
લંડન,તા. 12 જુલાઈ 2019, શુક્રવાર
દેવાળિયા જાહેર થયેલા જર્મનીના લેજન્ડરી ટેનિસ સ્ટાર બોરિસ બેકરે જીતેલી ટ્રોફીઓ તેમજ મેડલ્સ ઉપરાંત તેની યાદગાર ચીજવસ્તુઓની ઓનલાઈન હરાજીથી ૬.૮૦ લાખ પાઉન્ડ (આશરે રૂપિયા ૫.૮૬ કરોડ) ઉપજ્યા હતા. ટેનિસના ચાહકો અને યાદગાર ચીજોનો સંગ્રહ કરનારાઓ માટે ખજાના સમાન આ હરાજીમાં બેકરે ૧૯૮૯માં જીતેલી યુએસ ઓપન ચેમ્પિયનશીપની ટ્રોફીના ૧.૫૦ લાખ પાઉન્ડ (આશરે રૂપિયા ૧.૩૦ કરોડ) ઉપજ્યા હતા.
૫૧ વર્ષના જર્મન ટેનિસ લેજન્ડ બેકરનું દેવુ ભરપાઈ કરવા માટે તેની ટ્રોફીઓ અને અન્ય યાદગાર ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે. બ્રિટિશ કોર્ટે ૨૦૧૭માં બેકરને ખાનગી બેન્કર્સ અર્બુથ્નોટ લાથમ એન્ડ કંપનીનું દેવું ન ચૂકવી શકતાં તેને દેવાળિયો જાહેર કર્યો હતો.
દેવાળિયા જાહેર થયેલા બેકરની પાસેથી નાણાની રીકવરી માટેની કંપનીએ તેની ૮૨ ચીજવસ્તુઓને હરાજીમાં મુકવાનો નિર્ણય લીધો હતો. હરાજીમાં મુકાયેલી ચીજોમાં તેની ડેવિસ કપ વિજેતાની ટ્રોફીની પ્રતિકૃતિ હતી, જેની ૫૨,૧૦૦ પાઉન્ડમા હરાજી થઈ હતી. તેની આંતરરાષ્ટ્રીય હોલ ઓફ ફેમની વિંટી તેમજ તેની કિંમતી ઘડિયાળો અને યાદગાર મેચોમાં તેણે પહેરેલા કપડાંની પણ હરાજી કરવામાં આવી હતી. હરાજી ગત વર્ષે જ યોજાવાની હતી, પણ બેકરે રાજદ્વારી કરમુક્તિ અંગેનો દાવો કરીને કાર્યવાહી અટકાવી હતી.
હરાજી કરનારને ટાંકીને એક રિપોર્ટ જણાવે છે કે, બેકરને જે યુએસ ઓપનની ટ્રોફી આજે ૧,૫૦,૨૫૦ પાઉન્ડમાં વેચાઈ છે, તેના માટે વર્ષ ૨૦૧૮માં સર્વાધિક બોલી માત્ર ૩૬,૦૦૦ પાઉન્ડ જ બોલાઈ હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JKbLaP
No comments:
Post a Comment