ડાયાબિટીઝ: અમેરિકનો માટે રાજરોગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 5 February 2020

ડાયાબિટીઝ: અમેરિકનો માટે રાજરોગ


ઇન્સ્યુલીનને લાઇફ વોટર કહેવામાં આવે છે, પારેવા પાણી વિના વલખા મારે એમ લાખો અમેરિકનો લાઇફ વોટર માટે સંઘર્ષ કરી રહ્યા છે

ઇકોનોમિક સર્વેમાં બજારના અદૃશ્ય હાથનો મહિમા ગાવામાં આવ્યો છે, તેમણે જાણવું જોઈએ કે બજારના અદૃશ્ય હાથ કઈ રીતે ગળું દબાવે છે

કેપિટલિઝમ ખરાબ છે. (આટલું વાંચીને કોઈ તારણ પર ન પહોંચો, પ્લીઝ. પહેલા આગળ વાંચો.) તે અનિવાર્ય દૂષણ છે, પણ... તેની બાદબાકી થઈ શકે તેમ નથી. બજારવાદ સંસાધનોનો ઘાણ કાઢી નાખે છે. વસ્તુવાદ પ્રકૃતિ તરફથી મળેલી ભેટને શેરડીના છોતરાની જેમ ફેંકી દે છે. ધરતીને ગ્લોબલ વોર્મિંગ નામનો વિલાયતી રોગ આપે છે.

જો બજારવાદ છોડીને સમાજવાદ પર જતા રહીએ તો ડીમાન્ડ ઘટી જાય, નોકરીઓ ઘટી જાય, મંદી ઘર ભાળી જાય. બહારથી રોમેન્ટિક દેખાતા સમાજવાદની મર્યાદાઓ પણ એટલી જ વિકરાળ છે. સમાજવાદ પર તો જ ચાલી શકાય જો આખી દુનિયા તેના પર ચાલે. એ સંભવ નથી. કારણ કે લાલચને શિફ્ટ ડિલીટ કરી શકાતી નથી.  યે દિલ માંગે મોરની ભાવના નો મોર થઈ શકતી નથી. તે અમર પટ્ટો લઈને આવી છે.

૨૦૧૯-૨૦નો આપણો ઇકોનોમિક સર્વે ભલે કહે છતાંય ઘોર મૂડીવાદી એડમ સ્મિથના ખયાલ પ્રમાણેના માર્કેટના અદૃશ્ય હાથમાં આપણું ભવિષ્ય મૂકી શકાય નહીં. એ હાથ અંધ છે. તે તમને જોઈ શકતા નથી, કિન્તુ તમારું ગળું જરૂર દબાવી શકે છે.

તેના દૂષ્પરિણામો અમેરિકાએ ૧૯૨૯ની મંદીમાં ભોગવી લીધાં છે. આજેય ભોગવે છે. આપણો મૂડીવાદ, આપણો બજારવાદ આંશિક હસ્તક્ષેપ સાથેનો હોવો જરૂરી છે. જેથી ધંધોય વિકસે અને સામાન્ય માનવીની દેખરેખ પણ રહે. આ કામ એક સારો નીતિકાર જ કરી શકે. પોલિસી મેકિંગ અને તેના પ્રોપર અમલીકરણનું કામ ખાંડાની ધાર પર ચાલવા જેટલું સહેલું છે!

અમેરિકા અત્યારે પણ તેના અનિયંત્રિત મૂડીવાદનો શિકાર છે. આમ તો તેના ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે લોન પર એજ્યુકેશન લીધા પછી સારી જૉબ ન મેળવી શકેલા હજારો અમેરિકન જુવાનિયા દેવાળિયા બની ગયા છે. આવું જ એક બીજું દ્રષ્ટાંત ઇન્સ્યુલીનના ૧૧૦ માળ ઊંચે પહોંચી ગયેલા ભાવનું પણ છે. 

હાજી, અમેરિકામાં ડાયાબિટીઝ રાજરોગ છે. અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડાયાબિટીઝની દવા કેનેડા કરતા ૧૩ ગણી મોંઘી વેચી રહી છે. સરેરાશ અમેરિકન માટે ઇન્સ્યુલિન રેગ્યુલર ખરીદવું ગજા બહારની વાત બની ગઈ છે. ઇન્સ્યુલીન એવી ચીજ નથી કે એક અઠવાડિયું નહીં મળે તો ચાલશે. ઉકલી જવાય. ન જ ચાલે. તો શું કરવું? કેટલાક માનવતાવાદી અમેરિકનોએ ફેસબુક પર કોમ્યુનિટી બનાવી છે અને તેઓ એકબીજાને સસ્તા ભાવે અથવા ફ્રીમાં ઇન્સ્યુલીન પહોંચાડી રહ્યા છે.

મિનિયાપોલિસ શહેરમાં એબિગેલ હાંસમેયર નામની સંન્નારી શોપિંગ મોલ બહાર પોતાની કાર પાર્ક કરીને બ્લૂ કલરનો થેલો ખોલે છે અને એક યુવાનને ઇન્સ્યુલીનની શીશી તથા સિરિંજ વેચે છે. આ ગેરકાયદે છે. પણ કરવું પડે છે. આવી કેટલીય હાંસમેયર છે અને આવા કેટલાય યુવાનો છે. હોવાના જ. ઓલું કહે છેને, જેનો ટ્રમ્પ વેપારી, એની પ્રજા ભિખારી. અમેરિકનો  એ સેન્સમાં ભિખારી નથી, પણ ઇન્સ્યુલીનના ભાવ ડાયાબિટીઝના દર્દીઓને ભિક્ષુક બનાવી દેવા અધીરા બન્યા છે.

યુએસમાં માનવતાવાદીઓનોય તોટો નથી. ઘણા એવાય સજ્જનો છે જેમની પાસે પુષ્કળ પૈસા છે અને તેમણે પુષ્કળ ઇન્સ્યુલીન ખરીદીને તેમના રેફ્રિજરેટરમાં સ્ટોર કરેલું છે. કાયદેસર રીતે ઇન્સ્યુલીન ખરીદવું મોંઘું પડતું હોવાથી તેઓ જરૂરિયાતમંદોની વહારે થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લાઇફ વોટર લખશો કે ઘણા બધા ગુ્રપ મળી આવશે. ઇન્સ્યુલીનને લાઇફ વોટર કહેવામાં આવે છે.  બે કરોડ અમેરિકનોનો દિવસ લાઇફ વોટરથી શરૂ થાય છે અને તેના વિના પૂરો થઈ શકતો નથી. વિમા કંપનીઓ ઇન્સ્યુલીનના પૈસા ચૂકવતી નથી. હા, એક્ટિવિસ્ટ્સે ખેલેલા કાનૂની જંગને પગલે હવે ઇન્સ્યુલીન પંપના પૈસા આપવા મજબૂર થઈ છે.

ડોયચે વેલે પર જણાવવામાં આવ્યા પ્રમાણે નિકોલ સ્મિથ નામની મહિલાએ તેના ફ્રીઝમાં ડોલર ૫૦,૦૦૦નું ઇન્સ્યુલીન સ્ટોર કરીને રાખ્યું છે. આટલું બધું ઇન્સ્યુલીન તમે શામાટે સ્ટોર કર્યું એવું પૂછવામાં આવતા તેમણે કહ્યું, મેં નિકને ગુમાવ્યો છે. તેની જેમ બીજાને ગુમાવવા માગતી નથી. તેમનો દીકરો નિક ડાયાબિટીઝનો દર્દી હતો અને સમયસર ઇન્સ્યુલીન ન મળતા મૃત્યુ પામ્યો.

ભારતમાં જે મેડિકલ ટુરિઝમ વિકસ્યું છે તેમ કેનેડામાં ઇન્સ્યુલીન ટુરિઝમ વિકસી રહ્યું છે. હજારો અમેરિકનો સસ્તા ઇન્સ્યુલીન માટે કેનેડા જઈ રહ્યા છે. કસ્ટમ વિભાગ અમેરિકનોને ત્રણ મહિનાનું ઇન્સ્યુલીન વિના કોઈ ડયુટી અમેરિકામાં લાવવાની છૂટ આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ૩૪૫ ડોલરમાં જેટલું ઇન્સ્યુલીન મળે છે તેટલું કેનેડામાં ૨૫ ડોલરમાં મળી જાય છે.

લેખના શરૂના બે-ત્રણ ફકરા વાંચીને એમ થાય કે મૂડીવાદને ખોટેખોટી ગાળો આપવામાં આવી રહી છે. પણ અમેરિકનો પોતે એ આંધળા મૂડીવાદનો કેટલો ગંભીર શિકાર બન્યા છે એ વાંચ્યા પછી તેની યથાર્થતા કદાચ સમજાઈ હશે. યુએસના નાગરિકો પોતે કહે છે કે ઇન્સ્યુલીનના મોંઘા દામ ડાયાબિટીઝની લાલચ સિવાય કશું નથી. પ્રારંભનું સ્ટેટમેન્ટ ફેરવવું જોઈએ. મૂડીવાદ ખરાબ નથી, આંધળો મૂડીવાદ ખરાબ છે. ધનાઢ્ય નંબર વન બનવા માટે જે ખેલ ખેલવામાં આવે છે, વધુને વધુ પૈસાદાર બનવા માટે જે રીતે આંખ આડા કાન કરવામાં આવે છે તે નાલયકી છે.

૧૯૨૦માં ઇન્સ્યુલીન શોધાયું. તેની બલિહારી એવી કે પૃથ્વીના પટ પર ડાયાબિટીઝના કરોડો દર્દીઓ દીર્ઘાયુષ્ય ભોગવી શકે છે. કુછ મીઠા હો જાયેવાળી પળને માણ્યા પછી પણ નોર્મલ જિંદગી જીવી શકે છે. પહેલાના સમયમાં રાજા-મહારાજાઓને અને પૈસાદારોને જ મધુપ્રમેહ થતો. તેમની અય્યાશ જીવનશૈલીને કારણે. હવે સામાન્ય લોકોને પણ થાય છે.

અય્યાશી સસ્તી થઈ ગઈ છે. તોય આજેય ડાયાબિટીઝ રાજરોગનું સ્ટેટસ ભોગવે છે કેમ કે ઇન્સ્યુલીન મોંઘું થઈ ગયું છે. અમેરિકામાં જ નહીં, ભારતમાંય. ભારતમાં ઇન્સ્યુલીનનું એક ઇન્જેક્શન રૂા.૧૭૨નું મળે છે. છ રીફીલનું એક પેકેટ રૂા.૧૨૦૦નું. જન ઔષધી કેન્દ્રમાં ઇન્સ્યુલીનનું એક ઇન્જેક્શન રૂા.૭૧માં મળતું હોવાના વાવડ છે. 

રૂા.૭૧થી ૧૭૨  સુધીનો કોઈ પણ આંકડો પકડી લો. દિવસમાં ઇન્સ્યુલીનના બેથી ત્રણ ઇન્જેક્શન લેવાના થાય. ડાયાબિટીઝના દર્દીનો માત્ર ઇન્સ્યુલીનનો ખર્ચ રૂા.૧૦,૦૦૦થી રૂા.૧૫,૦૦૦ની આસપાસ થઈ ગયો છે. આ વાત જેમને ટાઇપ ટુ ડાયાબિટીઝ હોય તેમની છે. રોજની ૫૦૦ની નોટ ઇન્સ્યુલીન પાછળ જાય એટલે? આ પૈસા દેશની દૈનિક સરેરાશ માથાદીઠ આવક કરતા દોઢા છે.

જે ધનાઢ્ય છે તેને કદાચ કોઈ ફરક ન પડે, પરંતુ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ હોય તેને બહુ વસમું લાગે. સિરિંજ કરતા પણ વધારે ખૂંચે. વૈજ્ઞાાનિક શોધોની કૃપાથી ડાયાબિટીઝ સાથે જીવવું સહેલું છે, પણ લાઇફ વોટર ખરીદવું લાઇફ ગીરવે મૂકવા સમું છે. ફાર્મા કંપનીઓને ચિત્રગુપ્તના ચોપડે લખાતા હિસાબની જરાય બીક લાગતી નથી!

થોડા વર્ષો પહેલા એક ઇન્જેક્શન રૂા.૧૪૨નું મળતું હતું આજે રૂા.૧૭૨ થઈ ગયા છે. રીફીલનું બોક્સ રૂા.૧૧૦૫નું મળતું હતું તેના રૂા.૧,૨૫૦ થઈ ગયા છે. દવાના ધંધાર્થીઓનું વલણ જોઈ દર્દીઓ માટે દુઆ સિવાયના વિકલ્પો ઘટતા જાય છે.

જે લોકો એમ માનતા હોય કે અમેરિકામાં બધું રોઝી છે તેમના માટે આ આર્ટીકલ ભ્રમ નીરસન છે. ઇકોનોમિક સર્વે ગ્લોસી હોય અને તેમાં થાલીનોમિક્સ જેવા ગુલાબી પ્રકરણો હોય એટલે દેશની આર્થિક સ્થિતિ બદલી જતી નથી. જે બોલીએ અને જે લખીએ તે ઇસી મિનિટે હકીકત બની જાય એવું કમંડળ ૨૧મી સદીમાં કયા ઋષિવર પાસે હોય!?

બીમાર ન થઈએ તે માટે કાળજી રાખવી એ પ્રાથમિકતા છે, પરંતુ દવાઓ સસ્તામાં ઉપલબ્ધ બને તે બાબત પ્રાથમિકતાના પરિઘની બિલકુલ બહાર નથી. ચાહે તે અમેરિકા હોય, ભારત હોય કે કોઈ પણ દેશ.

જાણવા જેવું

ડાયાબિટીઝનું ડી ટુ ઝેડ

- ડાયાબિટીઝના બે પ્રકાર છે. ટાઇપ-૧ અને ટાઇપ-૨. ટાઇપ-૧ ડાયાબિટીઝ આનુવાંશિક છે બાળકો અને યુવાનોમાં વધારે જોવા મળે છે. ટાઇપ-૨ ડાયાબિટીઝ જીવનશૈલીમાંથી પેદા થાય છે. તે આરામદાયક જીવન જીવતા લોકોમાં અને વૃદ્ધોમાં દેખા દે છે.

- સ્વાદુપિંડમાંથી પેદા થતું ઇન્સ્યુલીન ગ્લુકોઝને તોડવાનું કામ કરે છે. તેમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે અને તે શરીરના તમામ કોષોમાં પહોંચે છે. ટાઇપ-૧ ડાયાબિટીઝના દર્દીઓના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલીન બનતું નથી. તેમને બહારથી ઇન્સ્યુલીન લેવું પડે છે.

- ટાઇપ-ટુ ડાયાબિટીઝમાં દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલીનનું ઉત્પાદન ઓછું થઈ ગયું હોય છે. શુગરનું ઊર્જામાં રૂપાંતર થવાની પ્રક્રિયા મંદ પડી જાય છે. 

- વારંવાર તરસ લાગે, મોઢું સુકાયા કરે, વધારે ભૂખ લાગે, પાણી ન પીવા છતા વારેવારે પેશાબ લાગે તો સમજી લેવું કે તમને ટાઇપ-૨ ડાયાબિટીઝ છે. શરૂઆતના લક્ષણો પ્રત્યે ધ્યાન ન આપનારને માથું દુ:ખવું, નજર ઝાંખી થઈ જવી, કારણ વગર થાક લાગવો આદિ સંકેતો પણ મળે છે.

- ડાયાબિટીઝના દર્દીઓની નિંદર ઘટી જાય છે. હાથપગમાં ખાલી ચડે છે. ડાયાબિટીઝના ૨૦ ટકા દર્દીઓને સેક્સ સમસ્યા પણ થાય છે. ચર્મોત્કર્ષમાં મુશ્કેલી પડે છે.

- કેટલીક વખત ડાયાબિટીઝ ટાઇપ-૨ના લખ્ખણ વિચિત્ર હોય છે. ખીલ, ફોડકી, ઘા રુઝાવામાં મોડું થવું, મૂત્ર માર્ગમાં ઇન્ફેક્શન, જનનાંગો પાસે સાથળમાં ખંજવાળ આવવી, પિંડીમાં દુ:ખાવો થવો.

- આળસું, સિગરેટખોર, લાલ માંસ ખાતા લોકો, મીઠાઈ ગળચતા લોકોને ડાયાબિટીઝ ટાઇપ-૨નો ખતરો રહે છે. એક વર્ષે ટાઇપ-૨ ડાયાબિટીઝ આધેડ અવસ્થા અને વૃદ્ધાવસ્થામાં થતું. આજકાલ ૨૫થી ૩૦ વર્ષના યુવાનો પણ ડાયાબિટીક બની જાય છે. જનરેશન વાય.

- મોટા આંતરડાના બેક્ટેરિયા પણ ડાયાબિટીઝ ટાઇપ-૨માં ભૂમિકા અદા કરે છે. આંતરડામાં હજારો પ્રકારના બેક્ટેરિયા હોય છે. ગ્લાઉટિયા, સેરેરાટિયા, એકેરમાનસિયા. આ ત્રણ જીવાણુની માત્ર જ્યારે આંતરડામાં અમુક હદ કરતા વધી જાય ત્યારે ડાયાબિટીઝ પેદા થાય છે. તેનાથી ચયાપચય પ્રભાવિત થાય છે. 

- ડાયાબિટીઝથી બચવાના બે જ માર્ગ છે. ૧. સંતુલિત આહાર. ૨. પરિશ્રમ. રોજ કમસેકમ ૩૦ મિનિટ કસરત કરો. હું આખો દિવસ કામ કરું છું એવા બહાના બંધ કરો. ૩૦ મિનિટની કસરત અલગથી કરવાની.

- પેટમાં રહેલા વિવિધ બેક્ટેરિયાનું બેલેન્સ જળવાઈ રહે તે માટે આહારમાં વૈવિધ્ય લાવો. જુદા-જુદા ખાદ્ય પદાર્થોમાં જુદા-જુદા બેક્ટેરિયા હોય છે. તેનું વૈવિધ્ય પેટના બેક્ટેરિયાનું વૈવિધ્ય જાળવી રાખવામાં સહાયક બને છે.

- શુગરનું વધી જવું જેટલું ડેન્જર છે. તેટલું જ ખતરનાક છે તેનું ડાઉન થઈ જવું. આથી ડાયાબિટીઝના દર્દીઓએ પોતાની સાથે ચોકલેટ, પીપર કે મીઠાઈ રાખવી પણ અત્યાવશ્યક છે. ને બધાથી મહત્ત્વનું. ઘરગથ્થુ ઇલાજ કરી ડહાપણ ડહોળવાને બદલે ડોક્ટરની સલાહ લો.

આજની નવી જોક

મગન (છગનને): પરિવર્તન એટલે શું?

છગન: જો કભી લિપટ જાયા કરતી થી બાદલો કે ગરજને સે.

વો આજ બાદલો સે ભી ઝ્યાદા ગરજતી હૈ.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36ZpRPe

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages