મહેસાણા,તા.4 જુલાઈ 2019, ગુરૂવાર
ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જેમાં મહેસાણા જિલ્લાના કડી, વડનગર, વિસનગર, ગોઝરીયા, વિસનગર તેમજ પાટણ અને સિદ્ધપુર, પાલનપુર અને ડીસા, થરાદમાં પરંપરાગત અનુસાર રથયાત્રા નીકળી હતી. શહેરના માર્ગો જય રણછોડ માખણચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના નાદ ગુંજી ઉઠયા હતા. સમગ્ર રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ટેબ્લો, હાથી-ઘોડા, ઉંટ સાથે કલાત્મક રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા દ્વારા પરિક્રમા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ કાકડી, જાંબુ, મગનો પ્રસાદ આરોગી ધન્ય બન્યા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વડનગર શહેરમાં ગોપાલજી મંદિરથી રથયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. વડનગરની શેરીઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠી હતી. રથયાત્રા ગોપાલજી મંદિરથી નીકળી નદીઓળ દરવાજો, અરજણબારી, આશાપુરી મંદિર, મેઈન બજાર થઈ પીઠોરી, ઘાસકોટ દરવાજા થઈ માતોર બજાર થઈ નીજ મંદિરે પરત ફરી હતી. રથયાત્રામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ તેમજ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ જોડાયા હતા.
વડનગરમાં પરંપરાગત નિકળતી રથયાત્રામાં મહિલા ભજન મંડળીઓ, બેન્ડવાજા તેમજ ડી.જે.ના તાલે ભક્તો લીન બન્યા હતા. અને વડનગરની શેરીઓ ભક્તિમય બની હતી. તેમજ સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠયું હતું.
કડી નગરમાં ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રજી, બેન સુભદ્રાજી સાથે નગરયાત્રાએ નીકળ્યા હતા અને કડી નગરની ૪૯મી રથયાત્રાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કડી રામજી મંદિરથી નીકળી શહેરના માર્ગો પર પરિક્રમા ફરી હતી. રથયાત્રામાં ભગવાનના રથ સાથે વિવિધ ધાર્મિક ટેબલો પણ જોડાયા હતા અને વિવિધ ભજન મંડળીઓ અને નાના ભૂલકાઓની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત કડી ક્ષત્રિય યુવા સેના દ્વારા તલવારબાજીના કરતબ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રથયાત્રા મહેસાણા જિલ્લાના ડીવાયએસપી મંજીતા વણઝારા જોડાયા હતા. કડી શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ ગોઝારીયામાં પણ રામજી મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વિવિધ માર્ગો પર ફરી નીજ મંદિરે પરત ફરી હતી.
વિસનગર હરીહર સેવા મંડળ દ્વારા આયોજીત રથયાત્રામાં પટણી દરવાજા પાસે ઉમિયા માતાના મંદિર ખાતે ધારાસભ્ય ઋષિકેશ પટેલ, માર્કેટયાર્ડ વિસનગર તથા વિસનગર વેપારી મહામંડળના સહયોગથી પ્રથમ વખત મોસાળ મહોત્સવનું આયોજન કરાયું હતું. જ્યાં ૭૦૦૦ ઉપરાંત રથયાત્રામાં જોડાનાર ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. મોસાળ મહોત્સવમાં નવ વસ્ત્રો અને દાગીનાનું મોસાળુ ભરી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાંથી ઉતારી મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ભગવાનને નવા વસ્ત્રો અને દાગીના પહેરાવી અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ અન્નકુટના દર્શનનો લાભ લીધો હતો. આ વખતની રથયાત્રા ૨ કિ.મી. લાંબી હતી. રથયાત્રામાં મહાસુખભાઈ વ્યાયામ મંડળના વ્યાયામ વિરો, વિવિધ નૃત્ય ગુ્રપ, વેશભૂષા અમરનાથ મહાદેવ તથા આમ્રકુજનો મનોરથ વિગેરેએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરના વિવિધ સંસ્થાઓ, વ્યાપારી મંડળો, મિત્ર મંડળો દ્વારા લીંબુ શરબત, નાસ્તો, મહા પ્રસાદ, ઠંડુ પાણી વિગેરેના સેવા કેમ્પ કરવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
માણસા શહેરના અતિપ્રાચીન એવા જગન્નાથજી મંદિરને સો વર્ષ પૂર્ણ આ વખતની ૪૬મી ભવ્ય શોભાયાત્રા પણ યાદગાર બની રહે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. સમગ્ર રથયાત્રાનું આયોજન અને સંચાલન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા અખાડાના વિવિધ કરતબો તે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. તો વિવિધ વેશભૂષાના પાત્રો પણ લોકો માટે ધ્યાન કેન્દ્ર બન્યા હતા. રથયાત્રામાં મેઘરાજાએ પણ પોતાની હાજરી પુરાવી ભક્તોને બીજ ગયા હતા.
મહેસાણા તાલુકાના લાંઘણજ ગામમાં રામજી મંદિરેથી રથયાત્રા નીકળી હતી. સમગ્ર ગામમાં ફરીને રામજી મંદિરે પરત ફરી હતી. આ પ્રસંગે ગ્રામજનો તેમજ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ ગોઝારીયા ગામમાં પણ રણછોડ રાયજીના મંદિરેથી બપોરે ૧૨ વાગ્યાના સુમારે ૧૮મી રથયાત્રા નીકળી હતી. જે નાગરિક બેન્ક, હાઈવે રોડ સહિત સમગ્ર ગામમાં પરિભ્રમણ કરીને નીજ મંદિરે પરત ફરી હતી. આ પ્રસંગે ગોઝારીયા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લીધો હતો. લાંઘણજ પોલીસ દ્વારા લાંઘણજ તેમજ ગોઝારીયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32a7MwA
No comments:
Post a Comment