
નડિયાદ, તા.07 ઓગસ્ટ 2019, બુધવાર
હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને જિલ્લાના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહેવા અને તલાટીઓને ગામડાઓમાં હાજર રહેવાની સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ છે.
ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં થયેલ લો પ્રેસર સિસ્ટમને કારણે ચરોતરમાં આગામી ૮ અને ૯ ઓગષ્ટ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની આગાહી ડિઝાસ્ટર કચેરી દ્વારા કરાઇ છે. આથી વહીવટી તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતને પહોંચી વળવા આગોતરા આયોજનો હાથ ધરાયા છે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્ય મથકો ઉપર, તલાટીઓને ગામડાઓમાં હાજર રહેવાની તાકીદ કરાઇ છે.
આ અંગે જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ જિલ્લામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરીના અગમચેતી પગલાં લેવાયા છે, તમામ વિભાગો દ્વારા ભારે વરસાદમાં કામગીરી માટેનો એક્શન પ્લાન પણ ઘડાયો છે. મધ્યગુજરાત વીજ કંપની, માર્ગ અને મકાન સ્ટેટ પંચાયત વિભાગ, તથા તમામ મામલતદાર કચેરીઓને બચાવ રાહતના સાધનો સાથે તૈયાર રહેવાની સૂચના અપાઇ છે.
જિલ્લાની તમામ નગરપાલિકાઓને વરસાદી પાણીના નિકાલ માટે ડી-વોટરીંગ પંપ, સફાઇના સાધનો ઉપરાંત કોઇ જગ્યાએ જો લોકોનું સ્થળાંતર કરવું પડે તો શહેર અને ગામડાઓમાં આશ્રય સ્થાનો નક્કી કરી, ત્યાં લોકો માટે ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. વળી વરસાદ બાદ શહેર અને ગામડાઓમાં સફાઇ તેમજ પાણીના ક્લોરીનેશન માટેની સૂચનાઓ અપાઇ છે. ત્યારે આગામી બે દિવસોની ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર સુસજજ્ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kx3hUV
No comments:
Post a Comment