મોડાસા,તા.7 ઓગસ્ટ 2019, બુધવાર
મહિસાગર જિલ્લાથી માંડી રેલ્લાવાડા પંથકના ગ્રાહકોની રૃપિયા ભર્યા છતાં દાગીના નહી અપાયા હોવાની ફરિયાદ
રાજસ્થાનના બાડમેરથી કમાવવા ગાંભોઈ આવેલા અને કરીયાણાની દુકાનમાંથી પ્રાઈવેટ લીમીટેડ કંપની શરૃ કરી વાર્ષિક ૧૨ ટકા વ્યાજના દરે ડીપોઝીટો અને માત્ર ૧ ટકાના ધિરાણ દર ગોલ્ડ મેળવી કરોડો રૃપિયાનું ઉઠામણું કરનાર શખ્શો વિરૃધ્ધ આખરે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.પરંતુ આ ગઠીયાઓએ દાગીના ઉપર ધિરાણ કરી કેટલાય ગ્રાહકોએ ધિરાણના રૃપિયા ચૂકતે કરી દીધા છતાં દાગીના પરત નહી આપતા હોવાની રોષભેર ફરીયાદો સાથે મોડાસા ખાતેની બંધ ઓફીસના ધરમ ધક્કા આરંભી દીધા છે.મોડાસા સહિત આસપાસના માલપુર,મેઘરજ અને છેક મહિસાગર જિલ્લાના ગ્રાહકો આ કંપનીના ઉઠામણાની ચર્ચા થી જ ફફડી ઉઠયા છે.અને છેલ્લા ૩ દિવસમાં ૭ જેટલા ગ્રાહકોએ પોતાની સાથે થયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગે તપાસ હાથ ધરવા ટાઉન પોલીસ સ્ટેશને અરજીઓ નોંધાવી છે.
રાજસ્થાનના બાડમેરના રહીશ મદનસિંહ રાજપુરોહિતે બે વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ ખાતે કેશરીયા કેશ એન કેરી નામે કરીયાણાની દુકાન શરૃ કરી હતી.પરંતુ આ વેપાર દરમયાન જ આ શખ્શે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓને હાથ ઉપર લઈ ભોળી પ્રજાને છેતરવાનો પરવાનો લીધો હોય એમ ગોથાજી ગ્લોબલ પ્રા.લી. ગોલ્ડ લોન અને ગોથાજી ગ્લોબલ નીધી લી. નામે ચીટફંડ શરૃ કર્યું હતું.બેંકો કે સ્થાનિક ધિરાણ કરતા શાહુકારો પાસેથી દોઢ કે બે ટકે દાગીના ઉપર ધિરાણ મેળવતા જરૃરતમદોએ આ દાગીના પરત મેળવી ગોથાજી અને સાંઈ એન્ટર પ્રાઈઝ ની જાહેરાતોથી આકર્ષાઈ મોટાપાયે દાગીના ઉપર ધિરાણ મેળવવા રીતસરની દોટ લગાવી હતી.જયારે ફીક્સ ડીપોઝીટ ઉપર ૧૨ ટકાના વાર્ષિક આકર્ષક વ્યાજ દરે મોટી રકમો ડીપોજીટ કરવા પણ પંથકના બીલ્ડરો,કેટરર્સ થી માંડી અન્ય રોકાણકારોએ અને બે નંબરીયાઓએ આંટાફેરા શરૃ કરી દીધા હતા.
પરંતુ અચાનક આ પ્રાઈવેટ લીમીટેડ કંપની ઓની ઓફિસે તાળા મારી સંચાલકો અને એજન્ટો એકાએક રફુચક્કર થઈ જતાં કેટલાય ગ્રાહકો અને થાપણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહયો છે.દોઢ વર્ષ અગાઉ મોડાસાના સ્ટેશન રોડ ઉપરના એક કોમ્પલેક્ષમાં ઓફીસ ખોલી દાગીના ઉપર ધિરાણ અને બચતના નામે ડીપોઝીટ ઉધરાવવા આકર્ષક કમીશને એજન્ટો રાખી આ પ્રાઈવેટ લી.કંપની એ ધંધો શરૃ કર્યો હતો. છેલ્લા એક અઠવાડીયાથી આ ઓફીસને ખંભાતી તાળાં મારી સંચાલકો,મેનેજર અને વહીવટકર્તાઓ અને વાયુ,કડીયા,પુરોહિત અને એજન્ટો ભૂગર્ભમાં ઉતરી જતાં આજે કેટલાય ગ્રાહકો બંધ કચેરી જોઈ નીસાસા નાખી રોષ વ્યક્ત કરી રહયા છે.
જયારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૩ દિવસમાં ૭ શખ્શો એ આ ગોથાજી ગ્લોબલ વિરૃધ્ધ રૃપિયા ભરી દીધા હોવા છતાં દાગીના નહી આપી છેતરપીંડી આચરવામાં આવી હોવાની અરજીઓ પીએસઓને આપી છે.ત્યારે હવે પોલીસ આ દિશામાં શી કાર્યવાહી હાથ ધરે છે ? એ ઉપર સૌ રોકાણકારો અને ગ્રાહકોની મીટ મંડાઈ છે.ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ૧૦ જણા વિરૃધ્ધ નોંધાયેલ ફરીયાદ બાદ મોડાસામાં પણ આગામી દિવસોમાં ફરીયાદ નોંધાશે એમ મનાઈ રહયુ છે.
મહિસાગરની મહિલાનું આક્રંદ અને રેલ્લાવાડાના શ્રમજીવીના હૈયા વરાળ
માત્ર ૧ ટકા વ્યાજના દરે સોનાના દાગીના ઉપર વધુ રકમ આપવાની આકર્ષક સ્કીમ લાગુ પાડી ગોથાજી ગ્લોબલ પ્રા.લી.ના સંચાલકો એ બેંકો કે ખાનગી શ્રોફ ના માલીકો પાસેથી રીતસર ગ્રાહકો ઝૂંટવી લીધા હતા.પરંતુ આ પ્રાઈવેટ લીમીટેડ કંપનીને ખંભાતી તાળા વાગતાં મોડાસા ખાતે બંધ ઓફીસે ઉમટી પડેલા ગ્રાહકોએ રીતસરનો રોષ વ્યક્ત કર્યો હતો.મહિસાગર જિલ્લાના લીલાબેને તો આક્રંદ મચાવ્યું હતું અને સોનાના બે સેટ અને સોનાના દોરા ઉપર ગત મહિને જ ધિરાણ મેળવ્યું હતું.પરંતુ આજે આ જવાબ આપનાર જ કોઈ જ નથી.જયારે રેલ્લાવાડા ના લક્ષ્મણજી પણ રૃ.૮૦ હજાર ભર્યા પછી પોતાના ૩૬ ગ્રામના દાગીના છોડાવવા બે દિવસ થી ઓફીસના ચક્કર કાપી રહયા છે.
ટાઉન પોલીસ સ્ટેશને 3 માસ અગાઉ સંચાલકો વિરૃધ્ધ ફરિયાદ કરાઈ હતી
મોડાસા ખાતે ગોથાજી પ્રા.લી.ની ઓફિસ જે કોમ્પલેક્ષમાં આવેલ છે.તે દુકાન આ સંચાલકોએ ૮ વર્ષના કરાર ઉપર ભાડે રાખી હોવાની ચર્ચાઓ ઉઠી છે.જયારે ૩ માસ અગાઉ ધિરાણ પેટે ના નાણાં ભર્યા પછી દાગીના મેળવવા ધરમ ધક્કા ખાતા મોડાસાના એક ગ્રાહકે આ સંચાલકો વિરૃધ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ કરી હોવાનું આસપાસના વેપારીઓએ જણાવ્યું હતું.
મોડાસાના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ફાયનાન્સ કંપની શંકાના દાયરામાં
મોડાસા સહિત જિલ્લામાં ધમધમતી હલધર,આદર્શ,અર્બુદા નામે રોકાણ કરતી કેટલીય કંપનીઓના ઉઠામણામાં ગ્રાહકોએ કરોડો ગુમાવ્યા છે.ગોથાજી ના કારનામાએ વધુ રોકાણકારોને રડાવ્યા છે.ત્યારે હજુ નગરના ચાર રસ્તા વિસ્તારમાં ધમધમતી એક ફાયનાન્સ કંપની કે જેના એક કર્મીને થોડાક દિવસ અગાઉ ઘાલમેલ પ્રકરણે સસ્પેન્ડ કરી દેવાયો હતો.તે કંપની પણ હાલ દાગીના વેચી દેવાના કૌભાંડે શંકાના દાયરામાં આવી રહી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KrXZK4
No comments:
Post a Comment