
આણંદ, તા.06 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
તાજેતરમાં ઉમરેઠ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધિકારીઓના ત્રાસથી કંટાળી કચેરીમાં જ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરાતા કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર કામ કરતા કર્મચારીઓમાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો સહિત રોષની લાગણી ઉઠવા પામી છે.
જેને લઈ ગુરૂવારના રોજ નોનટેકનીકલ કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર કામ કરતા કર્મચારીઓએ આણંદના શાસ્ત્રી મેદાન ખાતે મીટીંગ યોજી હતી અને કાયમી નહી કરવા સહિત સતત કામનું ભારણ વધારી તેમજ નિયમિત પગાર નહી ચુકવી સંબંધિત તંત્ર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો રોષ વ્યક્ત કરી આગામી દિવસોમાં તંત્ર વિરૂધ્ધ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ ઉમરેઠ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા પ્રેમલ દવે નામના કર્મચારીએ બુધવારના રોજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે આવી કર્મચારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર કામ કરતા આ કર્મચારી વિરૂધ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હોવાથી તેઓનો કેસ ચાલતો હોઈ તેઓનો કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરવામાં આવ્યો હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોન ટેકનીકલના કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર કામ કરતા કર્મચારીઓને યેનકેન પ્રકારે માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો રોષ કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મચારીઓમાં ફેલાયો છે ત્યારે આજરોજ કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મચારીઓ આજરોજ આણંદના શાસ્ત્રી મેદાન ખાતે એકત્ર થયા હતા અને મીટીંગ યોજી આરોગ્ય શાખાના અધિકારીઓ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા કામનું ભારણ વધારી નિયમિત પગાર નહી આપી ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરાયો છે.
નિયમિત પગાર ચુકવવામાં ન આવતો હોવાના કારણે કર્મચારીઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને લઈ કર્મચારીઓ અયોગ્ય પગલું ભરતા હોય છે. તેમ જણાવતા આરોગ્ય અધિકારીના ત્રાસથી કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓએ જણાવ્યું હતું. જો આગામી દિવસોમાં આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા આ પ્રકારની નીતિ ચાલુ રાખવામાં આવશે તો કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. ઉપર જઈ વિવિધ જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39e0Gd1
No comments:
Post a Comment