- રાજકોટ ચેમ્બર, ગ્રેટર ચેમ્બર, જુનાગઢ ચેમ્બરના મિશ્ર પ્રત્યાઘાત, લઘુ ઉદ્યોગોને ઉત્તેજન આપવાની અપેક્ષાઓ બજેટમાં પૂરી થઈ નહીં
- ભાજપે બજેટને વખાણ્યું,કોંગ્રેસ પહેલેથી નિરાશ, વેપારીઓ અને લોકોને ઈંધણ-સોનુ મોંઘા સહિત નિર્ણયોથી વખાણવા જેવું ન લાગ્યું
- મોરબીના ઉદ્યોગોના બજેટથી કોઈ સીધો ફાયદો નથી કરાયો જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગને બજેટથી નહીં ફાયદો,ન નુક્શાન,

રાજકોટ, તા. 05 જુલાઈ 2019, શુક્રવાર
કેન્દ્રમાં ગત મે માસમાં ફરી પાંચ વર્ષ માટે સત્તા પર આવેલ સરકારનું આજે જાહેર થયેલું પ્રથમ બજેટ મંદી,મોંઘવારીથી પીડાતા લોકોમાં ખાસ રાહત થવાની આશા અને ઉત્સાહ જગાડી શક્યા નથી. બજેટની તીવ્ર ટીકા નથી થતી કે મુક્તકંઠે પ્રશંસા પણ થઈ નથી.એક તરફ વેપારીઓને પેન્શનની, લોના વ્યાજદરોમાં રાહત, ખેડૂતલક્ષી યોજનાઓ, કરોડોપતિઓ પર ટેક્સનું ભારણ વધારીને સામાન્ય લોકો પર કોઈ વેરા બોજ નહીં નાંખી આવકવેરા દર યથાવત્ રાખવા,ઘરના ઘર માટે જોગવાઈ સહિતની વાતોને આવકારાઈ છે તો બીજી તરફ ગત પાંચ વર્ષમાં અસહ્ય પેટ્રોલ-ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવો ઘટયા ત્યારે એક્સાઈઝ ડયુડી અતિશય વધારીને લોકોના ખિસ્સામાંથી અબજોની વધારાની આવક છતાં આ બજેટમાં ઈંધણમાં લિટરે રૂ।.૧નો ભાવ વધારો કરાતા, સોના ચાંદીના દાગીના અત્યારે જ મોંઘા છે અને સ્ત્રીઓ-પરિવારો માટે તેની ખરીદી સંવેદનશીલ બાબત છે છતાં તેમાં કસ્ટમ ડયુટી વધારીને તે મોંઘુ કરાતા અને ઓટોપાર્ટ, બાંધકામ મટીરીયલ્સ સહિતમાં મંદી વચ્ચે મોંઘવારી વધે તેવી જોગવાઈથી વખાણવા ઈચ્છતા લોકોએ પણ આ મુદ્દે પ્રશંસા કેમ કરવી તે મુંઝવણ છે.
ઈ.૨૦૨૪-૨૦૨૫ના એટલે કે લોકસભાની આગામી ચૂંટણી સુધીમાં દેશમાં અચ્છે દિન આવવાની આશા લોકોના મનમાં આ બજેટ જગાવે છે પણ વર્તમાનમાં ૨૦૧૯માં લોકોની નાણાભીડ,ધંધાની મંદી દૂર થાય તેવી આશા જગાવવામાં બજેટ સફળ રહ્યું નથી. ભાજપના રાજકોટ, જામનગર સહિતના નેતાઓએ બજેટને ક્રાંતિકારી, આવ કાર્ય ગણાવ્યું છે, વેપારી સંગઠનોએ મિશ્ર પ્રત્યાઘાતો આપ્યા છે અને લઘુ ઉદ્યોગો માટે ખાસ ઉત્તેજન નહીં અપાયું હોવાનું કે સૌરાષ્ટ્રના સ્થાનિક ઉદ્યોગોને સીધી રાહત નહીં અપાયાનું એકસૂરમાં જણાવાયું છે તો આમ નગારિકાને ઈંધણ અને સોનાચાંદીના દાગીના મોંઘા થવા મુદ્દે નિરાશા છે અને ઘરનું ઘર મળવા આશા જાગી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે મિશ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર લક્ષ્ય અપાયું, મધ્યમવર્ગ પર કોઈ નવો બોજો નહીં નાંખી કરોડો કમાનાર પાસેથી જ વધુ ટેક્સ વસુલવા, હોમ લોનમાં છૂટછાટ વગેરે આવકાર્ય બાબત છે પણ જી.એસ.ટી.-નોટબંધી બાદ દેશમાં સૌથી વધુ રોજીરોટી આપતા લઘુઉદ્યોગો ભાંગી ગયા છે તેને બેઠા કરવા માટે ખાસ રાહત માટે વેપારીઓને અપેક્ષા હતી તે સંતોષાઈ નથી. લઘુ ઉદ્યોગોને વ્યાજ રાહત નજીવી છે, ચિંતા ઉંચા વ્યાજ કરતા વધુ મુદ્દલની છે, ધંધા તેજીમાં હોય તો લોન લેવી પરવડે અને તો વ્યાજની રાહત મળી શકે પરંતુ, આ લઘુ ઉદ્યોગોને ધમધમતા થાય તે વર્તમાનની જરૂરિયાત છે. સોના ચાંદી પર કસ્ટમ ડયુટી ૨.૫૦ ટકા વધી તેનાથી આ ઉદ્યોગને અને પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ નંખાતા તેની અસર તમામને થશે.
ઓટોપાર્ટ, બાંધકામ મટિરીયલ્સ સહિતના ભાવવધારાથી તે ધંધામાં મૂશ્કેલી વધશે. જો કે નોન બેન્કીંગ ફાયનાન્સીયલ કંપનીઓ પરના પ્રતિબંધો ઓછા થતા લિક્વીડીટી વધશે. નાના વેપારીઓને પેન્શન સહિતની યોજના આવકાર્ય છે.
જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી ભુરાભાઈ દેસાઈએ જણાવ્યું કે સરકારે ેપેટ્રોલ-ડીઝલમાં વધારાનો બોજ લોકો પર લાદ્યો જેની માઠી અસર ગરીબ અને સામાન્ય વર્ગ પર વધુ થશે. લોનના વ્યાજમાં રાહત આપી પણ લોકોએ લોન જ ન લેવી પડે અને પોતાનો ધંધો ચાલે તે માટે કોઈ જોગવાઈ કરી નથી. ઈ-કારના ટેક્સમાં રાહત આપી પણ આવી કાર કોઈ ખરીદે તો તેને ચાર્જ કરાવવા માટેના પોઈન્ટ જેવી પાયાની સુવિધાની હાલમાં કોઈ વ્યવસ્થાના ઠેકાણા નથી.
રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ધનસુખ વોરાએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલ લિટરે રૂ।.૧ મોંઘુ કરવાનું પગલુ તો કોઈ આવકારશે નહીં, આનાથી મોંઘવારીનું ચક્ર વધુ ફરશે, તો સોના ચાંદી પર કસ્ટમ ડયુટી કેન્દ્ર સરકારે વધારતા મોંઘા સોનાચાંદી વધુ મોંઘા બનશે, વેપારીઓ માટે પેન્શન યોજના જેવી યોજના મુકી તે આવકાર્ય પણ નાના ઉદ્યોગો માટે કે સામાન્ય વર્ગને રાહત મળે તેવી કોઈ મોટી રાહત અપાઈ નથી.
મોરબીના ટાઈલેસ્, વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોસીએશને જણાવ્યું કે બજેટમાં મોરબીના પ્રખ્યાત ઉદ્યોગો માટે કોઈ રાહત કે ફાયદો આપ્યા નથી પરંતુ, હોમ લોનમાં રાહતથી મકાનોનું વેચાણ વધે તો પરોક્ષ રીતે ફાયદો થાય તેવી આશા છે. મોરબી ક્લોક એસો.ના પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું કે બજેટથી નાના ઉદ્યોગકારોને કોઈ રાહત નથી, નવી કોઈ દિશા નથી, બજેટથી ફાયદો નથી તો ખાસ નુક્શાન પણ નથી.
નાના ઉદ્યોગોને બજેટમાં રાહત મળવાની આશા હતી તે ફળી નથી. મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. તો ફીનીશ પેપરમાં આયાતડયુટી વધતા પેપરમિલ ઉદ્યોગોને ફાયદો થશે. તો સેનેટરી વેર્સ એસો.એ જણાવ્યા મૂજબ સિરામિક ઉદ્યોગને બજેટથી ફાયદો થયો નથી પણ ભવિષ્યમાં બજાર ખુલશે અને ફાયદો થશે અને ઉદ્યોગ મંદીથી બહાર આવશે તેવી આશા છે.
સોનાચાંદી પર ડયુટી વધારાતા તેમાં રોકાણ ઘટશે તેવો મત પણ વ્યક્ત થાય છે પણ વાસ્તવમાં કરોડોપતિઓને આ ભાવવધારો નડતો નથી અને તેઓ રોકાણ કરી ચૂક્યા છે જ્યારે સોનાની ખરીદી માંગલિક પ્રસંગો માટે રીતરિવાજ માટે આમ નાગરિકો કરતા હોય છે તેમના પર બોજ વધશે અને દાણ ઉંચુ હોય તેની ચોરી વધવાની ભીતિ પણ સર્જાઈ છે. અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા સામે તો એકસૂરમાં લોકોનો વિરોધ થયો છે. આવા મુદ્દાના કારણે આમ નાગરિકો બજેટના આમ કે તેમ વખાણ કરતા ખચકાય તેમ છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JepCHl
No comments:
Post a Comment