મહેસાણા,તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની મંગળવારે યોજાયેલ ચુંટણીમાં કુકરવાડા-૨ બેઠક પરથી ચુંટાયેલા કોંગ્રેસના સભ્ય ૧૭ વિરુદ્ધ ૧ મતે વિજેતા બન્યા હતા. નોંધપાત્ર છે કે ભાજપના એક સભ્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હોવા છતાં તેઓ હાજર ન રહેતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
૨૮ સભ્યોનુ સંખ્યાબળ ધરાવતી વિજાપુર નગરપાલિકમાં કોંગ્રેસના ૨૦, ભાજપના ૭ અને એક અપક્ષ સભ્ય ચુંટાયા હતા. કોંગ્રેસ શાસિત તા.પં.માં ગવાડા અને માલોસણ બેન્ક પરથી ચુંટાયેલા કોંગીના બે સદસ્યોએ અગાઉ આંતરિક વિખવાદના મુદ્દે પક્ષ સાથે છેડો ફાડયો હતો. પરંતુ ૧૮ સભ્યોની બહુમતી સાથે કોંગ્રેસનુ શાસન અકબંધ રહેવા પામ્યું હતું. દરમિયાન ગત ઓક્ટોબર માસમાં ઉપપ્રમુખ કૈલાશબેન મનિષજી ઠાકોરે અંગત કારણોસર પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. જેથી ઉપપ્રમુખની જગ્યા ખાલી પડી હતી. જેમાં મંગળવારે વિજાપુર તાલુકા પંચાયતના સભાખંડમાં ઉપપ્રમુખની ચુંટણી થઈ હતી. આ હોદ્દા માટે કોંગ્રેસ તરફથી કુકરવાડા-૨ પરથી ચુંટાયેલા ઉષાબેન વિષ્ણુભાઈ પટેલે તેમજ ભાજપ તરફથી અમિત જ્યંતિભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મળેલી બેઠકમાં કોંગ્રેસના ૧૬, ભાજપના ૧ અને અપક્ષ મળીને ૧૮ સભ્યોએ હાજરી આપી હતી. જોકે ઉમેદવારી ફોર્મ ભરનાર ભાજપના અમિત પટેલ સહિત ૮ સભ્યો ગેરહાજર રહ્યા હતા. ઉપપ્રમુખના પદ માટે મતદાન થતાં કોંગ્રેસના ઉમેદવારને એક અપક્ષ સાથે ૧૭ મતો મળ્યા હતા. જ્યારે વિરુદ્ધમાં ભાજપના સભ્ય ભરત પટેલે મતદાન કર્યું હતું. જેના કારણે વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કોંગીના ઉષા પટેલનો વિજય થયો હતો.
ઉપપ્રમુખની ચુંટણી માટે કોઈ મેન્ડેડ અપાયો ન હતો, જિલ્લા ભાજપ પ્રમુખ
વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચુંટણી અંગે મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ નીતિન પટેલે કહ્યું કે અમિત પટેલે વ્યક્તિગત નિર્ણય કરી પોતાનું ફોર્મ ભર્યું હતું. ભાજપે મેન્ડેડ આપ્યો નથી. તેમણે પક્ષ સાથે કોઈ સંકલન અથવા પરામર્શ પણ કર્યો ન હતો.
હવે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ રાજીનામું આપશે?
કોંગ્રેસ શાસિત વિજાપુર તાલુકા પંચાયતની બીજી ટર્મ માટે પ્રમુખપદે અમિતા પટેલ અને ઉપપ્રમુખ તરીકે કૈલાશ ઠાકોરની પસંદગી થઈ હતી. જેમાં કોંગીના અતરંગ સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર નક્કી થયેલ ફોર્મ્યુલા સંદર્ભે ચાર મહિના પહેલા ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું હતું. જ્યારે સમજૂતી પ્રમાણે હવે મહિલા પ્રમુખ પણ ગમે ત્યારે રાજીનામું આપે તેવી શક્યતાઓ બળવત્તર બની છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39jTMDg
No comments:
Post a Comment