
ગાંધીનગર,તા.06 ફેબ્રુઆરી ગુરૂવાર 2020
ગાંધીનગર શહેર નજીક કોબા રાહેજા માર્ગ ઉપર ગટરલાઈન નાંખવાનું કામ ચાલી રહયું છે ત્યારે આજે સવારના સમયે અચાનક જ ખોદકામ સમયે ભેખડ ધસી પડતાં એક પછીએક પાંચ મજુરો દટાયા હતા. જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને આ પાંચેયને બહાર કાઢી તાત્કાલીક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી.
ગાંધીનગર શહેર નજીક પ્રમુખ ઓર્બીટ બાંધકામ સાઈટ ઉપર તાજેતરમાં જ ભેખડ ધસી જવાના કારણે ચાર વ્યક્તિઓના દટાઈ જવાથી મોત નીપજયા હતા. હજુ આ ઘટના તાજી જ છે અને જવાબદારો સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે શહેર નજીક કોબા-રાહેજા રોડ ઉપર ગુડા દ્વારા નાંખવામાં આવી રહેલી ગટરલાઈનના ખોદકામ સમયે ભેખડ ધસવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આજે સવારના સમયે ગટરલાઈન માટે દસથી બાર ફુટના ખાડા ખોદવાનું કામ ચાલી રહયું હતું તે દરમ્યાન દાહોદના પુનમ દીતા મેડા, રાજુ કનુજી મેડા, બહાદુર મનુજી બારૈયા, રાજસ્થાનનો ભરત કપુરજી રાણા અને મુકેશ નામનો મજુર કામ કરી રહયા હતા.
જેસીબી મશીન દ્વારા ખાડા ખોદવાનું કામ ચાલી રહયું હતું ત્યારે પુનમ ખાડામાં પાવડાથી ખોદકામ કરી રહયો હતો. આ જ સમયે અચાનક ભેખડ ધસી પડતાં તે નીચે દટાઈ ગયો હતો. જેથી તેની સાથે કામ કરતાં અન્ય ચાર મજુરો પણ તેને બચાવા નીચે ઉતર્યા ત્યારે ફરીથી ભેખડ ધસી પડી હતી અને તેઓ દટાઈ ગયા હતા. જેના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આ ચાર મજુરોને તાત્કાલીક બહાર કાઢયા હતા.
પરંતુ પુનમ અંદર ફસાઈ ગયો હતો. જેની આ ઘટના અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને માટી ખોદકામ કરી અડધા કલાકની મહેનત બાદ પુનમને બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી ત્યારે ગુડા તંત્રએ આ ખોદકામ સમયે મજુરોની પુરતી તકેદારી રાખવા માટે એજન્સીને સૂચના આપવી પડશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OyA7Ye
No comments:
Post a Comment