
આણંદ, તા.05 ફેબ્રુઆરી 2020, બુધવાર
નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ આણંદ તાલુકાના મોગર ગામેથી વાસદ પોલીસે પાંચ દિવસ પૂર્વે એક ઘરફોડીયા ગેંગને ઝડપી પાડી ચારથી પાંચ જેટલા મકાનોમાં થયેલ ચોરી અંગેનો પર્દાફાશ કર્યો હતો. દરમ્યાન આ ઘરફોડીયા ગેંગે વિવિધ સ્થળોએ અન્ય ચોરીને પણ અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જેને લઈ પોલીસે ગેંગના ફરાર અન્ય સાગરીતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા.૩૧મીના રોજ વાસદ પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોગર ગામેથી ચોરી કરવાના ઈરાદે ફરી રહેલ કમલેશભાઈ રાવજીભાઈ ચુનારા, કનુભાઈ રાયચંદભાઈ ચુનારા અને હરીશભાઈ રાવજીભાઈ ચુનારાને ઝડપી પાડયા હતા.
પોલીસે તેઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરતા તેઓએ અગાઉ મોગર ગામે ત્રણથી ચાર મકાનોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેઓની ધરપકડ કરી રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી હતી. દરમ્યાન કમલેશ તથા તેના સાગરીતોએ ગત તા.૨૫મી જાન્યુઆરીના રોજ મેઘવા-બડાપુરા ગામે આવેલ રોહિતવાસમાં પાંચેક જેટલા મકાનોને નિશાન બનાવી તેમાંથી ૧.૪૮ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
જેને આધારે ભાલેજ પોલીસે કમલેશ ચુનારાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી વધુ તપાસ માટે તા.૬ સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન કમલેશ ચુનારાએ પોતાના સાગરીતો વૈતાલ પુંજાભાઈ ચુનારા, મફતભાઈ હીરાભાઈ ચુનારા, કનુભાઈ રાયચંદભાઈ ચુનારા, દિનેશભાઈ ફકીરભાઈ ચુનારા તથા હરીશભાઈ રાવજીભાઈ ચુનારા સાથે મળી ગત તા.૬ જાન્યુઆરીના રોજ રાત્રિના સુમારે કુંજરાવ ગામે એક બંધ મકાનને નિશાન બનાવી મકાનમાંથી રૂા.૧.૫૦ લાખની મત્તાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
ઉપરાંત નજીકમાં આવેલ અન્ય ચાર મકાનોને પણ નિશાન બનાવી તેમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.આ ગેંગે ત્રણેય માસ પૂર્વે સારસા ગામના વલ્લીપુરા સીમમાં આવેલ એક ખેતરના મકાનને પણ નિશાન બનાવી અંદરથી રૂા.૩૨ હજારની મત્તા તેમજ એક ગલ્લામાંથી પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ઘરફોડીયા ગેંગે વિવિધ ચોરીની કબુલાત કરતા પોલીસે તેઓ વિરૂધ્ધ ગુનો નોંધી ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ફરાર શખ્શો પૈકી વૈતાલ કુખ્યાત ઘરફોડીયા પૂંજા ચુનારાનો પુત્ર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગેંગના સાગરીતો પકડાયા બાદ અન્ય ચોરીઓનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31sYWtS
No comments:
Post a Comment