
આણંદ, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
આણંદ પાસેના કરમસદ ગામની ઈન્દિરાનગરીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની સગવડ બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના રહીશોને પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ઈન્દિરાનગરીના રહીશો દ્વારા બુધવારના રોજ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ કરમસદ ગામની ઈન્દિરાનગરી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાલિકા તંત્ર દ્વારા પીવાનું પાણી આપવાનું અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિકોને પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. પીવાના પાણી માટે સ્થાનિકોને આસપાસના વિસ્તારમાં ભટકવું પડે છે.
જેને લઈ આ વિસ્તારના સ્થાનિક આગેવાનો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઈ હતી. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ટેક્સ ભરવામાં નહી આવે ત્યાં સુધી પાણી આપવામાં નહી આવે તેવો જવાબ આપવામાં આવતા સ્થાનિકોમાં તંત્રની આવી નીતિ સામે ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે.
જે લોકોએ ટેક્સ ભર્યો છે તે લોકોને પાણી આપવામાં આવે તેવી રજૂઆત પાલિકા સમક્ષ કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે આ વિસ્તારના રહીશો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિસ્તારની મહિલાઓએ માટલા સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સત્વરે પીવાના પાણીની સગવડ પુરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HfvqP5
No comments:
Post a Comment