
ગાંધીનગર, તા. 11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગરમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર દ્વારા એજન્સી મારફતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગરમાં બે હજાર જેટલા ખેડૂતોએ ટેકાના ભાવથી ૩૩ હજાર ક્વિન્ટલથી પણ વધુ મગફળીનું વેચાણ કર્યું છે. જેની સામે ખેડૂતોને કુલ ૧૭.૨૩ કરોડથી પણ વધુ રૂપિયા ચુકવવાના થાય છે. ત્યારે હજુ પણ આ મગફળી ટેકાનાભાવે ખરીદવાની કાર્યવાહી શરૂ છે.
ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષે મગફળીનું વિક્રમ વાવેતર થયું હતું. ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકની સીઝન દરમિયાન કુલ પાંચ હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો બીજીબાજુ સરકાર દ્વારા એક ક્વિન્ટલ મગફળીના રૂપિયા ૫,૦૯૦ ટેકાનો ભાવ તરીકે નક્કી કરવામાં આવ્યાહતા ત્યારે આ વખતે ગાંધીનગર જિલ્લામાં ઉતરેલા મગફળીના પાકને ખેડૂતોએ આ ટેકાના ભાવે વેચવાનું પસંદ કર્યું હોય તેમ સરકાર નિમેલી એજન્સીઓ મારફતે હજ્જારો ક્લિન્ટલ મગફળી ખરીદીના આંકડા ઉપરથી લાગી રહ્યું છે.
જિલ્લામાં કુલ ત્રણ હજાર જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે જિલ્લામાં ચિલોડા અને દહેગામ એમ બે સેન્ટરો ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.જેમાં અત્યાર સુધી બે હજાર જેટલા ખેડૂતોએ ટેકાનાભાવે મગફળી વેચી છે.
આ અંગે ગાંધીનગર ખેતીવાડી અધિકારી ડી.પી. જાદવેે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ચિલોડાના બે સેન્ટરો ઉપર અત્યાર સુધી ૧૭.૨૩ કરોડ રૂપિયાની કિંમતની મગફળી ખરીદવામાં આવી છે.
કુલ૩૩ હજારથી પણ વધુ ક્વિન્ટલ મગફળી જિલ્લાના સેન્ટરો ઉપર સરકારે નિમેલી એજન્સી માફરતે ટેકાના ભાવે ખરીદાયી છે.ત્યારે ૧૭.૨૩ કરોડ રૂપિયા પૈકી ૧૪.૬૦ કરોડ રૂપિયા જે તે ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઇ ગયા છે ત્યારે બાકી રહેલા ત્રણ કરોડ રૂપિયા પણ જેમ જેમ તેના બીલ પાસ થાય તેમ તેમ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઇ જશે. હજુ પણ જિલ્લામાં એક હજાર જેટલા ખેડૂતો દ્વારા પોતાની મગફળી ટેકાનાભાવે વેચવામાં આવશે તેવો રજીસ્ટ્રેશનના આંકડા ઉપરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SkWzpS
No comments:
Post a Comment