ખાના ઔર ખાના-ખરાબી . - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 6 February 2020

ખાના ઔર ખાના-ખરાબી .


દાને દાને પી લીખ્ખા હૈ ખાનેવાલે કા નામ... એ કહેવાત બરબાદ થતા અન્નને જોઈ ફેરવીને કહી શકાય કે દાને દાને લીખ્ખા હૈ દાના બરબાદ કરનેવાલે કા નામ. લગ્ન સમારંભોમાં બુફે હોય  ત્યારે લોકો ડીશમાં ભરાય એટલું ખાવાનું ભરી ભારખટારો બનાવી દે છે. પછી ખાઈ ન શકે એટલે બધું એઠવાડમાં જાય છે. લગ્ન સમારંભો, પાર્ટીઓ,  મિજબાનીઓ અને સામૂહિક ભોજન સમારંભોમાં  અન્નનો વેડફાટ થાય છે તેના આંકડા વાંચીને ચક્કર આવી જાય. ભારતમાં દર વર્ષે ૫૦ હજાર કરોડથી વધુ કિંમતની ખાદ્ય સામગ્રીનો વેટફાટ થાય છે.

એકવીસમી સદીમાં પણ જ્યારે દેશમાં એવાં અગણિત  લોકો છે જેને બે ટાઈમ ભરપેટ ભોજન નથી મળતું. જ્યારે બીજી તરફ કરોડોનું અન્ન વેડફાય છે. બીજું ખેતરમાં અનાજ પાકે અને બજારમાં પહોંચે ત્યાં સુધીમાં પણ અબજોનું અનાજ નષ્ટ થઈ જાય છે. કૃષિ મંત્રાલયના આંકડા પર નજર કરીએ તો દર વર્ષે ૫૦ હજાર કરોડ રૂપિયાનું  અનાજ અને ખાદ્ય સામગ્રી બરબાદ થાય છે આટલા અનાજમાંથી બિહાર જેવા રાજ્યની કુલ વસતીને એક વર્ષ સુધી ભરપેટ ભોજન કરાવી શકાય.

સાઉદી અરેબિયાએ ખાણાનો વેડફાટ અટકાવવા ખાસ ડિઝાઈનની થાળીઓ બનાવી છે. આમાં અમુક માત્રાથી વધું ખાવાનું સમાઈ જ નથી શકતું. આ નવી ડિઝાઈનની થાળી કે ડિઝાઈનને લીધે લગભગ ૩૦ ટકા ખાણાનો વેડફાટ અટક્યો છે. મને તો વિચાર આવે છે કે જ્યાં ભોજન સમારંંભો યોજાતા હોય એવાં હોલની દિવાલો ઉપર ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરતા હોય એવાં કમભાગી લોકોના ફોટા લટકાડવા જોઈએ.

સોશિયલ મિડિયા ઉપર જાગૃત નાગરિકોએ  'અન્ન બચાવ'ના સંદેશા વહેતા મૂકવા જોઈએ. ભોજન સમારભોમાં થઈ ભલે લોકો ટેસથી ખાય પણ જરા પડતું ન મૂકે. આટલું જો થાય અને અન્નનો બચાવ થાય તો કેટલાં ભૂખ્યા લોેકોનું પેટ ભરી શકાય? 'મન કી બાત' કેમ ન થઈ શકે?  અત્યારે તો કહેવું પડે છે કેઃ

અન્ન વેડફનારા

વિરારે જરાબી

કે 'ખાના' વખતે થાય

નહીં ખાના-ખરાબી.

મેરેથોન મેરેજ

શિયાળો આવે એટલે  બધે મેરેથોનની દોડાદોડી  શરૂ થઈ જાય. ફુલ મેરેથોન અને હાફ મેરેથોનમાં   મુઠ્ઠીઓ વાળીને દોડનારા નીકળી પડે. કહેવત છે ને કે જે છોડે એનું નસીબ પણ દોડે પણ ઈન્દોરમાં  હમણાં એક અજબ સીન જોવા મળ્યો.  અચકન-શેરવાની  અને માથે શેરવાની અને પગમાં ચમચમતી મોજડી પહેરીને વરરાજા રસ્તા ઉપર દોડતા હતા અને એની પાછળ જાનૈયાઓ પણ દોડતા હતા.

લગભગ ૧૧ કિલોમીટરની દોડ લગાવીને વરરાજા અને જાનૈયાઓ લગ્નના માંડવે પહોંચ્યા ત્યારે હાંફી રહ્યા હતા. કન્યાપક્ષ વાળા પણ આશ્ચર્યમાં પડી ગયા.  પછી આ વરદોડનું  સાચું કારણ જાણવા મળ્યું. શરીરની ફિટનેસ ટકી રહે એ માટે દોડવાનું  કેટલું જરૂરી છે. એ સંદેશો શહેરવાસીઓને  આપવા માટે વરરાજા ૧૧ કિલોમીટર દોડીને લગ્નને માંડવે પહોંચ્યા હતા અને હાંફતા બાંફતા માંડવામાંય સંદેશ આપ્યો કેઃ

તબિયત રાખવા ટનાટન

મુઠ્ઠીઓ વાળી રન... રન

સ્ટેશનના નામ સંસ્કૃતમાં

ગામ નામ સત્ય હૈ... ટ્રેનમાં પ્રવાસ કરતા હોઈએ તો નવા નવા ગામના નામ વાંચવા મળે. હિન્દી અને અંગ્રેજીમાં  નામો લખેલા હોય એટલે  સહેલાઈથી વાંચી શકાય. પણ ઉત્તરાખંડ સરકારે હવે નવો નિર્ણય લીધો છે.  ત્યાંના તમામ રેલવે સ્ટેશનો ઉપર ગામના નામ સંસ્કૃત ભાષામાં લખાયેલા  હશે. જોકે એટલું સારૂં છે કે અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ત્રીજી ભાષા સંસ્કૃતમાં ગામના નામ લખાશે.  અત્યાર સુધી ઉત્તરાખંડમાં સંસ્કૃતને બદલે ઉર્દૂમાં નામ લખાતા.  આનુંકારણ એ છે કે ઉત્તરાખંડમાં સંસ્કૃતને રાજકીય ભાષાનો દરજજો  આપવામાં આવ્યો છે. 

ઉત્તર પ્રદેશના ભાગલા નહોતા થયા ત્યારે રાજકીય ભાષા ઊર્દૂ હતી. પણ ઉત્તરાખંડ સ્વતંત્ર રાજ્ય બન્યા પછી સંસ્કૃતને રાજ્કીય ભાષાનો દરજજો આપનારૂં પહેલું જ સ્ટેટ બન્યું છે. સંસ્કૃત દેવવાણી ગણાય છે. પરંતુ આજે બોલચાલમાં તેનો નહિંવત ઉપયોગ થાય છે. આથી હળવાશથી કહી શકાય કે પરણીને જ ે પતિ થાય એ વહુ સામે બોલી નથી શક્તો.  એટલે સંસ્કૃત દેવવાણી છે છતાં તેની સ્થિતિ અત્યારે પતિ-દેવવાણી જેવી છે.

રેલ કોચમાં કલાસ

રેલગાડી... રેલગાડી... બીચ વાલે સ્ટેશન બોલે રૂક... રૂક... રૂક... રૂક... 'આશીર્વાદ' ફિલ્મમાં મહાન અભિનેતા અશોકકુમાર બાળકો સાતે ગાડી ગાડી રમતા આ ગીત ગાઈને અમર કરી દીધું. બાળપણમાં જો ભૂલકાઓને સૌથી વધુ મનગમતી રમત હોય તો તે ગાડી ગાડી રમવાની છે. હવે જરા કલ્પના કરો કે આ બાળકોને સાચા ગાડીના ડબાની અંદર બેસી ભણવાનુંહોય તો કેવી મજા આવે? બાળકો હસતા-ખેલતા ભણતા જાય માટે કર્ણાટકના મૈસુર શહેરની રેલવે કોલોનીમાં ટ્રેનના બે ડબાને  સુંદર બાલમંદિરમાં ફેરવી નાખવામાં આવ્યા છે.

આ બે કોચને નવેસરથી આકર્ષક રંગોથી  રંગવામાં આવ્યા છે અને તેની ઉપર  માસુમોને આકર્ષે એવું સુંદર ચિત્રકામ કરવામાં આવ્યું છે. ડબાની અંદર બાળકોને બેસવા માટે  સુંદર મજાની બેન્ચો છે. ટોઈલેટ, લાઈટ અને પંખાની સગવડ છે. એક ડબામાં  ચોથી અને પાંચમીના વર્ગ લેવાય છે. બીજા કોચમાં નાનકડો હોલ બનાવવામાં આવ્યો છે.

આ હોલમાં બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિ અને કાર્યક્રમો  થાય છે.  આખા દેશમાં ઠેકઠેકાણે રેલવે સ્ટેશનો  નજીક પડયા રહેતા નક્કામા રેલવેના ડબામાં જો આ રીતે બાલમંદિરો ખોલવામાં આવે તો કેટલો ખર્ચ બચી જાય? બીજું બાળકો પણ કેવાં આનંદથી ભણી શકે? રેલવેના કોચને  જોઈને જ હરખાતા હરખાતા દોડી જાયઃ ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ...

તિરૂપતિમાં લાડુ નિઃશુલ્ક

મફતના લાડુ વધુ મીઠા લાગે. એમાં પણ લાડુ પ્રસાદના હોય તો સ્વાદની સાથે શ્રદ્ધા ભળવાથી ઔર મીઠા લાગે. તિરૂપતિ બાલાજીના દર્શને રોજ આવતા હજારો ભક્તો માટે લાડુના પ્રસાદનું ખૂબ જ મહત્ત્વ છે. બાલાજીના ભક્તો માટે સારા સમાચાર છે. તિરૂમલા તિરુપતિ દેવસ્થાનમ તરફથી  તમામ શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક લાડુનો પ્રસાદ આપવામાં આવશે.

અત્યાર સુધી દરરોજ લગભગ ૨૦ હજાર ફ્રી લાડુ આસ્થાળુઓને અપાતા હતા.  પણ નવી નીતિ અંતર્ગત રોજ ૮૦ હજાર લાડુનો  પ્રસાદ નિઃશુલ્ક અપાશે. એક લાડુનું વજન ૧૭૫ ગ્રામ હોય છે. જો કોઈ ભક્તને ફ્રી લાડુ ઉપરાંત પણ વધુ લાડુ જોઈતા હશે તો વધારાના દરેક લાડુ દિઠ ૫૦ રૂપિયા ચૂકવવા પડશે.  કહે છેને કે પ્રવાસમાં  ભક્તિ ભળે તો યાત્રા બની જાય,  ગીતમાં ભક્તિ ભળે તો ભજન બની જાય અને લાડુમાં શ્રદ્ધા ભળે તો પ્રસાદ  બની જાય. આમાં શ્રદ્ધાની કિંમત છે, લાડુની નહીં 

પંચ-વાણી

'જય જવાન જય કિસાન'

લાલબહાદુર શાસ્ત્રીજીએ આપેલા આ સૂત્રનો   અત્યારની પરિસ્થિતિમાં શું અર્થ કાઢી શકાય ખબર છે?

કિસાન પાકને લણે

જવાન 'પાક'ને હણે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OwZuti

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages