
ગાંધીનગર, તા.07 ઓગસ્ટ 2019, બુધવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી વાતાવરણ સર્જાયું છે . પુરતા પ્રમાણમાં વરસાદ નહીં પડવાના કારણે વાવેતર પણ ઓછું થયું છે. તેમ છતાં ગાંધીનગર જિલ્લામાં ફક્ત ૧૦ ઇંચ વરસાદ વચ્ચે કુલ ૭૩ હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર થઇ ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં વરસાદી વાતાવરણ વચ્ચે વાવેતર વિસ્તાર વધ્યો છે. તેવી સ્થિતિમાં પાક માટે હજુ પણ વધુ વરસાદની જરૂર છે. હાલની સ્થિતિએ જિલ્લામાં ફક્ત ૩૫ ટકા વરસાદ વચ્ચે ખરીફ સીઝનનું પ૦ ટકા વાવેતર થઇ ગયું છે.
વાયુ વાવાઝોડાને વખતે વરસાદ પડતાં ખેડૂતોને આ વખતે સારા વરસાદની આશા બંધાઇ હતી પરંતુ વાયુ વાવાઝોડુ ફંટાવાની સાથે વાદળો હટી ગયા હતા અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસુ ખોવાઇ ગયું હોય તેમ લાગતું હતું. ઉનાળા જેવી ગરમી અને ઉકળાટનું અનુભવ થતો હતો. તે વચ્ચે ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ૬૦ હજાર હેક્ટર સુધી પહોંચી ગયું હતું.
વાવેતર થઇ ગયા બાદ પણ વરસાદ નહીં આવતાં આ ૬૦ હજાર હેક્ટર વાવેતર સામે ખતરો ઉભો થયો હતો. તે સમયે સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગરમાં પણ વરસાદ પડયો હતો. જો કે ગાંધીનગરમાં સામાન્ય વરસાદ જ પડયો હતો.
તેમ છતાં આ ૬૦ હજાર હેક્ટરમાં કરાયેલા વાવેતરને જીવતદાન મળી ગયું હતું. ત્યારબાદ પણ વરસાદ પડયો ન હતો. જેથી ખેડૂતોએ વાવેતરની ગતિ ધીમી કરી દીધી હતી. તે વચ્ચે ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતો ખુશ થઇ ગયા હતા અને વાવેતર શરૂ કરી દીધું હતું. સમગ્ર રાજ્યમાં ધોધમાર અને નોધપાત્ર વરસાદ પડયો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ફક્ત જમીન ભીની થાય તેટલો સામાન્ય વરસાદ જ પડયો છે.
જેના કારણે ખેડૂતો ચિંતામાં છે. તે વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં વાવેતરની કામગીરી તેજ બની હોય તેમ ગાંધીનગર જિલ્લામાં ૭૩ હજાર હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં શાકભાજી ૮.૫ હેક્ટરમાં જ્યારે કપાસનું ૨૩ હજાર હેક્ટરમાં અને મગફળીનું ૬ હજાર હેક્ટર અને દિવેલાનું ૩ હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે. ત્યારે આગામી દિવસોમાં સારો વરસાદ પડે તો જ આ વાવેતરમાંથી ખેડૂતોને પુરતું વળતર મળી શકે નહીં તો પાક બળવાની શક્યતાઓ ખેડૂતોમાં સેવાઇ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી ફક્ત ૧૦ ઇંચ વરસાદ પડયો છે. તે વચ્ચે ૭૩ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ચુક્યું છે. આ આંકડાને ટકાવારીમાં ફેરવીએ તો જિલ્લામાં કુલ ૩૫ ટકા વરસાદ વચ્ચે ખરીફ સિઝનનું પ૦ ટકા વાવેતર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેકનીય છે કે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZEliHf
No comments:
Post a Comment