાનનો પારો ૧૦ ડિ.સે.થી નીચો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31rtrjY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages