
ભાજપના નવા પ્રમુખ પણ દિલ્હીમાં વિજય મેળવીને પોતાની પ્રથમ સિક્સ મારવા મથે છે...
દિલ્હી વિઘાનસભાનો જંગ જીતવા દરેક પક્ષ તનતોડ પ્રયાસ કરી રહ્યો છે. કોણ જીતશે તે અંગે કોઇ કહી શકે એમ નથી. જ્યોતિષોના રાજકીય ભવિષ્ય પર કોઇ ભરોસો રાખતું નથી. દિલ્હીમાં વિધાનસભાના જંગ સાથે શાહીન બાગનો જંગ પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. શાહીન બાગના જંગની અસર ચૂંટણીઓ પર પણ પડી શકે છે.
દિલ્હીની ચૂંટણીમાં ભાજપ હારે એમ વિપક્ષો ઇચ્છે તે તો સમજી શકાય પણ પાડોશી દેશ પાકિસ્તાન પણ ઇચ્છે છે કે મોદીના નેતૃત્વ વાળો પક્ષ ભાજપ હારે. આવતી કાલે મતદાન છે.
માંડ ૭૦ બેઠકો ધરાવતા દિલ્હી માટેનો જંગ રસપ્રદ બનવાની સાથે તીવ્ર રસાકસી વાળો પણ બન્યો છે. અરવિંદ કેજરીવાલ ફરી મુખ્ય પ્રધાન બનીને કિંગ કિલર બનવા મથે છે. જો તે ભાજપને રોકી શકે તો રાષ્ટ્રીય ફલક પર તેમની વેલ્યૂ ઉભી થાય અને તે વિપક્ષી એકતાના મુખ્ય સૂત્રધાર બની શકે.
અરવિંદ કેજરીવાલની કમનસીબી એછે કે તે પોતાની ક્ષમતા કરતાં પણ વધુ મહત્વકાંક્ષી છે. દરેકને ચોર અને કામચોર કહી ચૂકેલા કેજરીવાલ માટે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ કાળ બનીને આવ્યો છે. જેના કારણે દિલ્હીના મતોનું વિભાજન થયું છે.
ભૂતકાળ પર નજર કરીએ તો કેજરીવાલે ઉભો કરેલો પક્ષ આમ આદમી પાર્ટી કોઇ રાજ્યમાં પગપેસારો કરી શક્યું નથી. દિલ્હી જીત્યા પછીની કોઇ ચૂંટણીઓ તે જીતી શક્યા નથી. વિજળી ફ્રી, મહિલાઓ માટે બસ ફ્રી જેવી સ્કીમોને દિલ્હીને લોકો ખેરાત સમજી રહ્યા છે. લોકસભાના જંગમાં તે તમામ છ બેઠકો હાર્યા હતા.
સતત હારતા રહેલા કેજરીવાલ આ વખતે જો દિલ્હી ગુમાવે તો ઘરભેગા થઇ જાય એવી સ્થિતિ છે. તેમની રાજકીય કારકિર્દી દિલ્હીની હારજીત સાથે જોડાયેલી છે. વિપક્ષી નેતાઓના ટોળામાં તે રાષ્ટ્રીયનેતા તરીકે પોતાની છાપ ઉભી કરવા માંગે છે. જો તે હારે તો અને કોઇ રાજ્યમાં તેમની હાજરી નહીં હોવાના કારણે તેમના રાજકીય અસ્તિત્વનો સવાલ ઉભો થાય છે.
ભાજપ માટે રાજકીય અસ્તિત્વનો કોઇ મુદ્દો નથી. છતાં દિલ્હી જીતવા તેણે કમર એટલા માટે કસી છે કે તે વિપક્ષી એકતાની વાતો અને સિટીઝન એમનેડમેન્ટ એક્ટ પર ફેલાયેલા જુઠ્ઠાણાઓ પર જીત મેળવવા માંગે છે. શાહીનબાગના દેખાવો ના કારણે ભાજપ વધુ ભૂરાંટુ થયું છે. ભાજપના નવા વરાયેલા પ્રમુખ જે.પી.નડા પણ દિલ્હીમાં વિજય મેળવીને પોતાની પ્રથમ સિક્સ મારવા મથે છે.
ભાજપની કમનસીબી એ છે કે મહારાષ્ટ્ર તેના હાથમાંથી સરકી ગયું હતું. રાજકીય ગેમ રમવામાં ભાજપ કરતાં વધુ ઉસ્તાદ શિવસેના સાબિત થઇ હતી. ત્યારબાદ હરિયાણામાં ભાજપે ટેકેા લેવો પડયો હતો તો ઝારખંડમાં ધબડકો થયો હતો.
ભાજપે દિલ્હી પડાવી લેવા દરેક દાવ અજમાવ્યા છે. છેલ્લે રીસાયેલા શિરોમણી અકાલીદળને પણ પોતાની તરફ ખેંચવાના પ્રયાસોમાં સફળતા મેળવી હતી. ભાજપે તેના નેતાની ફોજ ઉતારી છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં કેજરીવાલને પ્રજાને કશું મફત આપવાની જાહેરાત નથી કરી પરંતુ કેન્દ્ર સરકારની તમામ સ્કીમોનો ત્વરીત અમલ શરુ કરવાનું વચન આપ્યું છે. હાલમાં કેન્દ્ર સરકારની સ્કીમોનો અમલ કેજરીવાલ કરતા નથી જેથી હજારો લોકોને તેનો લાભ નથી મળતો.
ભાજપે શાહીનબાગના કિસ્સાને મતમાં ફેરવવાના પ્રયાસો શરુ કર્યા છે. નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાનું અટકી રહ્યા પાછળનું કારણ કેજરીવાલ છે એમ નિર્ભયાના પિતા જાહેરમાં કહી રહ્યા છે. બહુ ઓછા વાચકોને ખબર હશે કે કેજરીવાલ સામે નિર્ભયાની માતાનેે ટીકીટ આપવા ભાજપે પ્રયાસો કર્યા હતા.
ટૂકમાં ભાજપે આ ગેમ જીતવા તકો ઉભી કરી છે અને તેનો લાભ પણ ઉઠાવ્યો છે. અહીં કોંગ્રેસે બહુ પ્રયાસ નથી કર્યા કેમકે કોંગ્રેસનો મુખ્ય હેતુ ભાજપને હરાવવાનો છે. ભાજપ શાસિત રાજ્યોની ઘટતી સંખ્યાનો સિલસિલો જળવાઇ રહે તેમ કોંગ્રેસ ઇચ્છે છે. આમ આદમીના વોટ ના તૂટે એવા પ્રયાસો કોંગ્રેસે કર્યા છે. નથી તો રાહુલ ગાંધીએ કે નહીંતો પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર માટે કોઇ ડોર ટુ ડોર પ્રચાર કર્યો.
દિલ્હી જીતવા દરેકે પોતાની વ્યૂહ રચના અપનાવી છે. કેજરીવાલની એકલા હાથે લડાતી ફાઇટ પ્રશંસનીય છે તેા ચૂંટણી વ્યૂહ રચનામાં ભાજપની તોલે કોઇ આવી શકે એમ નથી. યોગી અને મોદીની રેલીને મળેલો રીસ્પોન્સ જોઇને કેજરીવાલ ઠંડા પડી ગયા છે.
દિલ્હી વિધાવસભા જંગની ગેમ એવી રીતે ગોઠવાઇ છે કે દેશના તમામ વિપક્ષો અને પાકિસ્તાન પણ ભાજપ હારે એમ ઇચ્છે છે. શાહીનબાગમાં સીએએનો વિરોધ કેજરીવાલને ફળશે કે ભાજપને ફળશે તે જોવા ૧૧ ફેબુ્રઆરીની રાહ જોવી પડશે.
- પ્રસંગપટ
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uhmYMt
No comments:
Post a Comment