બ્રિટન અને યુરોપિયન યુનિયનઃ બ્રેક્ઝિટ પછી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 6 February 2020

બ્રિટન અને યુરોપિયન યુનિયનઃ બ્રેક્ઝિટ પછી


સ્કોટલેન્ડની સંસદે યુરોપિયન યુનિયનનો ધ્વજ જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું છેઃ બ્રિટિશરોને તે ગમશે?

દરેક વસ્તુ, વ્યક્તિ, સંબંધ અને ભાગીદારીની એક્સપાયરી ડેટ હોય છે. મરણ પથારી પર સૂતેલા સંબંધને વેન્ટીલેટર પર રાખીને આયુષ્ય થોડા દિવસો પૂરતું લંબાવી શકાય છે કિંતુ નવજીવન આપી શકાતું નથી. બ્રિટન અને યુરોપિયન યુનિયન સાથે પણ કંઇક એવું જ થયું છે. ૪૭ વર્ષ જૂના આ ઐતિહાસિક સંબંધનો અંત આવ્યો છે.

આને અકાળે અંત કહી શકાય એમ નથી. કેમ કે બંનેનું અલગ થવું સાલ ૨૦૧૬થી નિયત થઇ ગયું હતું. અલગ થવાના નિશ્ચય અને અલગ થવા વચ્ચે ત્રણ વર્ષનો કાળખંડ હોવાથી ગુમાવ્યા કરતાં છૂટી ગયાની લાગણી વધારે છે. બ્રિટનને યુરોપિયન યુનિયનમાં લેવાના નનૈયા અને બ્રિટનના ઇયુમાંથી છૂટા પડવા માટેના ધમપછાડા વચ્ચે એક યુગ ચક્ર સમાપ્ત થઇ ગયું છે. 

હવેનો સમય યુનાઇટેડ કિંગડમે યુરોપિયન યુનિયનથી છૂટા ન પડવું જોઇએ તેવી ચર્ચા કરવાનો નથી. વોટ નેકસ્ટ? એ વિચારવાનો છે. એ વિશે વિચારતા પહેલાં ઇયુ અને યુકેના છૂટાછેડાથી શું-શું બદલાયું છે એ જાણી લેવું આવશ્યક છે. અત્યાર સુધી યુરોપિય સંઘ જ બ્રિટન વતી અન્ય દેશો સાથે વ્યાપારી કરાર કરતું હતું. અલગ થયા પછી બ્રિટને દરેક દેશ સાથે નવેસરથી ટ્રેડ ડીલનો આરંભ કર્યો છે. આદિલના શબ્દોમાં કહીએ તો હાટો જુદી કરી ને હટાણા જુદા કર્યા...

હવેથી બ્રસેલ્સમાં બ્રિટનના રાજદ્વારીઓની ભૂમિકા બદલાઈ જશે. તેમની સત્તાઓ વેતરાઈ જશે. યુરોપિય સંઘના હિસ્સા તરીકે તેમને જે અધિકાર પ્રાપ્ત હતા તે નહીં રહે. યુરોપિય સંઘની સંસદમાં બ્રિટનના ૭૩ સભ્યો બેસતા હતા. તેમની મેમ્બરશિપ અચ્યુતમ કેશવમ થઈ ગયું છે. 

બ્રિટન યુરોપિયન યુનિયનનો હિસ્સો હતું ત્યારે તેના પાસપોર્ટનો રંગ બર્ગન્ડી હતો તે બદલાઈને બ્લૂ થઇ જશે. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નોખું થયું તે ઐતિહાસિક ઘટનાને યાદ રાખવા તથા વિવિધ દેશો વચ્ચે શાંતિ અને સૌહાર્દ બની રહે તે માટે ૫૦ પેન્સના ૩૦ લાખ સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. તેના પર ૩૧ જાન્યુઆરી અને પીસ, પ્રોસ્પીરીટી એન્ડ ફ્રેન્ડશિપ વિથ ઓલ નેશન્સ લખવામાં આવેલું છે. 

જુદા થયા પછી પણ હાલ બ્રિટન યુરોપિયન યુનિયનના સિંગલ માર્કેટનો ભાગ બની રહ્યું છે. આ વિશેનો નીતિગત નિર્ણય બંને પક્ષકારો ચાલુ વર્ષના અંત સુધીમાં લેશે. વસ્તુઓ, સેવાઓ, લોકો અને મૂડીની મુક્ત અવરજવર ત્યાં સુધી ચાલુ રહેશે. બ્રિટનની નાણાંકીય સેવાઓનો ફેલાવો સમસ્ત યુરોપમાં છે અને યુરોપને પણ બ્રિટનના નાણાંની જરૂર છે ત્યારે તેઓ કોઇ કાળે સિંગલ માર્કેટ છોડવા ઇચ્છશે નહીં. બદલામાં તેઓ યુરોપિયન માછીમારોને બ્રિટનના સમુદ્રનો ઉપયોગ કરવાની મંજૂરી યથાવત રાખે એવી પણ વાત છે. 

૨૦૧૬માં યુનાઇટેડ કિંગડમની જનતાએ બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન કર્યું ત્યારે યુરોપની તમામ ૨૦ ફૂટબોલ પ્રીમિયર લીગ ક્લબ્સે વિરોધ દર્જ કરાવ્યો હતો. કારણ કે અખંડ યુરોપિયન યુનિયન અંતર્ગત ખેલાડી, કોચ અને તમામ સ્પોર્ટ્સ સ્ટાફને કયાંય પણ  કોઇપણ કલબમાં સરળતાથી જોડાવાની સુવિધા પ્રાપ્ત હતી. તેમનો વિરોધ બહેરા કાને અથડાતા તેમાં પણ કાપ મુકાઈ જશે.

માન્ચેસ્ટર સિટીની ટીમને સેવાઓ આપતા પેપ ગાર્ડીઓલા અને લિવરપુલના જર્ગન ક્લોપ જેવા મેનેજર્સને  ભવિષ્યમાં યુકેમાં સરળતાથી નોકરી મળશે નહીં. (વિદેશીઓ બ્રિટિશરોની નોકરી લઈ જાય છે એ મુદ્દે જ તો આ ડખો છે.)

જેમ એક વર્ષ માટે અથવા નવો કરાર ન થાય ત્યાં સુધી યુરોપિયન દેશોના નાગરિકને અને બ્રિટનના નાગરિકોને એકબીજાના દેશમાં રહેવાની છૂટ મળેલી છે તે અંતર્ગત તેઓ જ્યાં રહેતા હોય ત્યાંની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં અગાઉની જેમ મત આપી શકશે અને લડી પણ શકશે. સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગડમનું સ્વાયત્ત રાજ્ય છે તેને પોતાની સંસદ છે. સ્કોટલેન્ડની સંસદે યુરોપિયન યુનિયનનો ધ્વજ જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું છે. આ બાબતે તે બાકીના યુકેથી અલગ પડશે. 

બ્રેક્ઝિટ થઇ ગયા પછી અને નવો કરાર થયા પહેલાંનો જે ટ્રાન્ઝીશન પીરિયડ છે તે દરમિયાન બ્રિટન યુરોપિયન યુનિયનના બજેટમાં પોતાનું નાણાકીય યોગદાન પણ ચાલુ રાખશે.  સૌથી મોટો પ્રશ્ન ઉત્તર આયર્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેના સીમાંકનનો હતો. ઉત્તર આયર્લેન્ડ બ્રિટનનો હિસ્સો છે જ્યારે આયર્લેન્ડ અલગ દેશ છે.

સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિએ બંને જોડાયેલા છે. તેમની વચ્ચે સીમા નહોતી ત્યાં સુધી વાંધો નહોતો, બ્રેક્ઝિટ પછી સીમાંકન કરવામાં આવે તો દફન થઇ ગયેલો વિવાદ ફરીથી સપાટી પર આવવાનો ભય હતો. તેને ધ્યાને લઇને યુરોપિયન યુનિયન અને બ્રિટને ઉત્તર આયર્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે સીમાબંધી ન કરવાનો ડહાપણ ભરેલો નિર્ણય લીધો છે. યુરોપિયન યુનિયન ઉત્તર આયર્લેન્ડના એરપોર્ટ્સનો ઉપયોગ ચાલુ રાખશે અને કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદનોની અવરજવર માટે ત્યાં સ્થપાયેલી ઇયુની કસ્ટમ ઑફિસ પણ યથાતથ રહેશે. 

જે થવાનું હતું તે થઇ ગયું છે. હવે યુરોપિયન યુનિયન અને બ્રિટન બંનેની પરીક્ષા શરૂ થઇ છે. યુરોપિયન યુનિયન માત્ર આર્થિક નહીં રાજકીય હિતો સાથે પણ જોડાયેલું સંગઠન છે. બ્રિટનની તર્જ પર અન્ય દેશો પણ યુરોપિયન યુનિયનથી અલગ થશે તો આ સંગઠન નબળું પડતું જશે. પડોશમાં રશિયા મોટો પડકાર બનીને ઊભું છે ને અમેરિકાના પણ ઇયુ સાથેના સંબંધો પણ પહેલા સરીખા રહ્યા નથી.

આથી જો સાવધાની દાખવવામાં નહીં આવે તો બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપને પ્રાપ્ત થયેલી શાંતિ હણાઇ શકે છે. સમાજમાં રૂઢ ચીલા પ્રમાણે નાના માણસો મોટા માણસોનું અનુકરણ કરતા હોય છે. બ્રિટન અલગ થઇ ગયા પછી ફ્રાંસ અને જર્મની કેવી રીતે વર્તે છે તે સર્વાધિક મહત્ત્વનું બની જાય છે. તેમણે પણ નાદાની કરી તો યુરોપની એ શાંતિ, એ ભવ્યતા, એ સમૃદ્ધિનું થઈ રહ્યું.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- ચીનમાં કોરોના વાઇરસ કહેર મચાવી રહ્યો છે. મૃત્યુઆંક ૩૬૦ને પાર કરી ગયો છે. પીડિતોની સંખ્યા ૧૫ હજાર કરતાં પણ વધારે છે. અમેરિકા, બ્રિટન અને ભારત સહિત ૨૫ દેશોમાં કોરોનાનો ચેપ પ્રસરી રહ્યો છે. સાવધાનીના ભાગરૂપે ભારત સરકારે ચીનના તથા અન્ય દેશોના પ્રવાસીઓ માટેની ઇ-વિઝા સુવિધા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.

- પાકિસ્તાન અને સોમાલિયાના ખેતરો પર તીડના ટોળાએ હુમલો કર્યો છે. હવામાન શાસ્ત્રીઓના મત પ્રમાણે વાતાવરણમાં વ્યાપક નકારાત્મક ફેરફારને કારણે આ આફત આવી પડી છે. ઊભા પાક અને ઢોર-ઢાંખર પર જોખમ ઉભું થયું છે. ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલાં ગુજરાતમાં પણ આ રીતે તીડનું ટોળું ત્રાટક્યું હતું.

- ઉત્તર ટાન્ઝાનિયામાં ભાગદોડ મચી જતાં ૨૦નાં મોત થયાં હતાં. કિલીમાન્જરો પર્વત પાસે આવેલા મોસી શહેરમાં આ ઘટના ઘટી હતી. લોકો ધાર્મિક ઉજવણી માટે એકત્રિત થયા હતાં એ દરમ્યાન ભાગદોડ મચી જતાં ૨૦ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ચગદાઇ ગયા હતાં. 

- જાપાને અખાતમાં આવેલા આંતરરાષ્ટ્રિય ખનિજ તેલ પરિવહન માર્ગ પર પહેરો રાખવા માટે યુદ્ધ જહાજ મોકલ્યું હતું. જાપાન બીજા વિશ્વ યુદ્ધ પછી સોફ્ટપાવર અને શાંતિવાદી રહ્યું છે. વડાપ્રધાન શિન્ઝો આબેએ નીતિગત પરિવર્તન કરી જાપાનને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત બનાવવાનું શરૂ કરતાં તેમની ટીકા થઇ રહી છે. બીજા વિશ્વ યુદ્ધનો કટુ સ્વાદ ચાખી ચૂકેલા જાપાનના નાગરિકો ઇચ્છતાં નથી કે જાપાન ફરીથી યુદ્ધખોર બને.

- અમેરિકાના સાંસદ રો ખન્નાએ અમેરિકન સમાજના વિકાસમાં ત્યાં વસતા શીખ સમુદાયના પ્રદાનને બિરદાવ્યું હતું. તેમને દ્રષ્ટાંતરૂપ ગણાવી પ્રશંસા કરી હતી. અમેરિકામાં મોટી સંખ્યામાં શીખો વસે છે. યુ.એસ.ની આર્મીમાં પણ તેમની અલગ રેજીમેન્ટ છે. 

- અમેરિકાના સરેરાશ આયુષ્યમાં વૃદ્ધિ થઇ છે. ચાર વર્ષ પહેલાં યુ.એસ.નો નાગરિક સરેરાશ ૭૮.૬ વર્ષ જીવતો હતો તે હવે ૭૮.૭ વર્ષ જીવે છે. ચાર વર્ષ પહેલાં દવાના ઓવરડોઝને કારણે પ્રતિવર્ષ ૭૦ હજાર મૃત્યુ થતાં હતા તે હવે ઘટીને ૬૭ હજાર થઇ ગયા છે. 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OyIgvD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages