ભયાનક વ્યાધિનો ઋણી છું, જેણે મારી જિંદગીને કિક-સ્ટાર્ટ આપ્યો ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 February 2020

ભયાનક વ્યાધિનો ઋણી છું, જેણે મારી જિંદગીને કિક-સ્ટાર્ટ આપ્યો !

ઇંટ અને ઇમારત -કુમારપાળ દેસાઇ

ડેડ, ચહેરા પર તમે સફેદ ચૉકલેટ લગાવો છો !
વક્તને હમે રાહે-વફામેં કહાં લા કે યહાં છોડ દિયા, આગે બઢના મુમકિન નહીં, લૌટ જાના મુશ્કિલ સહી.

પહેલાં ડૉક્ટરોએ લ્યુઇઝનો ડાબો હાથ ઑપરેશન કરીને કાપી નાખ્યો, પછી નબળા જમણા હાથને કાપવાની તૈયારી કરતા હતા, ત્યાં તો પગમાં રોગનું ઝેર ફેલાઈ ગયું. સ્ટ્રેપ નામના બેક્ટેરિયાના  સૂક્ષ્મ જંતુઓએ એના શરીરમાં માંસ ખાવાનું શરૂ કર્યું. ડૉક્ટરોને તત્કાળ ઑપરેશન કરીને એના બંને પગ કાપી નાખવા પડયા. એનું મુખ અને એના હોઠ તો આ બેક્ટેરિયાથી ક્ષતિગ્રસ્ત થયા હતા. એના જમણા હાથનું હાડકું ભાંગી ગયું. એવામાં સ્ટ્રેપના બેક્ટેરિયાએ એના હાડકાંની અંદર પગપેસારો કર્યો. એના જમણા હાથની કોણી નીચેનો ભાગ કાપી નાખવો પડયો.

એના દાંત નીચેનો ખાડો ભરવા માટે મરેલી ચામડી કાઢી નાખી હતી, તેથી એનો દેખાવ બિહામણો બની ગયો. એના એક પછી એક અંગનું છેદન થતું રહ્યું અને આવી ભયાનક પીડા જગાવતી ખર્ચાળ સારવાર વખતે પણ લ્યુઇઝે એનું જીવનબળ ખોયું નહીં. એના ખભા પરની ચામડીથી એના હોઠોને ફરીવાર સર્જવાનું ઑપરેશન સત્તર કલાક ચાલ્યું એ આ લાંબી સર્જરી પછી લ્યુઇઝનો ચહેરો બેડોળ પણ જોઈ શકાય તેવો બન્યો. એ પછી એ ચહેરાને બરાબર કરવા માટે શરીરના જીવંત ભાગની જીવતી ચામડીનું ગ્રાફિટંગ કર્યું અને ત્યારે લ્યુઇઝનો ચહેરો જોઈ શકાય તેવો બન્યો. પહેલાં એનો ચહેરો જોઈને એનો પ્યારો પુત્ર સામ છળી ઊઠતો હતો, પણ બીજી વારની સર્જરી પછી પિતાને મળવાનો એનો હિચકિચાટ ઓછો થયો.

લ્યુઇઝે જોયું કે એની સેવાસૂશ્રૂષા માટે એની પત્ની લ્યૂસીએ નોકરીને તિલાંજલિ આપી છે. એણે આગ્રહ રાખ્યો કે તારે મારી સેવા કરતી નર્સ તરીકે જીવવાનું નથી, તું ફરી કામે લાગ. જિંદગીમાં એક પછી એક આફતો આવતી હતી. એક મુશ્કેલી જાગતાં એક અંગ ખોવું પડતું હતું. વળી શરીરને કોરી ખાતા અને લોહીમાં ઝેર પ્રસરાવતા સ્ટ્રેપના બેક્ટેરિયાએ શરીરના કયા અંગ પર હૂમલો કરીને એને ઘેરી લેશે, એ કહી શકાતું નહોતું.

હૉસ્પિટલમાંથી સારવાર લીધા પછી પાછા આવ્યા બાદ એની શેરીઓમાં મળતાં લોકો એમ માનતા કે લ્યુઇઝ બોમ્બ બ્લાસ્ટને કારણે ઇજાગ્રસ્ત થયો છે. નહીં તો આટલાં અંગો વિનાનો અને આવા દયામણા ચહેરાવાળો માણસ ક્યાંથી હોય ? જુદાં જુદાં કૃત્રિમ અંગોના સહારે લ્યુઇઝે પોતાની જિંદગી શરૂ કરી. કોઇ એક નવું કૃત્રિમ અંગ મળે એટલે લ્યુઇઝના આનંદનો પાર ન રહે. એ હાથ વડે ચલાવતી સાઇકલ હોય કે પછી કૃત્રિમ પગ હોય, એણે જોયું કે આવી રીતે જેનાં અંગો છેદાઈ ગયા હોય તેના માટે અને આવા વિકલાંગ બની ગયા હોય તેને માટે સૌથી મોટી સમસ્યા મોંઘીદાટ કિંમતના કૃત્રિમ સાધનો મેળવવાની હતી. હાથની સાથે જોડવા માટે છ ઇંચના રસોઇના ચમચા કે છરીનો ખર્ચ સાઇઠ હજાર રૂપિયાથી વધુ થતો.

પૂર્ણ પ્રોસ્થેટિક (કૃત્રિમ) પગ ખરીદવો હોય તો દરેકનો નેવું હજાર ડોલરનો ખર્ચ થતો. વળી કૃત્રિમ પગ પહેલાં પગની ઘૂંટી કે પગનો પંજો ખરીદવા પડતા. આમ કૃત્રિમ અવયવો મળતાં પારાવાર આનંદ થતો, પરંતુ એણે જોયું કે અત્યંત મોંઘા સાધનો ખરીદવાં તે ગજા બહારની વાત હતી. આથી એણે એલેક્સ લ્યુઇઝ ટ્રસ્ટ સ્થાપ્યું, જેમાં મળેલાં દાનથી એ સૌથી આધારભૂત સાધનો મેળવી શક્યો.

પરિસ્થિતિની સામે જંગ ખેલનારા તો ઘણા મળે, પણ ચારે બાજુથી વિકટ પરિસ્થિતિએ ઘેરો ઘાલ્યો હોય ત્યારે ઝઝૂમનારા લ્યુઇઝ જેવા ઓછા મળે. લ્યુઇઝ આ અફતભર્યા સમયને પોતાની જિંદગીનો ઘોર અંધકારભર્યો સમયગાળો કદી માનતો નહોતો. પોતાની બિમારી પહેલાં એ શરાબના વ્યસનમાં એટલો બધો ડૂબેલો રહેતો કે એણે પોતાની પત્ની લ્યુસી કે પુત્ર સામનું ધ્યાન રાખ્યું નહોતું. આ ભયાનક સ્થિતિએ કુટુંબને ભેગું કરી દીધું. એ ત્રણેય પરસ્પરની સાવ નજીક આવ્યા. ભાંગી પડવા સમયે એકબીજાને હિંમત આપવા લાગ્યા. એક સહેજ નિરાશ થાય તો બીજો એને આશાના સૂર્યપ્રકાશમાં નવડાવી દેતા હતા.

આથી તો એલેક્સે કહ્યું કે આ ભયાનક રોગે મારે માટે જેની જરૂરિયાત હતી એવો કિક-સ્ટાર્ટ (પગની લાતથી ધક્કો મારવો) આપ્યો. કદાચ તમને એ અજુગતું લાગશે પરંતુ હું આ વ્યાધિનો ઋણી છું, જેણે મને જીવનમાં સાચી લાગણી અને પ્રેમ શું છે અને પરસ્પરની હૂંફની કેવી તાકાત છે તેનું ભાન કરાવ્યું.

હકીકત પણ એ છે કે આવી વિષમ પરિસ્થિતિમાં વ્યક્તિ હિંમત હારીને મોતની યાચના કરતા જીવતી હોય અથવા તો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતી હોય, ત્યારે એલેક્સ અને લ્યુસીએ મજાક- મસ્તીમાં આ સમયગાળો પસાર કર્યો. બંને એકબીજાને હસાવતા અને એમની ચોપાસ સતત હાસ્યના ફુવારા ઊડતા. લ્યુસીના પબની વિશાળ જગાની બાજુમાં એલેક્સ વ્હિલચેરમાં ફરીને પોતાના પગ માટે એક લાખ એંસી હજાર પાઉન્ડનું ફંડ એકઠું કરવા પ્રયત્ન કર્યો. એમાંથી એને એક પ્રકારની કળવાળો કૃત્રિમ પગની જોડ ખરીદવી છે.

આ કૃત્રિમ પગમાં કોમ્પ્યુટરાઇઝ જોઇન્ટની સુવિધા હોવાથી તેની હિલચાલમાં ગતિ આવી શકે તેમ હતું. આ અગાઉ એણે એના બાવડા માટે વીસ હજાર પાઉન્ડનું ફંડ મેળવી લીધું છે, જેથી તે ધાતુના ચીપિયા વડે ખાવાની ચીજવસ્તુને પકડી શકે છે. એના જમણા હાથની કોણી બચી ગઈ હોવાથી એ મહત્ત્વનો અંકુશ જાળવી શકતો હતો. શરીરના બધાં અંગો ઑપરેશન કરીને લગભગ કાઢી નાખ્યા હતા, તેમ છતાં એમાંથી બચેલાં જમણા હાથની કોણીથી એ પોતાની જાતને સ્વાવલંબી હોવાનો અહેસાસ કરતો હતો. પોતાને સહેજે પરાવલંબી માનતો નહીં.

એલેક્સનો દેખાવ જોઇને હસતાં-હસતાં લ્યુસી કહે છે 'આ મારો ટોય બોય છે.' બિયરનો ચસ્કો એને ઓછો કરવો પડયો છે. ભય પણ થયો કે જો હવે નશામાં વ્હીલચેર પરથી પડી જવાય, તો કઈ હાલત થશે એની કલ્પના પણ થઇ શકે તેમ નથી. એક સમયે એનો પુત્ર સામ એનાથી ભાગતો હતો અને તેને કારણે લ્યુઇઝ ભારે આઘાત અનુભવતો હતો. એમાંથી બહાર નીકળતા છ મહિના લાગ્યા. સામ એના પિતાના ચહેરાને જોઇને ઘણીવાર કહેતો,

'ડેડ, તમે સફેદ ચૉકલેટ  તમારા ચહેરા પર લગાવી દીધી હોય એમ લાગે છે.'

લ્યુઇઝ વિશ્વભરમાં એક જ એવી વ્યક્તિ હતી કે એના ચહેરા પર ખભા પરથી ચામડી લઇને સર્જરી કરવામાં આવી હતી. ક્યારેક લ્યૂસી અને સામ એના નવા કૃત્રિમ હાથપગને જોઇને તેને 'પાવર રેન્જર' કહી ઉત્સાહિત કરતા હતા. લ્યુઇઝે સ્થાપેલા ટ્રસ્ટમાંથી કૃત્રિમ હાથપગ અને વ્હીલચેરનો ખર્ચ તો સખાવત રૂપે મળી ગયો, પરંતુ એનો મેડિકલ ખર્ચ અને એનો પૂર્ણરૂપે પુનર્વસવાટ કરવાનો ખર્ચ ચાર મિલિયન પાઉન્ડ જેટલો અંદાજવામાં આવ્યો. નેશનલ હેલ્થ સર્વિસે એને થોડી રકમની મદદ કરી પણ જ્યાં આભ ફાટયું હોય ત્યાં થીગડું ક્યાં દેવું ?

હવે એને જાતે કમાવાની જરૂર હતી પણ આવી વ્યક્તિ કમાણી કઈ રીતે કરી શકે ? જીવનની પારાવાર આપત્તિઓને હસી કાઢનારો અને સામે ઊભેલા મૃત્યુને પાછું ઠેલનારા આ માનવીએ વિચાર કર્યો કે હવે જાતમહેનત વગર કોઈ આરો કે ઓવારો નથી. જ્યાં કપાયેલા હાથ હોય, કપાયેલા પગ હોય, બિહામણો ચહેરો હોય, વ્હીલચેર પર પરાવલંબી જીવન હોય ત્યાં વળી જાતમહેનતથી કમાણી કરવી કઈ રીતે શક્ય બને !

મુશ્કેલીઓને મજાક માનનારો લ્યુઇઝ વિચાર ચડયો. કરવું શું ? અને એને એક કામ મળી ગયું. એ શાળામાં અને મેડિકલ કોન્ફરન્સમાં પોતાના અનુભવ વિશે પ્રેરક વક્તવ્ય આપવા લાગ્યો. વળી વિચાર્યું કે આ અનુભવોને સમૃદ્ધ કરવા માટે પોતાના જેવી બીજી વ્યક્તિઓના અનુભવ પણ જાણવા જોઇએ. બ્રિટનના લશ્કરમાં આવી રીતે યુદ્ધ કે અન્ય કાર્યો કરવા જતા અંગો ગુમાવનારા સૈનિકો હતાં. એ સૈનિકો ગ્રીનલેન્ડમાં કાયએઆકની સફર પર જતા. આ સૈનિકો ચામડાથી મઢેલા લાકડાના હોડકામાં બેસીને સફર ખેડત હતા. લ્યુઇઝે નક્કી કર્યું કે મારે પણ એવી સફર ખેડવી છે અને અંગછેદન થયેલા આ સૈનિકોની સાથે એણે ગ્રીનલેન્ડની સફર ખેડી. આવી જ રીતે એ આફ્રિકા અને નાંબિયાની સફર પણ ખેડી આવ્યો.

બંને પગ ન હોય, બે હાથમાંથી એક જ હાથ અડધો હોય અને છતાં વ્યક્તિ આવી સફર ખેડે, તે કેવું માનવીય સાહસ કહેવાય. એલેક્સ 'એ માઇનોર સેટ બેક' એવો વિષય રાખીને પ્રેરક વક્તવ્યો આપવાં લાગ્યો. તમારા માથે આવેલી ભયાવહ વિપત્તિનો કઈ રીતે સામનો કરી શકાય અને નવા નવા પડકારો ઝીલીને જિંદગીને કયા માર્ગે આગળ ધપાવી શકાય તેનો રસ્તો સૂઝાડવા લાગ્યો. એના શ્રોતાઓ પોતાના જીવનની પરિસ્થિતિ સાથે લ્યુઇઝની જીવનની પરિસ્થિતિનું અનુસંધાન સાધે છે. એલેક્સ એમને જિંદગીને જુદી રીતે જોવાની અને જીવનમાં મળતી પ્રત્યેક તકને ઝડપી લઇને પ્રત્યેક ક્ષણને જીવી જવાની પ્રેરણા આપે છે.

એની રમૂજ વૃત્તિને કારણે એનાં વક્તવ્યો પ્રેક્ષકોના ચિત્ત પર છવાઈ જાય છે. આ જિંદગીમાં અનેક કપરાં, અકલ્પ્ય અને આંટીઘૂંટીવાળા દડા તમારી સામે વીંઝાય છે અને એ દડાને ફટકારીને તમે કેવી રીતે વિજય મેળવો છો તેના પર તમારું જીવનમૂલ્ય નિર્ધારિત થાય છે. એ કહે છે કે પોતાની જાત પ્રત્યે લાચારી કે દયાભાવ દાખવવાને બદલે કે પછી નિરાશામાં ગરકાવ થઇ જવાને બદલે જિંદગી તરફ સકારાત્મક દ્રષ્ટિ અને અનુકૂલન અભિગમ રાખવો જોઈએ.

ભયાનક બિમારી સમયે અને એ પછી પણ લ્યુઇઝનો પોઝિટિવ એપ્રોચ વધુ પ્રગટ થયો. એ ખુદ કબૂલે છે કે આ ભયાનક વ્યાધિએ મને પિતા તરીકે, સાથી તરીકે અને માનવી તરીકે જુદી જ રીતે વિચાર કરતો કરી દીધો. અંગો ગુમાવનારી વ્યક્તિઓના ફંડ એકઠું કરવા એલેક્સ લ્યુઇઝ ટ્રસ્ટ ઊભું કર્યું અને પછી એણે એના દ્વારા બીજાઓને મદદ પણ કરવા માંડી. હવે વિચાર કર્યો કે પોતાના જેવા માનવીઓને વધુ મદદરૂપ કઈ રીતે થઈ શકાય ! આથી એણે અમેરિકન નેવી માટે કૃત્રિમ અવયવોથી સ્નાયુઓની મજબૂતાઇ વધારવા માટેનાં સાધનો વિકસાવવાના પ્રોજેક્ટની નવી ટેકનોલોજીના યુનિવર્સિટી-સંશોધનમાં ભાગ લેવા માંડયો. સાથોસાથ જીવનના આરંભે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું હતું, તે ચાલુ કર્યું, જે અત્યારના એપાર્ટમેન્ટના નવીનીકરણના પ્રોજેક્ટમાં મદદરૂપ થાય છે. પોતાની બેહાલ જિંદગીને વારંવાર બદનામ કરવાને બદલે એણે સિદ્ધિના નવાં શિખરો પર નજર માંડી. ડ્રીમલેન્ડમાં ચામડાંથી મઢેલી હોડીને ચલાવીને થિજાવી નાખે એવા પાણીમાં આઇસબર્ગની વચ્ચે 3૨0 માઇલ જેટલું અંતર પાર કર્યું.

એ પછી ચાર પૈડાની સોલર સાઇકલ પર ઇથિયોપિયાની સૌથી ઊંચી પર્વતમાળાના પંદર હજાર ફૂટના અંતરના વિસ્તારને પ્રથમ ચાર અવયવોના છેદનવાળી વ્યક્તિઓમાંની એક તરીકે એણે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ ઇથિયોપિયાના રાસ ડર્શેનમાં 4૫૫0 મિટર ઊંચા શિખર પર પહોંચીને દુનિયાને બતાવ્યું કે ભલે એના ચાર અંગો છેદાઈ ગયા હોય, પણ અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પથી માનવી શું કરી શકે છે.

આમ હોડી ચલાવી, સાઇકલ પ્રવાસ કર્યો, દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વ્હાઇટ શાર્ક માછલીઓ હોય છે ત્યાં એણે ડૂબકી લગાવવાની હિંમત કરી, તો એરોપ્લેનમાંથી કૂદવાનું સાહસ કર્યું. એ કહે છે કે મેં એવી નીતિ અપનાવી છે કે જે કંઇ પડકાર સામે આવે એને સ્વીકારી લેવો. જિંદગી એટલી બધી અલ્પ છે કે ન અજમાવાયેલી વાતનો અફસોસ કરતાં રહીએ તો એમાં જ આયખું પૂરું થઇ જાય. એને બદલે કરવા જેવી વાતોને સિદ્ધ કરવી.'

પ્રસંગકથા

રેલવે મંત્રી ટિકિટ લેવા માટે કતારમાં ઊભા રહે !

ગણિતના શિક્ષકે મગનને સવાલ કર્યો, 'હું આઠ આને એકની કિંમતે દાડમ વેચું છું, મેં તને દસ દાડમ વેચ્યાં, તો તારે કુલ કેટલા રૂપિયા આપવા પડશે ?'

મગને કહ્યું, 'સાહેબ, ચાર રૂપિયા.'

ઉત્તર સાંભળીને આખો વર્ગ ખડખડાટ હસી પડયો. ગણિતના શિક્ષક અકળાઈ ગયા અને બોલ્યા, 'જરા મગજ ચલાવ. સાવ ઠોઠ રહ્યો. ફરી ગણીને કહે.'

મગને ફરી વાર ભોળો ચહેરો રાખીને કહ્યું, 'સાહેબ, ચાર રૂપિયા. એથી સહેજ વધારે નહીં.'

શિક્ષક અકળાયા. એમણે પૂછ્યું, 'કોણે શીખવ્યું છે ગણિત તને ? આટલુંય નથી આવડતું.'

મગને કહ્યું, 'સાહેબ, ગણિત અને એની સાથે વ્યવહાર તમારી પાસેથી શીખ્યો છું. ગણિત પ્રમાણે પાંચ રૂપિયા થાય, પણ તમે વ્યવહારથી સમજાવ્યું છે કે ભાવતાલ કર્યા વિના કશું લેવું નહીં. એટલે હું કહીશ કે તમે જો ચાર રૂપિયામાં દસ દાડમ આપો તો બરાબર, નહીં તો તમારી મરજી.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં ગણિતને બદલે 'વ્યવહાર'નું પ્રાધાન્ય છે. 'વ્યવહાર' કાર્ય વિના કોઇ કામ થતું નથી. સમાજમાં એકેએક બાબતમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે.

પોલીસ હોય, રેલ્વે હોય કે પછી લાઇસન્સ આપનારી સંસ્થા હોય, બધે જ આ 'વ્યવહાર'નું પ્રાધાન્ય છે. દક્ષિણા-દાન અનિવાર્ય બની ગયું છે.

કોઇ રેલવે પ્રધાન રેલવેની લાઈનમાં ઊભા રહે, કોઇ શિક્ષણમંત્રી કોઇ સ્કૂલમાં એડમિશનમાં કતારમાં ઊભા હોય અને કોઇ આરોગ્ય વિભાગનો અધિકારી હૉસ્પિટલમાં દર્દીઓ વચ્ચે બેસે, તો પ્રજાની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે.

પ્રજાની સ્થિતિ અને સત્તા વચ્ચે અંતર વધતું જાય છે પ્રજા બિચારી ચુપચાપ 'દક્ષિણા' આપે છે. માને છે કે વારંવાર ધક્કા ખાવા, તેના કરતાં દક્ષિણા આપીને છુટકારો મેળવવો વધુ સારો !




from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39mSRlw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages