- મામલતદારના આદેશ બાદ સર્કલ ઓફિસર સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ : રિપોર્ટ તૈયાર કરાશે

આણંદ, તા.05 ફેબ્રુઆરી 2020, બુધવાર
છેલ્લા ઘણાં સમયથી વિવિધ પ્રકારના વિવાદોમાં સપડાયેલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદનો મધપુડો છંછેડાયો છે. કૃષિ યુનિ.ના બાગાયત ફાર્મમાં આવેલ ૧૪૦થી વધુ આંબાના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે ત્યારે આ મામલે આણંદના મામલતદારને જાણ થતા આજે સર્કલ ઓફીસર સહિતની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયત ફાર્મમાં આવેલ ૫૫ વર્ષથી વધુ જુના દોઢ હેક્ટરમાં પથરાયેલ ૧૪૦થી વધુ આંબાના વૃક્ષોનું ગતરોજ નિકંદન કાઢી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં યુનિ.ના સત્તાધીશો સામે રોષની લાગણી વ્યાપી છે. જો કે આ આંબાના વૃક્ષ બિનફળાઉ હોઈ હોટ્રીકલ્ચર વિભાગના વિદ્યાર્થીઓ નવી ફળાઉ જાતો વિકસાવી શકે તે હેતુથી નવું પ્લાન્ટેશન કરવાના ઉદ્દેશ્ય સાથે આ બિનફળાઉ આંબાના ઝાડ કાપવામાં આવ્યા હોવાનું બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે.
ઉપરાંત આ આંબાના વૃક્ષોની જગ્યાએ વિવિધ પ્રકારના ૫૦૦ જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવશે તેમ પણ બાગાયત વિભાગ સૂત્રોએ જણાવ્યું છે. જો કે આ સમગ્ર ઘટનાની જાણ આણંદ મામલતદારને થતાં આણંદ શહેર મામલતદાર કે.એમ.રાઠોડે તુરંત જ તપાસના આદેશ કરતા સર્કલ ઓફિસર સહિતની ટીમે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આ અંગે પંચક્યાસ કરી રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. બાગાયત વિભાગ દ્વારા ઝાડ કાપવા અંગે કોઈપણ જાતની મંજુરી નહી લેવામાં આવી હોવાનું શહેર મામલતદારે જણાવતા ઉમેર્યું હતું કે ખરેખર બિનઉપજાઉ વૃક્ષો હતા કે નહીં તે અંગેની તપાસ કરી કાપવામાં આવેલ વૃક્ષો પૈકી કેટલા બિનઉપજાઉ હતા તે બાબતે રીપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
યુનિ. દ્વારા કોઈપણ જાતની મંજૂરી લેવાઈ નથી : આરએફઓ
આ અંગે આણંદના આરએફઓ બી.આર. પરમારનો ટેલીફોનીક સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તા.૨૦-૧૦-૨૦૧૫ના રોજ ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ૮૬ પ્રકારના વૃક્ષોને કાપવા માટે મંજુરીમાંથી મુક્તિ અપાઈ છે. પરંતુ જ્યારે વધુ પ્રમાણમાં વૃક્ષો કાપવાના થતા હોય ત્યારે જાહેર હરાજી કરી ટેન્ડર સીસ્ટમની પ્રક્રિયા કરવી પડે છે. જો કે આ મામલે આણંદ કૃષિ યુનિ. દ્વારા આણંદ કચેરીમાં કોઈપણ જાતનો પત્રવ્યવહાર કરાયો નથી કે ટેલીફોનીક પણ મંજુરી લેવાઈ નથી. સામાન્ય રીતે વધુ પ્રમાણમાં વૃક્ષો કાપવાના થતા હોય ત્યારે અપસેટ કિંમત નક્કી કરવા માટે વનવિભાગ દ્વારા પ્રપોઝલ તૈયાર કરી આપવામાં આવે છે. પરંતુ આવી અપસેટ કિંમત માટે પણ આણંદ કૃષિ યુનિ. દ્વારા કોઈ સંપર્ક કે પૃચ્છા ન કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રાતોરાત વૃક્ષોના નિકંદનથી સતાધિશો સામે સવાલો ઉઠયા
એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે કૃષિ યુનિ.ના બાગાયત વિભાગ દ્વારા રાતોરાત એક સાથે ૧૪૦થી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા યુનિ. સત્તાધીશોની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બિનઉપજાઉ વૃક્ષોને કાપી આગામી વર્ષોમાં ૫૦૦ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવાનું નક્કી કરાયું છે ત્યારે આ ૫૦૦ વૃક્ષોને મોટા થતાં વર્ષો લાગી જશે તે બાબતે બાગાયત વિભાગે કેમ વિચાર્યું નહી ? તે પ્રશ્ન પર્યાવરણ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OsRsl9
No comments:
Post a Comment