સેક્યુલરીઝમઃ ઇતિહાસ અને વર્તમાન (લેખાંક-1)26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ બંધારણ ઘડતરનો ભગિરથ કાર્ય પૂર્ણ કરેલું. સંવિધાનની મૂળ પ્રસ્તાવનામાં લખ્યું હતું કે, અમે ભારતવાસીઓ ભારતને એક સાર્વભૌમ, લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવા માટે તથા તેના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યકિત, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરાવવા અર્થે આ સંવિધાનને અંગીકૃત અધિનિયમિત અને આત્માર્પિત કરીએ છીએ.
અમેરિકા અને ફ્રાંસના બંધારણથી પ્રેરિત આપણા મૂળ પ્રીએમ્બલમાં ન તો ધર્મ નિરપેક્ષતા અથવા પંથ નિરપેક્ષતાનો ઉલ્લેખ હતો, ન સમાજવાદનો. આ બંને શબ્દો મીની બંધારણ કહેવાતા 42મા સુધારા દ્વારા પાછળથી ઉમેરવામાં આવ્યા. 18મી ડિસેમ્બર 1976ના રોજ જ્યારે કટોકટી લાગુ હતી ત્યારે વડાપ્રધાન ઇંદિરા ગાંધીના ઇશારે એ જ સરકારમાં વિદેશ મંત્રી અને સંરક્ષણ પ્રધાન રહી ચૂકેલા સરદાર સવર્ણસિંહના નેતૃત્વ હેઠળની એક સમિતિએ આ સૂચન કર્યું હતું. પ્રસ્તાવનામાં અભિવ્યકિતની સ્વતંત્રતાની હિમાયત કરવામાં આવી છે. તે સ્થગિત હતી ત્યારે આમુખમાં કરેલો ફેરફાર પીપલ ઓફ ઇંડિયાની લાગણીનું પ્રતિનિધિત્વ કરી શકે ખરો?
પંથ નિરપેક્ષતા અને સમાજવાદની ન તો કોઇ એક પરિભાષા છે, ન કોઇ પરિભાષા બંધારણમાં આપવામાં આવેલી છે. ભારત જેને પંથ કહે છે તેને બાકીની દુનિયા ધર્મ કહે છે. ભારત જેને ધર્મ કહે છે તેના માટે શેષ દુનિયા પાસે કોઇ પ્રોપર શબ્દ નથી. સમાજવાદમાં પણ માર્ક્સવાદ, લેનિનવાદ, માઓવાદ, ટીટોવાદ એવા અનેક અલગ-અલગ મોડલ છે. સમાજવાદને લોકતાંત્રિક અને જનવાદી ગણાવવામાં આવે છે. વક્રતા એ છે કે સૌથી વધુ દમન સમાજવાદમાં થયું છે. એટલે જ કદાચ બંધારણ સભાના ચતુર સુજાણ સભ્યોએ પંથ નિરપેક્ષતા અને સમાજવાદ જેવા શબ્દોથી દૂર રહેવાની સમજદારી દાખવી હતી.
બંધારણની મુસદ્દા સમિતિમાં થયેલી ચર્ચા પરથી જાણવા મળે છે કે પંડિત જવાહરલાલ નહેરુ પ્રસ્તાવનામાં સામાજિક ન્યાય શબ્દ પ્રયોજવાની પણ વિરૂદ્ધ હતાં. તેઓ સમાજમાં લોકતાંત્રિક ઢબે ધીમે ધીમે સમાનતા લાવવા માગતા હતા. આંબેડકર લેનિનની સમાજવાદી અવધારણાથી પ્રેરિત હતા. નહેરુ તેનો વિરોધ એટલા માટે કરી રહ્યા હતા કેમ કે લેનિનની સમાજવાદી ક્રાંતિ રક્તરંજિત હતી. પોતાનું સૂચન ન સ્વીકારાયાનો તેમને હંમેશા રંજ રહ્યો.
એ ઘટનાના અઢી દાયકા પછી પિતાના વિચારોથી વિમુખ થઇને ઇંદિરા ગાંધીએ બંધારણના આમુખમાં સમાજવાદ શબ્દ જોડી દીધો. તેનાથી યુરોપિયન દેશો રાજી થયા, પણ ભારતની તેમના પરની આર્થિક અને રાજકીય નિર્ભરતા પણ વધી જવા પામી. 1990માં સોવિયેત સંઘનું વિઘટન થતાં યુરોપના સમાજવાદી દેશો દિશાહીન બની ગયા. ભારતનું સમાજવાદી વિકાસ મોડલ ઓલરેડી સુપરફલોપ થઇ ચૂક્યું હતું.
સોશિયલિઝમની જેમ સેક્યુલરિઝમ પણ યુરોપની પરિકલ્પના છે. તેના પણ અનેક મોડેલ છે. તેની મૂળ ભાવના એ છે કે લોકશાહીમાં ધર્મ અને રાજ્ય વચ્ચે અંતર જળવાઇ રહેવું જોઇએ. બંનેએ ન તો એકબીજાના કામમાં હસ્તક્ષેપ કરવો જોઇએ, ન એકબીજાના હિત કે અહિતને પ્રોત્સાહન આપવું જોઇએ.
10મી સદીથી મધ્ય અને દક્ષિણ યુરોપમાં પ્રાચીન રોમન સામ્રાજ્ય જેવુ જ એક રાજ્ય વિકસવા લાગ્યું. 15મી સદીમાં તે જર્મન રાષ્ટ્રીયતાવાળું પવિત્ર રોમન સામ્રાજ્ય કહેવાયું. તેમાં અનેક રાજા અને મહારાજા હતા. બધાની ઉપર એક સમ્રાટ હતો. એક સામ્રાજ્યમાં અનેક ધર્મો પાળવામાં આવતા હતા. પરંતુ જો કોઇનું વર્ચસ્વ હતું તો તે રોમન કેથલિક ચર્ચનું. અસલી સત્તા ધર્માધિકારીઓ પાસે હતી. રાજા હોય કે રંક ધર્માધિકારીની કૃપા વિના તે કશું નહોતો.
16મી સદીમાં ખ્રિસ્તી ધર્મમાં ફાંટા પડવા માંડયા. જર્મનીના સેક્સની પ્રદેશમાં માર્ટીન લ્યૂથરની પરિકલ્પના પ્રમાણેનો પ્રોટેસ્ટંટ સમુદાય વિકસવા લાગ્યો. સાંપ્રદાયિક ખેંચતાણ વધવા લાગી. પવિત્ર રોમન સામ્રાજ્યના સત્તાધારીઓ વચ્ચે ઝઘડા થવા માંડયા. 1539-40માં સેક્સની પ્રદેશના ડયુક હાઇનરિશે તમામ ચર્ચોની સંપત્તિ જપ્ત કરી લીધી. મઠોને બેદખલ કરી દીધા. 1535થી 1538 દરમ્યાન ઇંગ્લેન્ડના રાજા હેનરી-8એ પણ આવું જ કર્યું હતું. અંધવિશ્વાસ વિરૂદ્ધ અભિયાન છેડીને મૂર્તિઓનું ખંડન કરાવ્યું. મોટા-મોટા તીર્થસ્થાન ધરાશાયી કરી નાખ્યા. કેથલિક દેવળોને પડકારવાના એ સમયને નવજાગૃતિ કાળ કહેવામાં આવે છે. પંથ નિરપેક્ષતા યુરોપિયન ચેતનાનો આરંભ હતો. એ ચેતનાને અભિવ્યક્ત કરવા માટે લેટિન ભાષાના શબ્દ સેક્યુલરિઝાત્સિયોનો પ્રયોગ કરવામાં આવ્યો. તેના પરથી ફ્રેન્ચ ભાષામાં સેક્યુલારિઝેર શબ્દ બનાવવામાં આવ્યો. તેનો અર્થ થાય છે પંથ નિરપેક્ષીકરણ. 8મી મે 1646ના દિવસે જર્મનીના મ્યુનસ્ટર નગરમાં વેસ્ટફેલિયા શાંતિ સંમેલનમાં પ્રથમ વખત સેક્યુલરાઇઝેશન એટલે કે પંથ નિરપેક્ષીકરણની વાત કરવામાં આવી હતી. જો કે તેનો અર્થ એ હતો કે, કેથલિક સંપત્તિઓ પર હવે પ્રોટેસ્ટંટનો અધિકાર હોવો જોઇએ. આ પ્રસ્તાવ યુરોપમાં 1618થી 1648 સુધી ખેલાયેલા ધર્મયુદ્ધ પછી લાવવામાં આવ્યો હતો. એ સમયે ખ્રિસ્તી ધર્મના બંને સંપ્રદાય પવિત્ર રોમન સામ્રાજ્યના રાજવંશ તથા ફ્રાંસ, સ્વીડન અને ડેન્માર્ક જેવા દેશો પોતપોતાના વર્ચસ્વ માટે લડી રહ્યા હતા.
ચાર સદી પૂર્વે એ જ સમયે ભારતમાં મોગલોનો ડંકો વાગતો હતો. હુમાયુના મૃત્યુ પછી સાલ 1555માં તેમના દીકરા જલાલુદ્દીન અકબરને માત્ર 15 વર્ષની ઉંમરે રાજગાદી મળી. 50 વર્ષ સુધી તેણે રાજ કર્યું અને મોગલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અકબરે ધાર્મિક સહિષ્ણુતાનો પરિચય આપ્યો હતો પરંતુ તેના પૌત્ર શાહજહાં અને પ્રપૌત્ર ઔરંગઝેબના શાસન કાળના 80 વર્ષ હળાહળ ધાર્મિક ભેદભાવથી ભરેલા રહ્યા. એ અરસામાં યુરોપના ઉપનિવેશવાદીઓ તથા ધર્મ પ્રચારકો ભારતમાં પ્રસરવા લાગ્યા.
યુરોપમાં ફ્રાંસ નવજાગૃતિ કાળની ચળવળનું અગ્રણી બની ગયુ હતું. નેપોલિયન પ્રથમની ફ્રેન્ચ ક્રાંતિના આરંભમાં ફ્રાંસની સંસદે 2જી નવેમ્બર 1789ના રોજ ચર્ચની તમામ સંપત્તિઓનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એકસમયે જે ધર્માધિકારીઓ રાજાથી પણ ઉપર હતા તેઓ હવે રાજ્યના વેતનદાર કર્મચારી બની ગયા. તેમને દેશભક્તિના અને બંધારણ પ્રતિ પોતાની આસ્થાના શપથ લેવા પડયા. તેમની સત્તા વેતરી નાખવામાં આવી. સમય જતાં ચર્ચની સ્થાવર જંગમ મિલકતોની હરાજી કરી દેવાઇ.
યુરોપમાં પંથ નિરપેક્ષતાનો યુગ શાસનમાં ચર્ચના હસ્તક્ષેપને ઓછો કરવા સાથે અને ચર્ચના કાર્યોમાં શાસકોના ભારે હસ્તક્ષેપ સાથે શરૂ થયો હતો. આ બાજુ ભારતમાં મોગલ સામ્રાજ્ય આથમણે પહોંચ્યું ત્યાં બ્રિટિશ શાસન કાળનો ઉદય થવા લાગ્યો હતો. આથી ભારતની બહુમતીને ન તો આત્મમંથનનો સમય મળ્યો, ન તેમની પાસે આત્મનિર્ણયનો અધિકાર હતો.
હિંદુ ધર્મને સમજવો ખૂબ કઠીન છે અને જટિલ પણ. હિંદુ શબ્દ અરબીઓએ આપેલો છે. અરબી અને ફારસીમાં આજે પણ ભારતને હિંદ કહેવામાં આવે છે. હિંદુ શબ્દ ભાગલા પછી પાકિસ્તાનમાં જતી રહેલી સિંધુ નદીના નામનો અપભ્રંશ છે. અરબો અને ઇરાનીઓ સિંધુ નદીવાળા દેશને હિંદ અને ત્યાં વસતા લોકોને હિંદુ, હિન્દી અને હિન્દવી કહેતા. કઝાકોનો દેશ કઝાકસ્તાન, ઉઝબેકોનો દેશ ઉઝબેકિસ્તાન અને અફઘાનોનો દેશ અફઘાનિસ્તાન કહેવાયો તેમ હિંદમાં રહેનારા લોકો હિંદુ કહેવાયા અને તે પ્રદેશ હિન્દુસ્તાન કહેવાયો.
અરબ અને ઇરાનના લોકો હિંદુસ્તાનમાં વસતા લોકોને હિંદુ કહેતા હતા પરંતુ અહીં વસતા લોકો પોતાને શું કહેતા હતા? વૈદિક, બ્રાહ્મણ, આર્ય અથવા સનાતન ધર્મી. આ બધા પંથો એકમેવ આધ્યાત્મિક દર્શનની અલગ અલગ અભિવ્યક્તિ સમાન હતા. સમય જતાં તે બધા હિંદુ કહેવાવા લાગ્યા. કેટલાક લોકો આજે પણ પોતાને સનાતની અથવા સનાતન ધર્મી કહે છે. જો કે ઑન પેપર માત્ર હિંદુ શબ્દ જ ચલણમાં છે. હિંદુ શબ્દ જેમ સિંધુ નદી પરથી આવ્યો છે તેમ ઇન્ડિયા શબ્દ પણ સિંધુ પરથી જ આવેલો છે. સિંધુને લેટિન ભાષામાં ઇન્ડસ કહેવામાં આવે છે અને આ ઇન્ડસ જ્યાં વહે છે તે જગ્યા એટલે ઇન્ડિયા.
હિંદુ ધર્મ જેમ બીજા ધર્મોથી અલગ છે તેમ ધર્મ શબ્દ પોતે પણ ભારતીય સભ્યતાની વિશિષ્ટ દેણ છે. ધર્મનો અર્થ એ નથી થતો જે લેટિન ભાષામાં રેલીગીયો અને અંગ્રેજી ભાષામાં રિલિજિયનનો થાય છે. ધર્મનો અર્થ થાય છે કોઇપણ પ્રકારની અપેક્ષા વિનાનું કર્તવ્ય પાલન. ધર્મ એ કર્મ અને ફળ સાથે જોડાયેલો અલૌક્કિ નિયમ છે. પતિધર્મ, પત્નીધર્મ, રાજધર્મ. રાજાએ નિભાવવી પડતી ફરજ માટે આપણી પાસે રાજધર્મ શબ્દ છે તેવો દુનિયાની બીજી કોઇ ભાષામાં નથી. હિંદુ બનવા માટે આવા સંસ્કારોનું પાલન કરવું પડે છે.
અંગ્રંજીમાં ધર્મને સમજાવવો હોય તો કહી શકાય કે ધર્મ એટલે મોરલ ડયુટી. આથી સેક્યુલરિઝમનો અર્થ ધર્મ નિરપેક્ષને બદલે પંથ નિરપેક્ષ કરવો વધારે ઉચિત છે. કોઇ વ્યકિત તેમની નૈતિક ફરજોથી નિરપેક્ષ કેવી રીતે હોઈ શકે?
(ક્રમશઃ)
આજની નવી જોક
છગન દુઃખી બેઠો હતો.
મગનઃ શું થયું?
છગનઃ એક દોસ્તારને પ્લાસ્ટિક સર્જરી માટે બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.
મગનઃ તો?
છગનઃ તો શું? તો પૈસા લેવાના છે એની પાસેથી.
મગનઃ લઈ લે.
છગનઃ કેવી રીતે લઉં? પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા પછી ઓળખાવો તો જોઈએને.
મગનઃ હેં!?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39srF4N
No comments:
Post a Comment