ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિક
''એ ત્રણેયના તોફાન-મસ્તી જંગલી ટાઈપના હતા.'' ગજ્જરે માહિતી આપી.''કોઈ ડાહ્યો માણસ વિચારે પણ નહીં એવી ચિત્ર-વિચિત્ર શરતો મારે.''
''તમે તો દીકરાને ત્યાં મુંબઈમાં છ મહિના જલસા કરી આવ્યા ને મારે ગામ છોડીને ક્યાંય જવાતું નથી.''
અમદાવાદથી ધંધૂકા જતી વખતે ફેદરાથી ડાબી તરફ વળી જઈએ તો પહેલા પચ્છમ આવે. એ પછી જે નાનકડું ગામ આવે ત્યાં રહેતા વસંતભાઈ દીકરાને ત્યાં રહીને પાછા આવ્યા ત્યારે એમનો બાળગોઠિયો હર્ષદ મળવા આવ્યો હતો. ચા પીતી વખતે હર્ષદ ગામની નવાજૂનીના સમાચાર આપી રહ્યો હતો.જન્મમરણની માહિતી આપી દીધા પછી પણ હર્ષદનું બોલવાનું ચાલુ હતું.
''મેમમાતાના મંદિરમાં એક પૂજારી આવ્યો છે સાધુઓના રાતવાસા માટે વર્ષો અગાઉ હરગોવિંદદાદાએ એક ઓરડી બનાવડાવેલી. એ સાવ ખંડેર ઓરડીને આ સાધુએ મહેનત કરીને રહેવા જેવી બનાવી દીધી. સરસ મજાનો બગીચો બનાવીને આખું સ્થાનક એણે રળિયામણું બનાવી દીધું છે. પાંત્રીસેક વર્ષની ઉંમરનો હટ્ટોકટ્ટો પણ છે જ્ઞાની પુરુષ.બધાએ નામ પૂછેલું ત્યારે કહે કે પ્રભુનો સેવક છું એટલે સેવકરામ કહેજો.રામાયણની ચોપાઈઓ સરસ રીતે લલકારે અને સવાર-સાંજ પૂજા આરતી કરે છે એટલે ગામના લોકોય હવે એ ટાઈમે ત્યાં પહોંચી જાય છે.''
હર્ષદે સમાચારની દિશા બદલી. ''નિશાળમાં નવા કડકછાપ હેડમાસ્તર આવ્યા છે. એ શુકલસાહેબની છોકરાંઓ ઉપર તો ધાક છે પણ બાકીના માસ્તરોય સીધા નેતર જેવા થઈ ગયા છે.''
બીજી આડીઅવળી વાતો કરીને હર્ષદે વિદાય લીધી.
મંદિરમાં બે સમય પૂજા કરવાની અને પેટપૂજા માટે એક સમય રસોઈ બનાવવાની. એ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ નહોતી એટલે સેવકરામે પોતાનો સમય અને શક્તિનો ઉપયોગ કરીને મંદિર પરિસરને ચોખ્ખુંચણાક બનાવી દીધું હતું. તાલુકેથી રોપા મંગાવીને બગીચો બનાવવામાં ગામલોકોની પણ મદદ મળેલી. લોકો મંદિરે આવે ત્યારે એમને બેસવા માટે સરપંચે પાંચ બાંકડા મૂકાવેલા.
એ બાંકડામાંથી જ બબાલ શરૂ થશે એની સરપંચને કલ્પના નહોતી.ચાર યુવાનોએ રોજ બપોરે આવીને એ બાંકડાઓ ઉપર બેસવાનું શરૂ કર્યું હતું. વાતો કરે કે મોટેથી હાહાહીહી કરે ત્યાં સુધી સેવકરામ એમને કંઈ કહી શકે એમ નહોતો.એ પોતે પારકો હતો અને આ ચારેય તો ગામના જ હતા. સાંજે છ વાગ્યે ગામલોકો આવવાનું શરૂ કરે એ અગાઉ એ ચારેય જતા રહેતા હતા.
એક દિવસ એ ચારેય ગયા પછી સેવકરામે જોયું તો બાંકડાઓ પાસે પ્લાસ્ટિકની કોથળીઓ પડી હતી. નજીક જઈને એણે ઉઠાવી તો ગંધ ઉપરથી ખ્યાલ આવ્યો કે એ દારૂની પોટલીઓ હતી. મહેફિલ માણીને એ મવાલીઓ રવાના થઈ ગયા હતા. હવે શું કરવું? ગામલોકોની મહેરબાની ઉપર જીવવાનું હતું.દેખાવ અને કપડાં ઉપરથી આ ચારેય પૈસાવાળા હોય એવું લાગતું હતું એટલે સેવકરામે કોઈને ફરિયાદ ના કરી. એ પછીના અઠવાડિયે એ ચારેયની સાથે એક પાંચમો યુવાન પણ ભળ્યો અને બે બાંકડાઓ ભેગા કરીને એ પાંચેય જણાએ જુગાર રમવાનું શરૂ કર્યું. જુગારની સાથે દારૂની પોટલીઓનું પ્રમાણ પણ વધી ગયું.
શુકલસાહેબ સાંજે આવ્યા ત્યારે બીજું કોઈ હાજર નહોતું એટલે સેવકરામે એ પાંચેય મવાલીઓના ગોરખધંધાની વાત કહી. શુકલસાહેબ ચમક્યા. બીજા દિવસે બપોરે એ છાનામાના આવ્યા અને ખાતરી કરી લીધી. ત્રીજા દિવસે એમણે ધોલેરા પોલીસ સ્ટેશને ફોન કરીને કહ્યું કે ઘમઘમાટ આવશો તો બધા ભાગી જશે પણ ગુપચુપ આવીને છાપો મારશો તો દારૂ અને જુગારના પાંચ આરોપીઓ ઝડપાઈ જશે.ધોલેરા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સ્પેક્ટર ચુડાસમાએ જીપ ખાસ્સી દૂર ઊભી રખાવી અને સાત કોન્સ્ટેબલ એક સાથે ત્રાટક્યા અને પેલા પાંચેયને દબોચી લીધા.
''તારી જાતના બાવા! હવે તને નહીં છોડું.'' એ પાંચેયનો નેતા બાબુ હતો. પોલીસની હાજરીમાં એણે સેવકરામને ધમકી આપી. '' છૂટીને આવું એ પછી તારો વારો પાડી દઈશ.'' પોલીસની જીપ એમને લઈને ધોલેરા પહોંચી એ પછી દોઢેક કલાકમાં બે વકીલ સાથે ગામના મોભાદાર માણસો ત્યાં પહોંચી ગયા અને પાંચેયને જામીન ઉપર છોડાવી લાવ્યા.એ લોકો પાછા આવ્યા ત્યારે મંદિરમાં આરતી પતવા આવી હતી.
''બાવા! હવે તારો ભગવાન પણ તને નહીં બચાવી શકે..'' બધાની હાજરીમાં સેવકરામની ફેંટ પકડીને બાબુએ કહ્યું. ''અમે તો છૂટી ગયા,પણ તને ચાર દિવસનો ટાઈમ આપું છું. જીવતા રહેવું હોય તો ગામ છોડીને ભાગી જા,નહીં તો મરવા માટે તૈયાર રહેજે.'' ગામલોકોએ એને અટકાવ્યો એટલે ગુસ્સાથી ધૂંધવાતા મગજ સાથે એ ત્યાંથી જતો રહ્યો.
''તમે જ કહો કે મારે શું કરવું?'' બધાની વચ્ચે ઊભા રહીને સેવકરામે પૂછયું.''ગામ છોડવાની મારી ઈચ્છા નથી અને કમોતે મરવાની મરજી નથી.તમે કહો એમ કરીશ.'' ''તારે ક્યાંય જવાની કે ડરવાની જરૂર નથી.'' બધા વતી કાંતિકાકાએ ખાતરી આપી. ''એ બાબુ બડબડિયો છે. ગુસ્સામાં આવીને બબડાટ કરે બાકી કોઈને મારવાની એની તાકાત નથી.'' એમણે હસીને ઉમેર્યું. ''અલ્યા,ઈશ્વરના આશરે રહીને કોઈ અડબંગથી ડરવાનું શોભે છે તને?''
પાંચમા દિવસે સવારમાં રઘુ ભરવાડ દૂધ આપવા આવ્યો ત્યારે એ હબકી ગયો. એણે ચીસાચીસ કરી એટલે આખુંય ગામ ત્યાં દોડી આવ્યું. ઓરડીની વચ્ચોવચ લોહીના ખાબોચિયામાં સેવકરામની લાશ પડી હતી. હત્યારાએ છાતી અને પેટમાં છરા જેવા તીક્ષ્ણ હથિયારથી પંદરેક ઘા મારીને કામ પતાવેલું હતું.
કોઈકે ધોલેરા પોલીસ સ્ટેશને ફોન કરીને જાણ કરી એટલે ચાલીસ મિનિટમાં જીપ આવી ગઈ. સબ ઈન્સ્પેક્ટર સૈયદ અને એની ટીમે કાયદેસરની કાર્યવાહી પતાવી એ પછી ચુડાસમાએ ઓરડીમાં અને ચારેય બાજુ નિરીક્ષણ કર્યું. પછી બાબુ અને એના ચારેય મિત્રોને પકડીને લોકઅપમાં નાખી દીધા.
''અમે પાંચેય ભાઈબંધો આખી રાત હેમુભાબાપુની ડેલીએ હતા. એમના દીકરીના લગ્ન છે એટલે એમની ડેલીની જોડેનો વંડો સાફ કરવાનો હતો.રાત્રે અઢી વાગ્યા સુધી ત્યાં હતા. પછી બાપુએ મારાજ પાસે મેથીના ગોટા બનાવડાવ્યા. એ ચા-નાસ્તો પત્યો ત્યારે પરોઢિયાના ચાર વાગ્યા હતા.એ પછી થાકેલા હતા એટલે ડેલીના ફળિયામાં જ ખાટલા નાખીને અમે બધા સૂઈ ગયેલા. બાપુ છેક સુધી અમારી સાથે જ હતા. સવારે કોઈકે ડેલી ખખડાવીને અમને જગાડયા અને સમાચાર આપ્યા ત્યારે ખબર પડી કે બાવાને કોઈકે મારી નાખ્યો.''ચુડાસમા પાસે આ ખુલાસો કરતી વખતે બાબુનો અવાજ સ્વસ્થ હતો.''તમે હેમુભાબાપુને પૂછી જુઓ.'' એણે ચુડાસમા સામે હાથ જોડયા.''સાહેબ! બોલતી વખતે મગજ કન્ટ્રોલમાં નથી રહેતું .એને ધમકાવેલો એ વાત સાચી, પણ બાવાને મારીને મને શું ફાયદો? ઝઘડો થાય ત્યારે મારવાની ધમકી આપું પણ બે દિવસ પછી સાથે ચા-પાણી પીને બધું ભૂલી જવાનું. ગામમાં ગમે તેને પૂછજો.''
હેમુભાબાપુ એટલે આખા તાલુકામાં મોટું માથું ગણાય એવા ખમતીધર દરબાર. ચુડાસમાએ ફોન કર્યો ત્યારે એમણે બાબુની કેફિયતને સમર્થન આપ્યું. હમણાં ગામ છોડીને ક્યાંય જતા નહીં એવી તાકીદ કરીને ચુડાસમાએ એ પાંચેયને રવાના કર્યા.
હવે આ અજાણ્યા બાવાના હત્યારાને કઈ રીતે શોધવો? સૈયદને સાથે લઈને એ મંદિરે આવ્યા અને ઓરડીમાં પડેલા સેવકરામના સામાનમાં શોધખોળ શરૂ કરી. કપડાં સિવાય મોબાઈલ,કોઈ કાગળ કે ચિઠ્ઠી જેવું પણ સામાનમાં નહોતું. એક લેંઘાના ખિસ્સામાંથી ચોળાયેલું એક વિઝિટિંગ કાર્ડ મળ્યું એ જોઈને ચુડાસમાની આંખ ચમકી.અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા પ્રમુખ ફેબ્રિકેશન વર્કના માલિક દીપક ગજ્જરના એ કાર્ડના આધારે આગળ વધવાનું હતું.
''સૈયદ, એક સોસિયલ કામે કાલે અમદાવાદ જવાનું છે એટલે આ ગજ્જરને મળી લઈશ. નસીબ હશે તો કોઈક છેડો મળશે.''
ચુડાસમાનું પડછંદ વ્યક્તિત્વ એવું પ્રભાવશાળી હતું કે એ સિવિલ ડ્રેસમાં હોય તો પણ લોકોને ખ્યાલ આવી જાય કે આ માણસ મિલેટ્રિ કે પોલીસ ખાતામાં હશે.અમદાવાદમાં એ પ્રમુખ ફેબ્રિકેશન વર્કની આફિસમાં ગયા એટલે એનો માલિક દીપક ગજ્જર ખુરસીમાંથી ઊભો થઈ ગયો.
''આ માણસને ઓળખો છો ?'' સેવકરામની લાશના ફોટા ગજ્જરના ટેબલ પર મૂકીને ચુડાસમાએ સીધું જ પૂછયું.પછી પોતાનો પરિચય આપીને ઉમેર્યુૂં.''આ સેવકરામનું ખૂન થયું છે. એની માહિતી માટે આવ્યો છું.''
ફોટા ઉપર નજર ફેરવીને ગજ્જરે પટાવાળાને બોલાવીને પાણી અને ચા લાવવા સૂચના આપી.
''આપ જેને સેવકરામ કહો છો એનું સાચું નામ રામશરણ મિશ્રા છે.'' ચુડાસમા સામે જોઈને ગજ્જરે બોલવાનું શરૂ કર્યું. ''બિહારના ગામડામાં એના બાપા મંદિરના પૂજારી છે. આ હીરોનેય બધું આવડતું હતું. ચાર વર્ષ પહેલા આવીને કરગરેલો એટલે મેં નોકરીમાં રાખેલો.આમેય લોખંડ જોડે બથોડા લેવામાં બિહાર-યુ.પી.થી આવેલા માણસો જ ચાલે. મારા ત્રણેય કારીગર ત્યાંના જ હતા.એક આ રામશરણ મિશ્રા,બીજો રંજન યાદવ અને ત્રીજો હોંશીલાલ. અહીં ફેક્ટરીમાં જ એ ત્રણેય સગા ભાઈની જેમ રહેતા હતા. બધાની રસોઈ રામશરણ બનાવે.ત્રણેય સાથે જમે.દર મહિને લોટ-તેલ અને શાકભાજીનો હિસાબ અંદરોઅંદર સમજી લેતા હતા.''
''તો પછી નોકરી છોડીને રામશરણ ગામડે કેમ આવ્યો? બાવો બનીને સંતાઈ કેમ રહ્યો?'' ચાનો કપ હાથમાં લઈને ચુડાસમાએ પૂછયું.
''એ ત્રણેયના તોફાન-મસ્તી જંગલી ટાઈપના હતા.'' ગજ્જરે માહિતી આપી.''કોઈ ડાહ્યો માણસ વિચારે પણ નહીં એવી ચિત્ર-વિચિત્ર શરતો મારે. બ્રેડ ઉપર માખણની જેમ ગ્રીસ લગાડીને ખાવાની શરત કોઈ મારે? અહીંથી ચાર પગે ચાલતા છેક કેમ્પના હનુમાન જવાનું કોઈ વિચારે? એ ત્રણેય રજાના દિવસે આવી ગાંડા જેવી શરતો મારે. હું ટોકું પણ એ લોકો ના માને.''
મૂળ વાત પર આવતી વખતે ગજ્જર લગીર અટક્યો.
''મારી ફેક્ટરીની બાજુમાં ગેરેજ છે. એનું કોમ્પ્રેસર બે દિવસ માટે હું લાવેલો.રાત્રે હું ઘેર ગયો પછી આ વાંદરાઓને કોમ્પ્રેસરની રમત સૂઝી.કંઈક શરત લાગી અને રમત રમતમાં આ રામશરણે કોમ્પ્રેસરનો પાઈપ રંજન યાદવની પાછળ ઘૂસાડીને હવા ચાલુ કરી. પેલો ચીસો પાડવા લાગ્યો તોય એ નાટક કરે છે એમ માનીને રામશરણ અટક્યો નહીં. યાદવના આંતરડા ફાટી ગયા ને એ ઢળી પડયો ત્યારે આ ડોબાને ભાન આવ્યું! યાદવની લાશ જોઈને એને પોતાની ભૂલનું ભાન થયું. એક થાળીમાં સાથે જમનારો મિત્ર પોતાની મૂર્ખામીથી મરી ગયો એ પસ્તાવા સાથે ખૂબ રડયો. પછી ગભરાયો અને પોતાનું પોટલું લઈને ભાગી ગયો. એણે ડફોળાઈ કરી અને પોલીસવાળાએ મારી પથારી ફેરવી નાખી. યાદવના બે ભાઈઓ યુ.પી.થી આવી ગયા. મારો કોઈ વાંક-ગુનો તો હતો નહીં એ છતાં,એમને વળતર રૂપે ત્રીસ હજાર રૂપિયા આપ્યા.એ બંનેને નોકરીની જરૂર હતી અને મારા બે માણસો ઓછા થઈ ગયેલા એટલે એ બંનેને મારે ત્યાં જ રાખી લીધા.''
આટલી વાત સાંભળીને ચુડાસમાએ મનોમન તાળો મેળવ્યો કે પોતાના ભાઈનો હત્યારો ક્યાં છે એની જાણકારી આ બંને ભાઈઓને મળી ગઈ હશે.
''યાદવના ભાઈઓ અને હોંશીલાલ અત્યારે ક્યાં છે?''એમણે ગજ્જરને પૂછયું.
''આજે રજા રાખી છે એટલે એ ત્રણેય ફરવા ઉપડયા છે.''
''એમનો સામાન ક્યાં પડયો છે?''
ગજ્જરે ઓરડી ખોલી.ત્રણેયના થેલા અલગ અલગ ખૂણામાં પડયા હતા. ત્યાં ઉભડક પગે બેસીને ચુડાસમાએ હુંશીલાલનો થેલો ખાલી કર્યો અને એમાં હતી એ વસ્તુઓ ચકાસવાનું શરૂ કર્યું. ગામડેથી રામશરણે કાગળ લખેલો એ મળી ગયો એટલે બીજું કંઈ ફંફોસવાની જરૂર નહોતી.
''પોતે ભાગી ગયો પછી પાછળથી શું થયું એ જાણવા માટે રામશરણે હુંશીલાલને કાગળ લખેલો.એમાં પોતે ક્યાં છે એની પણ જાણ કરેલી. હુંશીલાલે એ બાતમી યાદવના ભાઈઓને આપી હશે.''
મંદિરની પાછળ મોટરસાઈકલના પૈડાના નિશાન જોયેલા એ યાદ આવ્યું એટલે ચુડાસમાએ પૂછયું. ''આ દસેક દિવસમાં આટલામાંથી કોઈનું બાઈક ગૂમ થયેલું?''
''બાજુની ફેક્ટરીનો માલિક કાર વાપરે છે પણ નજીકમાં ક્યાંક જવા માટે એ ફેક્ટરીમાં બાઈક રાખે છે. ગયા અઠવાડિયે એની બાઈક ચોરાઈ ગઈ છે.''
''એનો નંબર હોય તો જોડીને વાત કરાવો.''ચુડાસમાએ કહ્યું અને ગજ્જરે મોબાઈલ જોડી આપ્યો. પેલા સાથે વાત કરીને એની બાઈકની વિગતો ચુડાસમાએ નોંધી લીધી.
''લિસન. હું અહીં આવ્યો જ નથી અને આપણે કોઈ વાત થઈ જ નથી-એટલું યાદ રાખજો.'' ચુડાસમાએ તાકીદ કરી.
ગજ્જરને ત્યાંથી નીકળ્યા પછી એમણે સૈયદને ફોન કરીને બધી વિગત સમજાવીને બાઈકની વિગત આપી.રસ્તા પર આવતા પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ ચેક કરવાથી એ બંનેની હિલચાલનો પુરાવો મળી જશે. એનાથી વિશેષ સૂચનાની સૈયદને જરૂર નહોતી.
ચોથા દિવસે પ્રમુખ ફેબ્રિકેશન વર્કસ્ પાસે જીપ આવીને ઊભી રહી ત્યારે ચુડાસમાની સાથે સૈયદ ઉપરાંત પાંચ કોન્સ્ટેબલ પણ નીચે ઊતર્યા. બંને યાદવ ભાઈઓ ડઘાઈ ગયા પણ આ બધાને સામે ઊભેલા જોઈને પ્રતિકાર કરવાની એમની તાકાત નહોતી.
પોલીસ સ્ટેશને લઈ ગયા પછી બહુ સરળતાથી એમણે કબૂલાત કરી લીધી. પોતે કરેલા કૃત્યનો એમને કોઈ પસ્તાવો પણ નહોતો.ભાઈના હત્યારાને શોધીને ખતમ કરવા માટે જ એમણે અમદાવાદમાં નોકરી સ્વીકારી હતી.
હુંશીલાલ પાસેથી સરનામું મળ્યા પછી પૂછપરછ કરીને ત્યાં કઈ રીતે જવાય એની માહિતી એમણે મેળવી લીધી. બાઈક ચોરીને રાત્રે બંને ગામડે આવ્યા અને ગામને પાદર તળાવના કાંઠે આવેલી દેરી સુધી પહોંચી ગયા.ઓરડીનું બારણું ખખડાવીને આ બાવો એ રામશરણ જ છે એની ખાતરી કર્યા પછી એક ભાઈએ એને પકડી રાખ્યો અને પૂરા ઝનૂનથી બીજા ભાઈએ છરીના ઘા માર્યા. એ મરી ગયો છે એની ખાતરી થઈ એ પછી બાઈક લઈને પાછા આવ્યા. સરખેજ પાસે એક હોટલમાં ચા પીધી અને બાઈક ત્યાં જ મૂકીને રિક્ષામાં ઓઢવ આવી ગયા.
એમની આવી કબૂલાત પછી ચુડાસમા કે સૈયદે વધારાની કોઈ મહેનત કરવાની જરૂર ના પડી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3braSRD
No comments:
Post a Comment