
આણંદ,તા.06 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે રહેતા બે પિતરાઈ ભાઈઓને ત્રણ વ્યક્તિઓએ એસ્સારના પેટ્રોલપંપની ડીલરશીપ અપાવવાની લાલચ આપી તેઓની પાસેથી રૂા.૩૦.૮૦ લાખની ઠગાઈ કરતા મામલો ખંભોળજ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ઓડ ગામના પિતરાઈ ભાઈઓની ફરિયાદના આધારે ત્રણ ભેજાબાજ શખ્શો વિરૂધ્ધ વિશ્વાસ અને છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઓડ ગામે ધીરેનભાઈ હરીશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની ઓડ-અહીમા ચોકડીથી અહીમા તરફ જવાના માર્ગ ઉપર જમીન આવેલ છે. જેમાં તેઓએ પોતાના પિતરાઈ ભાઈ વિકુલભાઈ ભાઈલાલભાઈ પટેલ સાથે ભાગીદારીમાં પેટ્રોલપંપ બનાવવાના હેતુથી ગત તા.૧૯-૦૯-૨૦૧૮ના રોજ એસ્સાર કંપનીમાં ઓનલાઈન અરજી કરી હતી.
ત્યારબાદ કંપનીના અધિકારીએ જમીનવાળી જગ્યાની મુલાકાત લીધી હતી અને ધીરેનભાઈને ૧૦ દિવસમાં કંપની તરફથી ડીલરશીપ અંગે વાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો કે ત્યારબાદ ગત તા.૨૯-૪-૨૦૧૯ના રોજ મુકેશભાઈ ચૌહાણ નામની વ્યક્તિએ ધીરેનભાઈને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારી અરજી મુંબઈ હેડ ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
વધુમાં તેઓએ પેટ્રોલપંપ માટે રૂા.૫૦ થી ૬૦ લાખ જેટલું રોકાણ કરવું પડશે તેમ જણાવ્યા બાદ ડીલર ઓન ડીલર ઓપરેશન અંગેના ફોર્મ ધીરેનભાઈના વોટ્સએપ નંબર ઉપર મોકલી આપ્યા હતા. જેથી ધીરેનભાઈ વોટ્સએપમાં આવેલ ફોર્મની પ્રિન્ટ કઢાવી તેમાં જરૂરી વિગત ભરી પરત મોકલી આપ્યા હતા.
બાદમાં મુકેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ ફોન કરી તેઓને કંપનીના સીનીયર એક્ઝીક્યુટીવ રજનીશ મિશ્રા કે જેઓ મુંબઈ અને બેંગ્લોર એકાઉન્ટ વિભાગમાં કામ કરતા હોવાનું જણાવી તે કહે તે મુજબ નાણાં મોકલી આપવા જણાવ્યું હતું. બાદમાં રજનીશ મિશ્રાનો ફોન ધીરેનભાઈ ઉપર આવતા તેઓએ રજનીશભાઈએ જણાવેલ એકાઉન્ટ નંબરમાં જુદી-જુદી તારીખોએ આરટીજીએસ તેમજ એનઆઈએફડી કરી રૂા.૩૦.૮૦ લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
જો કે બેંક એકાઉન્ટમાં નાણાં ભર્યા બાદ ધીરેનભાઈએ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓનો સંપર્ક કરવા જતા ત્રણેયના નંબરો સ્વીચઓફ આવતા હતા.
જેથી તેઓએ કંપનીની સાઈટ ખોલીને કંપનીનો ટોલ ફ્રી નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેઓએ કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી પુછપરછ કરતા તેઓ દ્વારા એસ્સાર કંપનીમાં ઓનલાઈન કરવામાં આવેલ અરજી જ મળી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા ધીરેનભાઈએ આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકમાં જાણ કરી હતી.
જેથી ખંભોળજ પોલીસે કંપનીના અધિકારી, મુકેશ ચૌહાણ અને રજનીશ મીશ્રા વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GZWmlw
No comments:
Post a Comment