
આણંદ, તા.05 ફેબ્રુઆરી 2020, બુધવાર
આણંદ પાસેના ગામડી ગામના ઓવરબ્રીજ નજીક ગઈકાલ રાત્રિના સુમારે વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલ એક કાર પલ્ટી ખાઈ જતા પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. એલસીબી પોલીસે કારમાંથી રૂા.૭૦ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ પાસેના ગામડી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ ગામડી ગામના ઓવરબ્રીજ નજીકથી ગઈકાલ રાત્રિના સુમારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ડીવાઈડર ઉપર ચઢી જઈ પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર ચાલક સહિત અન્ય શખ્શને શરીરે ઈજાઓ પહોંચી હતી.
જો કે આ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોઈ કાર પલ્ટી ખાઈ જતા દારૂની બોટલો વિખરાઈ ગઈ હતી. બીજી તરફ રાત્રિના સુમારે પેટ્રોલીંગ કરી રહેલ એલસીબી પોલીસની ટીમને આ ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત બંને શખ્શોને ઝડપી પાડી કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ૧૯૦ નંગ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂા.૭૦ હજાર થવા જાય છે.
કારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ બંને શખ્શોના નામ ઠામ અંગે પોલીસે પુછપરછ કરતા તે રાજસ્થાનના મનોજ ભંવરલાલ સિયોર તથા ઓમપ્રકાશ બાબુલાલ બિશ્નોઈ હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે વિદેશી દારૂ અંગેની પુછપરછ કરતા ગણેશ નામના શખ્શે સાંચોરથી આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપી વાસદ ટોલનાકાથી થોડે દુર જઈ રોડ ઉપર ઉભા રહેવાનું જણાવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું.
જો કે તેઓ ગામડી સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ડીવાઈડર ઉપર ચઢી પલ્ટી ખાઈ ગઈ હતી. આણંદ એલસીબી પોલીસે રાજસ્થાનના બંને શખ્શોને અટકમાં લઈ આણંદ શહેર પોલીસના હવાલે કરતા પોલીસે બંને શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39fbKXB
No comments:
Post a Comment