
કોડિનાર, તા. 05 જુલાઈ 2019, શુક્રવાર
કોડિનાર નજીક હરમડિયા ગામે ઝાંપા નજીક ફળિયામાં રમતી ત્રણ વર્ષની બાળકીને બોચીમાંથી પકડીને ખૂંખાર દિપડો નાસી છૂટતા ચકચાર મચી હતી. બનાવને પગલે પરિવારજનોએ દોડધામ કરી દીપડો જ્યાં છૂપાયો હતો તે ઝાડીમાં જઈ હાકલા- પડકારા કરતા દિપડો બાળકીને છોડી નાસી ગયો હતો. જો કે, બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. અલબત્ત, તે ગંભીર રીતે ઘવાઈ હતી. જેથી ૩૦થી વધુ ટાંકા લેવા પડયા હતા.
ગિરગઢડા તાલુકાના કોડીનાર નજીકના હરમડિયા ગામે ઝાપા નજીક આવેલી પથ્થરની ખાણ પાસે રહેતો દેવીપૂજક પરિવાર રાત્રે ૯ કલાકે જમીને આરામ ફરમાવતો હતો ત્યારે ફળિયામાં આ પરિવારની નેહા નામની ૩ વર્ષની બાળકી રમતી હતી. અચાનક જ જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા દીપડો બાળકીને બોચીમાંથી ઉપાડી નાસવા લાગ્યો હતો. બાળકીના દાદીમાનું અચાનક ધ્યાન પડતા તેઓ પાછળ દોડયા હતા અને બુમાબુમ કરતા પરિવારના લોકો ભેગા થઈ દીપડો બાળકીને લઈ જે ઝાડીમાં સંતાયો હતો ત્યાં પહોંચી હાકલા પડકાર કરતા દીપડો બાળકીને છોડી જંગલ વિસ્તાર તરફ નાસી ગયો હતો.
પરિવારજનોએ બાળકીને તેડી કોડીનાર નગરપાલિકાની જીપમાં કોડીનાર રા.ના. વાળા હોસ્પિટલે લઈ આવ્યા હતા. ફરજ પરના તબીબે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ત્યારે બાળકીનો શ્વાસ બંધ હતો અને હૃદય પણ બંધ હતું.
રા.ના. વાળા હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા પમ્પિંગ કરી હાર્ટ ચાલુ કરવામાં આવ્યું હતું. બાળકીને ગળાના તેમજ પડખાના ભાગે દીપડાના તિક્ષ્ણ નહોર લાગવાના કારણે ૩૦થી વધુ ટાંકા લેવા પડયા છે.
ડોક્ટરનું કહેવું છે કે ભગવાનની કૃપા અને સમયસર સઘન સારવારના કારણે બાળકીનો જીવ બચી ગયો છે. આગામી ૨૪ કલાક હજુ ભયજનક ગણાય તેમજ હજુ ૩ દિવસ સઘન સારવાર કરવી પડશે.
વનવિભાગના અધિકારીઓએ હોસ્પિટલે આવી વિગત મેળવી દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દીપડાએ ઘાયલ કરેલી આ બાળકીનો દેવીપૂજક પરિવાર અત્યંત ગરીબ છે. મજુરી કરી ગુજરાન ચલાવે છે ત્યારે વન વિભાગ અને સરકાર દ્વારા આ પરિવાર સામે જોઈ નિર્દોષ બાળકીની સારવારનો ખર્ચ તુરંત આપે તેવી ગામલોકોની માગણી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XuxM2e
No comments:
Post a Comment