
લંડન, તા.12 જુલાઈ 2019, શુક્રવાર
વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં ૩૭ વર્ષીય સેરેના તેના કરતાં ૧૦ વર્ષ યુવા રોમાનિયન ખેલાડી સામે આવતીકાલે વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં ટકરાશે. સેરેનાની નજર કારકિર્દીના આઠમા વિમ્બલ્ડન ટાઈટલની સાથે રેકોર્ડ ૨૪મી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ જીતવા તરફ છે. જો સેરેના આવતીકાલે વિજેતા બનશે તો તે માર્ગારેટ કોર્ટના ઓલટાઈમ ગ્રાન્ડ સ્લેમ રેકોર્ડની બરોબરી કરી લેશે.
જોકે સેરેનાના અને વિમ્બલ્ડનના રેકોર્ડ ટાઈટલનીવચ્ચે રોમાનિયાની ૨૭ વર્ષની ટેનિસ ખેલાડી સિમોના હાલેપ છે. હાલેપ કારકિર્દીમાં પહેલી વખત વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશી છે અને તેને પહેલી જ ફાઈનલમાં યાદગાર સફળતાની આશા છે. નોંધપાત્ર છે કે, ગત વર્ષે જર્મનીની એંજેલીક કેર્બર કારકિર્દીમાં પહેલી વખત વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશી હતી અને ત્યારે તેની સામે ૧૦મી વખત વિમ્બલ્ડનની ફાઈનલ રમી રહેલી સેરેના હતી અને કેર્બરે સેેરેનાને હરાવીને ખિતાબ જીતી લીધો હતો. હાલેપ માટે કેર્બરની સફળતા પ્રેરણારૂપ છે અને તે આવતીકાલે વધુ એક મેજર અપસેટ સર્જતા ઈતિહાસ રચી શકે છે.
સેરેના ફરી ટેનિસ જગતમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા ઉત્સુક છે. હાલેપ સામેની ૧૦માંથી ૯ મેચ સેરેના જીતી છે. બંને ખેલાડીઓ વચ્ચે ૨૦૧૧માં વિમ્બલ્ડન ખાતે મુકાબલો ખેલાયો હતો. ૧૯ વર્ષની હાલેપ ત્યારે પહેલી વખત વિમ્બલ્ડનમાં રમી રહી હતી અને સેરેનાએ તેને ૩-૬, ૬-૨, ૬-૧થી હરાવી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xJmi0p
No comments:
Post a Comment