કલમ 370 બાદ હવે ફોકસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ઉપર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 August 2019

કલમ 370 બાદ હવે ફોકસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ઉપર

- મોદી સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન કાગારોળ મચાવી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરીને મોદી સરકારે કાશ્મીર સમસ્યા જ ખતમ કરી દીધી છે અને હવે સવાલ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવાનો છે


જમ્મુ-કાશ્મીરને કલમ ૩૭૦માથી મુક્ત કરવાનો જે સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ દર્શાવ્યો છે એ સાહસ અત્યાર સુધીની કોઇ સરકાર કરી શકી નથી. મોદી સરકારના નિર્ણય બાદ એક રાષ્ટ્રમાં બે બંધારણ, બે શાસનવ્યવસ્થા અને બે નિશાન જેવી સમસ્યા ઉકેલાઇ ગઇ છે. હકીકતમાં જમ્મુ-કાશ્મીરને લઇને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જે પગલું લીધું છે એના દ્વારા તેમનું નામ ઇતિહાસમાં અંકિત થઇ ગયું છે. 

જમ્મુ-કાશ્મીરને લઇને દેશના લોકોની જે ઇચ્છા હતી એના પર મોદી સરકારે સાહસપૂર્વક સમજદારીપૂર્વક અને ધીરજપૂર્વક પ્રસ્તાવ ઘડયાં અને ગૃહમાં રજૂ કર્યાં. આ પ્રસ્તાવોમાં રાજ્યના વંચિત લોકો માટે અનામત વ્યવસ્થા, કલમ ૩૭૦ દૂર કરવી અને રાજ્યનું પુર્નગઠન જેવી જોગવાઇઓ સામેલ હતી. 

હવે જ્યારે આ પ્રસ્તાવો પાસ થઇ ગયા છે ત્યારે જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઇ લેવામાં આવ્યો છે તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યાં છે.

આમ તો છેલ્લા થોડા દિવસથી જમ્મુ-કાશ્મીરમાં જે હિલચાલ થઇ રહી હતી એનાથી લોકોના મનમાં અનેક સવાલ હતાં કે આખરે ત્યાં શું થવાનું છે? જે રીતે જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યાં અને અમરનાથ યાત્રા સ્થગિત કરીને શ્રદ્ધાળુઓને સત્વરે કાશ્મીર છોડી દેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું એને લઇને અનેક અટકળો થઇ રહી હતી. જોકે મોદી સરકારને એ વાતે દાદ આપવી ઘટે કે તેમણે બંધારણની મર્યાદામાં રહીને નિર્ણય લીધાં છે અને ખરું જોતાં તો કેન્દ્ર સરકારનો એ અધિકાર પણ છે કે તે પોતાના રાજ્યોના વિકાસ અંગે વિચારે અને લોકોના જીવનધોરણ સુધારવા કાયદા બનાવે. 

આજે ભલે ઘણાં લોકોના મનમાં એવા સવાલ ઉઠતા હોય કે મોદી સરકારે આ નિર્ણય લોકોને અંધારામાં રાખીને લીધો છે પરંતુ જ્યારે ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલા સંકલ્પો સિદ્ધ થઇ જશે ત્યારે દેશની રાજ્યવ્યવસ્થામાં એક નવો અધ્યાય શરૂ થશે. દેશના લોકોને જમ્મુ-કાશ્મીર વિશે વાસ્તવિક જાણકારી મળવા લાગશે. અત્યાર સુધી તો લોકોને માત્ર એટલું જ જાણવા મળે છે કે કાશ્મીર અશાંત ક્ષેત્ર છે અને ત્યાં આતંકવાદનું સામ્રાજ્ય છે, પરંતુ આ વાત સાચી નથી. 

કાશ્મીર ખીણના કેટલાંક ક્ષેત્રોમાં જ અશાંતિનો માહોલ છે અને આ અશાંતિ પણ પાડોશી એટલે કે પાકિસ્તાનપ્રેરિત છે. હકીકતમાં આ અશાંતિના કારણે જ કાશ્મીરના બાકીના ક્ષેત્રોમાં પણ વિકાસ થઇ શકતો નથી. પરંતુ હવે કેન્દ્ર સરકારની નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં વિકાસ વેગ પકડશે.

જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં વસતા પછાત લોકો વંચિત અવસ્થામાં જીવન ગુજારે છે. આવા લોકોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. હવે નવા પ્રસ્તાવ બાદ આ લોકોને અધિકારો મળશે જે સરકારનું ઘણું સારું પગલું છે. જમ્મુ-કાશ્મીરમાં જે નવી શાસન વ્યવસ્થા અમલમાં આવી રહી છે એ દ્વારા કાશ્મીર, જમ્મુ અને લદ્દાખ એમ ત્રણેય ક્ષેત્રોને પોતપોતાની રીતે વિકાસ કરવા માટે મોકળું મેદાન મળશે અને કેન્દ્ર એ વિકાસ પામવા માટે તેમની પડખે રહેશે.

ગૃહ મંત્રી અમિત શાહે જ્યારે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરિવર્તિત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે એક સવાલ એ પણ થયો કે તો પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરનું શું? એવા સવાલ પણ થયા કે શું પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પરનો દાવો છોડી દેવામાં આવ્યો છે? સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તો આ સવાલ સરકારને પૂછ્યો પણ ખરો. જોકે સરકારે આ અંગેની અસ્પષ્ટતા દૂર કરતા કહ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ઉપરનો દાવો પણ ચાલુ રહેશે. લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરનો જે હિસ્સો પચાવી પાડયો છે એ ભારતનો જ આંતરિક ભાગ છે. 

અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ૧૦૭ બેઠકો હતી અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની ૨૪ બેઠકોને ખાલી રાખવામાં આવે છે. જેનો પ્રતિકાત્મક અર્થ એ થાય છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ ભારતનો જ ભાગ છે જે પાછો મેળવી લીધા બાદ એ બેઠકો ભરવામાં આવશે. ખરેખર તો ભારતના આ ઐતિહાસિક પગલાં બાદ પાકિસ્તાનના પેટમાં એ વાતે જ તેલ રેડાયું છે. એટલા માટે જ તે દુનિયાભરમાં ભારતના પગલાંને ગેરકાયદેસર ઠરાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે. 

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ચીમકી આપી છે કે બે પરમાણુશસ્ત્રસંપન્ન દેશો વચ્ચે સંબંધો બગડે એ યોગ્ય નથી. પાકિસ્તાનની સેના પણ ભારતને યુદ્ધની ધમકી આપી રહી છે. પરંતુ હકીકત એ છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરીને મોદી સરકારે કાશ્મીર સમસ્યા જ ખતમ કરી દીધી છે. હવે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. હવે તો પાકિસ્તાન સાથે માત્ર પીઓકે એટલે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછુ લેવા માટે જ વાટાઘાટો કે પછી યુદ્ધ થઇ શકે છે. 

ખરેખર તો કાશ્મીર મુદ્દે પાકિસ્તાન જે કાગારોળ મચાવી રહ્યું છે એ જ આધારહીન છે. કલમ ૩૭૦ એ ભારતની આંતરિક બાબત હતી અને ભારત સરકારે એ કલમ દૂર કરીને પોતાની આંતરિક સમસ્યા ઉકેલી છે અને એ સાથે પાકિસ્તાનને કોઇ નિસ્બત નથી. જોકે હતાશ પાકિસ્તાન કેટલાંક અવિચારી પગલાં પણ લઇ શકે છે. સૌથી પહેલું તો બંને દેશો વચ્ચેની જળસંધિ ઉપર વિપરિત અસર થઇ શકે છે. તો પાકિસ્તાન પીઓકેમાં આતંકવાદને  ઓર પ્રોત્સાહન આપીને ભારતને પરેશાન કરી શકે છે.

જોકે એટલું નક્કી છે કે પાકિસ્તાન કોઇ નક્કર પગલું નહીં ઉઠાવી શકે. તે ભારતવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવીને પરેશાન કરી શકે છે કે પછી આ મામલો યૂ.એન. સમક્ષ ઉઠાવી શકે છે. જોકે યૂ.એન. પણ આ મામલે કશું કરી શકે એમ નથી કારણ કે આ ભારતનો આંતરિક મામલો છે. એટલા માટે જ યૂ.એન. અને અમેરિકાએ બંને દેશોને સંયમ રાખવા અપીલ કરી છે. અમેરિકાએ તો પાકિસ્તાનના દાવા ઉપર ઠંડુ પાણી રેડતા એમ પણ કહી દીધું છે કે કલમ ૩૭૦ એ ભારતની આંતરિક બાબત છે અને એમાં અમે માથું મારવા નથી માંગતા. 

મોદી સરકારના નિર્ણય બાદ જે રીતે પાકિસ્તાન અને કાશ્મીરના અલગતાવાદી નેતાઓ ઉશ્કેરાયા છે એનાથી સ્પષ્ટ છે કે આગામી થોડા દિવસો જમ્મુ-કાશ્મીરમાં સંવેદનશીલ હશે. સરહદ પર ચાંપતો બંદોબસ્ત હોવાના કારણે પાકિસ્તાનમાંથી તો આતંકવાદીઓની ઘૂસણખોરીના વધારે સંભાવના નથી પરંતુ કાશ્મીરમાં છુપાઇને બેઠેલા આતંકવાદીઓ અશાંતિ ઊભી કરવાના પ્રયાસ કરી શકે છે. કાશ્મીર ખીણમાં બસ્સોથી વધારે આતંકવાદીઓ સક્રિય હોવાનું કહેવાય છે જેમાંના દોઢસોથી વધારે આતંકવાદીઓ તો વિદેશી છે જે પાકિસ્તાનનો એજન્ડા આગળ વધારવા માટે ભાંગફોડ કે હિંસા ફેલાવી શકે છે. જે જોતાં તેમનો સત્વરે સફાયો થાય એ જરૂરી છે.

હજુ સુધી કલમ ૩૭૦ દૂર કરવા બાબતે જમ્મુ-કાશ્મીરના લોકોની લાગણી કેવી છે એ જાણવા મળ્યું નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે વિભાજનકારી અને પોતાનો સ્વાર્થનો રોટલો શેકી રહેલાં તત્ત્વો એના વિરોધમાં અવાજ ઉઠાવશે, સરકાર સાથે લડશે અને છેવટે પરાસ્ત થઇને નવી વ્યવસ્થાને સ્વીકારી લેશે. જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરની જનતાનો સવાલ છે તો તેઓ નવી વ્યવસ્થાનું સ્વાગત કરશે એવી ધારણા છે. મોદી સરકારના નિર્ણયનો લાભ એવા લાખો લોકોને મળશે જેમની પેઢીઓથી જમ્મુ-કાશ્મીરના સ્થાયી વતની હોવાનો હક મળ્યો નથી. 

કલમ ૩૭૦ દૂર થતાં રાજ્યમાં વિકાસના દ્વાર ખૂલી જશે. નવા પ્રોજેક્ટ આવવાથી લોકોને રોજગાર મળશે અને ટૂરિઝમ ફરી પાછું ફૂલશેફાલશે. ભાગલાવાદી નેતાઓના એજેન્ડાના કારણે રાજ્યમાં જે બેરોજગારી અને બદહાલીનો માહોલ રહ્યો છે એ દૂર થશે. 

ખરેખર તો કલમ ૩૭૦ બહુ સમય પહેલાં દૂર કરી દેવાની જરૂર હતી પરંતુ અગાઉની સરકારોમાં એવી હિંમત નહોતી. પરંતુ મોદી સરકારે સંકલ્પશક્તિ સાથે નવી વ્યવસ્થા ઊભી કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો છે. એ પણ સંસદમાં બિલ લાવીને અને એના ઉપર ચર્ચા કરીને પાસ કરવામાં આવ્યું છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં જમ્મુ-કાશ્મીર પણ વિકાસના માર્ગે ચાલી નીકળે અને ત્યાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાય.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33gJwt9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages