
ગાંધીનગર, તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાયી સમિતિએ કમિશનરે સૂચવેલો સફાઈ અને મિલકતવેરાનો વધારો ફગાવી દીધો હતો એટલું જ નહીં કમિશનરના ૩૦૪.૮૬ કરોડના બજેટમાં પ૯ લાખનો ઘટાડો કરીને ૩૦૪.ર૭ કરોડના બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં સ્થાયી સમિતિએ વિકાસ કામો માટે રૂપિયાની જોગવાઈમાં વધારો કરવાની સાથે કોર્પોરેશનના કર્મચારીઓને ત્રણ જ વર્ષમાં કાયમી કરવાનો પણ નિર્ણય લીધો હતો. હવે આ બજેટને મંજુરી અર્થે સામાન્ય સભામાં મુકવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦ર૦-ર૧નું ડ્રાફટ બજેટ ગત તા.૧૦ ફેબુ્રઆરીએ મ્યુનિ.કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કર્યું હતું ત્યારે આજે ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ ડ્રાફટ બજેટ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે ગાંધીનગરના મિલકતધારકો પાસેથી રહેણાંક મિલ્કતોમાં ચાર રૂપિયા અને કોમર્શિયલ મિલકતોમાં પ્રતિ ચોરસ મીટર છ રૂપિયાનો વધારો સૂચવ્યો હતો તેમજ સફાઈ વેરામાં પણ વધારો સુચવ્યો હતો જે સ્થાયી સમિતિએ ફગાવી દીધો છે. હવે ગત વર્ષ મુજબ જ વેરા લાગુ પડશે. તો આ બેઠકમાં સ્થાયી સમિતિએ સુધારા-વધારા પણ કર્યા છે જેમાં કોર્પોરેટરોની ગ્રાન્ટ જે સાડા નવ લાખ રૂપિયા હતા તેમાં વધારો કરીને સાડા બાર લાખ કરવામાં આવી છે એટલે કમિશનરે સુચવેલી રકમ કરતાં ૯૬ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેની સાથે ગાંધીનગર શહેરમાં વૃક્ષોના જતન માટે વીસ લાખની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કમિશનરે ૩૦૪.૮૬ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યું હતું. જેમાં સ્થાયી સમિતિએ પ૯ લાખનો ઘટાડો કરી ૩૦૪.ર૭ કરોડનું બજેટ આજે મંજુર કર્યું હતું. જે બજેટ આગામી સામાન્ય સભામાં મંજુરી અર્થે મુકવામાં આવનાર છે. આઉટ સોર્સીંગ કર્મચારીઓના પગાર ખર્ચમાં પણ સ્થાયી સમિતિએ એક કરોડનો ઘટાડો કર્યો હતો અને સિક્યોરીટી ખર્ચમાં પણ પ૦ લાખના ઘટાડાને મંજુરી આપી હતી. તો ગાંધીનગર શહેરની સફાઈમાં ધરમુળથી ફેરફાર કરીને અલગ અલગ એજન્સીઓને નિયત કરવાનું નક્કી થયું હતું.
સ્થાયી સમિતિએ કરેલા સુચનો
કોર્પોરેશનની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બજેટ મંજુર કરવાની સાથે સ્થાયી સમિતિએ કેટલાક સૂચનો પણ કમિશનરે કર્યા હતા.
- નવા નાણાકીંય વર્ષમાં મિલકત વેરા બિલોની બજાવણી પહેલા એડવાન્સ મિલકતવેરો ભરનાર કરદાતાઓને ૧૦ ટકા રીબેટ આપવું.
- મહિલા સશક્તિકરણના ભાગરૂપે જે મહિલાઓ મકાન માલિક હોય તે મહિલાઓને વેરામાં પાંચ ટકા રીબેટ આપવું.
- કચરાના બલ્કનો જાતે વિભાજન નિકાલ કરનાર સંસ્થાઓને પ૦ ટકા રીબેટ આપવું.
- મહિલા ઉત્કર્ષ શિબિરની ગ્રાન્ટમાંથી દરેક સભાસદને પ૦ હજાર ફાળવવા માટે જોગવાઈ કરવી.
- શહેરમાં અદ્યતન લાયબ્રેરી બનાવવા સે-ર૧ની હયાત લાયબ્રેરીમાં સુધારા કરી સ્માર્ટ લાયબ્રેરી બનાવવા સ્માર્ટ સીટીના બજેટમાં જોગવાઈ કરવી.
- પેરાફેરીની ગ્રાન્ટમાંથી નાન અંતરના ડ્રેનેજ લાઈનના ટુકડા નાંખવાની કામગીરી કોર્પોરેશને કરવી.
- કોર્પોરેશનના જે નિવૃત અધિકારીની સ્ટેચ્યુટરી અધિકારીની જગ્યા ઉપર નિમણુંક કરેલી હોય તેમને કોર્પોરેશનના ખર્ચે આવાસની સુવિધા આપવી.
- અંતિમધામ ખાતે બાળકોની દફનવિધિ પૈકીની જગ્યા ઉપર તાર ફેન્સીંગ દુર કરી કંપાઉન્ડ વોલ બનાવવી.
- આઉટ સોર્સીંગ ભરતી માટે મહેકમ સમિતિની નિમણૂંક કરવી અને કાયદાના પ્રસ્થાપિત ધોરણો મુજબ ભરતી કરવી.
- આંતરિક રોડ તથા ચોકઠાની સફાઈ અંગે સત્વરે ટેન્ડર બહાર પાડી તાત્કાલિક કાર્યવાહી કરવી.
- કોર્પોરેશન દ્વારા માર્ગ અને મકન વિભાગને જે કામ કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે તે કામો જાતે કરવા સરકારશ્રીને રજૂઆત કરવી.
- વર્ષ ર૦૧૯-ર૦માં સભાસદની ગ્રાન્ટ તથા વણવપરાયેલી ગ્રાન્ટને વર્ષ ર૦ર૦-ર૧માં કેરી ફોરવર્ડ કરવી.
- મુખ્ય રસ્તાઓની સેન્ટ્રલ વર્જ ટ્રાફિક સલામતીને ધ્યાને રાખી ઓર્નામેન્ટલ ગ્રીલ દરેક રસ્તા ઉપર લગાડવી.
લોકઆંદોલનના ડરે વેરા વધારો ફગાવ્યોઃવિપક્ષ નેતા
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા ડ્રાફટ બજેટમાં સુચવાયેલા સફાઈ વેરા અને મિલકત વેરા વધારાની જોગવાઈ ફગાવી દેવાઈ હતી ત્યારે વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કહયું હતું કે કમિશનરે વેરા વધારાની દરખાસ્ત કરી ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ નોંધાવ્યો હતો અને જો સ્થાયી સમિતિ આ વેરામાં વધારો કરશે તો કોંગ્રેસ પ્રજાને સાથે રાખી મોટું આંદોલન કરશે તેવી ચેતવણી આપી હતી તેના પગલે જ સ્થાયી સમિતિએ કોંગ્રેસ અને લોકોના ડરથી આ વેરા વધારો ફગાવી દીધો છે. ત્યારે શહેરમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારો પણ શહેર જેટલો જ વેરો ભરતાં હોવાથી તેમાં ઘટાડો થાય તે માટે કોંગ્રેસ સામાન્ય સભામાં પણ આ મામલે રજુઆત કરશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારની મિલકતો વેલ્યુમાં તફાવત હોવાથી મિલકતવેરામાં પણ ફેરફાર જરૂરી છે.
અન્ય કોર્પોરેશનોની જેમ
ગાંધીનગરમાં પણ ત્રણ વર્ષે કર્મચારીને કાયમી કરી દેવાશે
ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીમાં તબક્કાવાર કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે ત્યારે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશનમાં ભરતી કરાયેલા કર્મચારીઓને અન્ય કોર્પોરેશનની જેમ પાંચ વર્ષે નહીં પરંતુ ત્રણ વર્ષે કાયમી કરી દેવાનું ઠરાવવામાં આવ્યું હતું. જેના પગલે ગાંધીનગર કોર્પારેશનના ૧૧૭ જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થશે અને તે પાંચ વર્ષની જગ્યાએ સીધા ત્રણ વર્ષે જ કાયમી થઈને ફુલ પગાર મેળવતાં થઈ જશે. નોંધવું રહેશે કે અગાઉ કોર્પોરેશનમાં પાંચ વર્ષ થઈ ગયા બાદ પણ કર્મચારીઓને સમિતિ દ્વારા મુલ્યાંકન કરીને કાયમી કરવામાં આવતા હતા. તેના કારણે આ કર્મચારીઓને અન્યાય થતો હતો.
પાંચ કરોડના ખર્ચે ઈન્ડોર સ્પોર્ટસ ક્લબ ઉભી કરાશે
- શહેરી પછાત વિસ્તારમાં ગટર, પાણી, સીસીટીવી અને પે એન્ડ યુઝ માટે રૂપિયા પાંચ કરોડ ખર્ચાશે
ગાંધીનગર કોર્પોરેશન સ્થાયી સમિતિની બજેટ બેઠકમાં ગાંધીનગર શહેર નજીક બાસણ ગામને જોડવા પુલ બનાવવા માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તો કોર્પોરેશન વિસ્તારમાં ઈન્ડોર સ્પોર્ટસ કલબ, જીમખાનું તથા સ્નાનાગૃહ બનાવવા માટે પાંચ કરોડ રૂપિયાની નવી જોગવાઈ કરાઈ હતી તો પંદર લાખના ખર્ચે ઈલેકટ્રીક હાઈ માસ્ક લગાડવા, કોર્પોરેશન વિસ્તારમાં વૃક્ષારોપણ અને સંવર્ધન માટે ર૦ લાખની જોગવાઈ, શહેરી પછાત વિસ્તારમાં માળખાકીય સુવિધાના કામો માટે વધુ એક કરોડની જોગવાઈ કરી પાંચ કરોડનો ખર્ચ મંજુર કર્યો હતો.
તો સેકટરોની ફરતે કંપાઉન્ડ વોલ માટે બે કરોડનો વધારો કરી સાત કરોડના ખર્ચની ભલામણ કરી હતી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ZOgTY
No comments:
Post a Comment