ખરા દિલથી કરેલા કામની સામે વારતાઓ ચાલતી નથી, કલ્પનાઓ ચાલતી નથી. કામની સામે નામ હવે ચાલે એમ નથી. ભારતીય પ્રજાને કામ જ થાય એ જોઈએ છે. ચૂંટણીઓના પરિણામોમાં આંકડાઓ સિવાય પણ અનેક પુરાણો અને ઉપનિષદો સમાયેલા હોય છે. કોઈ પણ મહત્ત્વની ચૂંટણીનું પરિણામ એ સંબંધિત પ્રદેશની પ્રજાએ દેશને આપેલો મેસેજ હોય છે. નવી દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામે આમ આદમી પાર્ટી અને એના રાજનેતા અરવિંદ કેજરીવાલને ફરી એક વાર વિજય અપાવ્યો છે.
ભાજપે ઊભી કરેલી વ્યર્થ હવાનો લાભ લઈને સટ્ટાખોરો કરોડો રૂપિયા કમાઈ ગયા છે. આમ આદમી પાર્ટીને ૬૨ બેઠકો મળી અને ભાજપે દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છતાંય આઠ બેઠકો જ મેળવી અને વિવિધ બેઠકો પર ડિપોઝિટ પણ ગુમાવી. કોંગ્રેસે તો ડિપોઝિટ ગુમાવવામાં નવો વિક્રમ નોંધાવ્યો. કેટલાક રાષ્ટ્રીય ગંભીર પ્રકારના એજન્ડા પર મુસ્તાક ભાજપને આ વખતે આટલી બધી પછડાટની ધારણા ન હતી.
શિયાળાની ઠંડી મોસમ સાવ વિદાય લે એ પહેલા કેજરીવાલે પોતાના મફલરનું રાજમુકુટમાં રૂપાંતર કરી લીધું છે. તેમની સત્તાકાલીન મોસમ હવે પંચવાષક ચાલશે. પક્ષના નામ પ્રમાણે કેજરીવાલે દિલ્હીના સામાન્ય નાગરિક માટે કામ કરતી સરકારનું જે મોડેલ આપ્યું તે લોકપ્રિય નીવડયું છે. મતદારોમાં બુદ્ધિજીવી નાગરિકોએ પણ કેજરીવાલની સામાન્ય પ્રજા પરત્વેની સહાનુભૂતિને દાદ દેવા માટે આમ આદમી પાર્ટીને જ મત આપ્યા હોવાનું દેખાય છે.
ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓ, વેપારીઓ અને કોર્પોરેટ સેક્ટરના નાના-મોટા મતદારોનો ઝુકાવ પણ આપ તરફ રહ્યો છે. પરિણામો જાહેર થયા પછી સોશ્યલ મીડિયામાં દિલ્હી ભાજપે તરતી મૂકેલી અનેક પોસ્ટમાં હિન્દુઓની જે ટીકા કરી છે તેના ગંભીર પ્રત્યાઘાત પડયા છે. જે હિન્દુ કાર્ડનો ઉપયોગ કરીને ભાજપે વામનમાંથી વિરાટ સ્વરૂપ લીધું એ જ હિન્દુઓ વિરૂદ્ધની ધોધમાર પોસ્ટથી નવી દિલ્હીમાં નારાજગી વધી છે. પરિણામોનો સ્વીકાર કરવાની ખેલદિલી પણ ભાજપ હવે ગુમાવવા લાગ્યો છે.
અરવિંદ કેજરીવાલ કંઈ દિલ્હીના સેવક કે ભક્ત નથી, એ ખૂંખાર રાજકારણી છે. ભાજપ ક્યા પ્રકારનો પક્ષ છે એ કેજરીવાલ બહુ સારી રીતે જાણે છે અને એટલે જ એમણે પોતાની થિયરી અને પ્રેક્ટિસ એવી રીતે અપગ્રેડ કર્યા છે કે કમ સે કમ દિલ્હીમાં તો એને સત્તાથી દૂર રાખી શકાય. કેજરીવાલ એક મહત્ત્વાકાંક્ષી નેતા છે. એ માત્ર વ્યક્તિ નથી, એક વિચારધારા પણ છે. છેલ્લા પાંચ વરસમાં સામે પાણીએ તરીને એમણે દિલ્હીના જનજીવનના પ્રશ્નો ઉકેલ્યા છે.
ભાજપ જે સનદી અધિકારીઓની કાર્યશૈલીથી પ્રભાવિત અને એમને જ આધીન છે એવા અલગ એક સનદી અધિકારી તો કેજરીવાલ ખુદ છે. સરકાર ચલાવવા માટે ભાજપે જે અન્ય બુદ્ધિમત્તામ્ વરિષ્ઠમ્ પર આધાર રાખવો પડે છે તેવી કોઈ તકલીફ કેજરીવાલને તો છે નહિ.
કેજરીવાલ લોકહિતના બહુ કામ કરી ન લે એ માટેનો ભાજપનો સખત જાપ્તો એટલે કે કેન્દ્રનો અસહકાર હોવા છતાં પણ મતદારોના દિલ જીતી શકાય એટલું કામ તો એમણે ધરાર પાર પાડયું જ છે અને એના જ મીઠાં-મધુરા ફળ આ વખતની ચૂંટણીના પરિણામોએ એમને આપ્યા છે.
ભાજપના અથાક પ્રયત્નો છતાં દિલ્હીના નાગરિકો મતદાર તરીકે કોઈ ધર્મ કે જાતિના નામે વિભાજિત ન થયા. આખા દેશમાં જે વિભાવના કાર્યચાલક નીવડી તે દિલ્હીમાં કારગત ન નીવડી. દિલ્હીના પરિણામો ભાજપ માટે બોધદાયક છે. સર્વેક્ષણો અનેક થયા તેમાં મિસ્ટર મોદીને દેશના નેતા તરીકે હજુ પણ દિલ્હીની પ્રજા ચાહતી હોવાના તારણો પ્રગટ થયા છે. ચૂંટણી પહેલા ભાજપે પેઈડ મીડિયાથી એક તબક્કે તો એવી હવા પણ ચલાવી દીધી હતી કે આપને નહિવત્ બેઠકો મળશે. પરંતુ હવામહેલ અને વાસ્તવિક ધરાતલ વચ્ચે આડા-ગાડાનો તફાવત હતો. ભાજપે દિલ્હી વિધાનસભા જીતવા માટે કરેલી મહેનત જરા પણ ઓછી ન હતી.
કોંગ્રેસને તો વિરોધ પક્ષમાં બેસવામાં પણ જાણે કે રસ નથી. પ્રેક્ષક દીર્ઘામાં જ બેસવાનો શોખ છે અને દિલ્હી વિધાનસભામાં ગત ચૂંટણીની જેમ આ વખતે પણ શૂન્ય બેઠક જ મળી છે. એટલે જ કોંગ્રેસ કહે છે કે દિલ્હીમાં અમે કંઈ ગુમાવ્યું નથી. આ કોંગ્રેસની ફકીરી છે. મહાપ્રલય થાય પછી પણ જેની પાસે કંઈ છે જ નહિ એણે શું ગુમાવવાનું હોય ? એ નવાઈની વાત છે કે અધ્યાત્મના રંગો અને ધર્મનો દેખાડો ભાજપ પાસે છે પણ અસલી વૈરાગ્ય તો કોંગ્રેસને જ લાગેલો છે !
કેજરીવાલનો આ વિજય એવા સમયનો છે જ્યારે દેશ એનડીએ સરકારના અનેક નિર્ણયો વિશે અકારણ દ્વિધામાં મૂકાયેલો છે એટલે કોંગ્રેસથીય અધિક આઘાત ભાજપના પક્ષે છે. એ આઘાતને કારણે જ એનાથી સોશ્યલ મીડિયામાં ઉપદ્રવિક અનાચારી ઉદગારો વ્યક્ત થઈ રહ્યા છે. નિષ્ફળતા મળે છે ત્યારે એકલી નથી મળતી, ક્યારેક એની સાથે દુર્બુદ્ધિ પણ મળે છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tSpg4d
No comments:
Post a Comment