
આણંદ, તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા ગતરોજ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં એજન્ડાના ૪૧ કામો તેમજ અધ્યક્ષસ્થાનેથી વધારાના બે કામ મળી કુલ ૪૩ કામો પૈકી વિરોધ પક્ષ દ્વારા સાત કામોમાં વિરોધ નોંધાવાયો હતો. સામાન્ય સભામાં ૮૦ લાખના પુરાંતવાળુ બજેટ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.
પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા ગતરોજ બપોરના સુમારે પાલિકા હોલ ખાતે યોજાઈ હતી. સભાની શરૂઆતમાં અગાઉના કામોનું પ્રોસીડીંગ વંચાણમાં લેવાયું હતું. સામાન્ય સભામાં એજન્ડાના ૪૧ તેમજ અધ્યક્ષ સ્થાનેથી વધારાના બે કામો મળી કુલ ૪૩ કામો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. જેમાં ૭ કામોમાં વિરોધ પક્ષ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
એજન્ડાના અન્ય કામોમાં ગટરના કામો, સેવરજેટીંગ મશીન ખરીદી, મીની ટ્રેક્ટર ખરીદી, અર્જુનશા દરગાહ પાસે ગાર્ડન બનાવવાની કામગીરી, પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જાહેર વિસ્તાર, શેરીઓ, સોસાયટીઓ વગેરે જગ્યાએ વિસ્તારો દર્શાવતા બોર્ડ મુકવા, ભુગર્ભ ગટર યોજનાના નવીન કનેક્શન, સંતરામપુરા ખાતે નવીન પાણીની ટાંકીનું નિર્માણ તથા હયાત જર્જરીત થઈ ગયેલ ટાંકીને તોડી આશરે ૫૦ લાખના કામની બાબત, પરમાણીયા તળાવના બ્યુટીફીકેશનનું કામ, વિવિધ વિસ્તારોમાં હાઈરાઈઝ્ડ ઈલેક્ટ્રીક એલઈડી પોલ ઉભા કરવા તેમજ વહીવટી કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં રજૂ થયેલ બજેટમાં રૂા.૨ કરોડ નગરપાલિકા ભવન માટે અંદાજિત બતાવાયા છે.
અંદાજિત રૂા.૪ કરોડના ખર્ચે નવીન ટાઉનહોલનું નિર્માણ કરાશે. જ્યારે નગરપાલિકાને મળનાર ૧૪માં નાણાં પંચમાંથી આંતર માળખાકીય સુવિધાઓની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂા.૮ કરોડ ઉપરાંતના વિકાસના કામો હાથ ધરાશે. પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ ૩૨ સભ્યો હાજર રહ્યા હતા. નગરપાલિકાની સામાન્ય સભામાંથી સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ચકમક પણ ઝરી હતી અને બાદમાં સાત કામોમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવાતા તેમાં સુધારો કરી બહુમતીથી મંજુર કરવામાં આવ્યા હતા.
મૃત પશુઓના નિકાલ માટે ભઠ્ઠી બનાવવાનું નક્કી થયું
પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભામાં રજૂ કરાયેલ કામો પૈકી મૃતપશુના નિકાલ માટે ભઠ્ઠી બનાવવા અંગે સહમતી સધાઈ છે. રાજ્યની નગરપાલિકાઓમાં પેટલાદ નગરપાલિકા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. જેમાં મૃત પશુઓના નિકાલ અર્થે ગેસ આધારિત ભઠ્ઠી બનાવવામાં આવશે. રોગિષ્ટ મૃત પશુને દાટવાથી જમીન તેમજ આસપાસના જળાશયોને નુકસાન થવાની સંભાવના હોઈ આ અંગે તર્ક રજૂ કરાતા કુદરતી સંપત્તિને રક્ષણ મળે તે હેતુથી મૃત પશુઓને ગેસ ભઠ્ઠીમાં નિકાલ કરવા અંગેના કામને સર્વાનુમતે મંજુરી અપાઈ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2utZT9q
No comments:
Post a Comment