
મુંબઇ, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર
મુંબઈ પોલીસની સતર્કતાને લીધે એક બ્રિટિશ નાગરિકનો જીવ બચ્યો હતો. આ બ્રિટિશ નાગરિક ૨૧મા માળેથી છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે કોઈએ આ બાબતની જાણ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને આપી હતી. ત્યારબાદ કંટ્રોલ રૂમે પવઈ પોલીસને આ બાબતની જાણ કરી હતી. આ સમગ્ર ઘટના ૨૬ જૂનના રોજ બની હતી.
પવઈ પોલીસને જાણ થતા તેઓ તરત જ હિરાનંદાની વિસ્તારમાં આવેલ ટોરાનો બિલ્ડીંગના ૨૧મા માળે પહોંચી ગયા હતા. આ સમયે બ્રિટીશ નાગરિક સેમ કોલર્ડ (૬૧)ની પોલીસે સમજણ આપવાની શરૂઆત કરી હતી. તેમનું ઘર અંદરથી લોક હોવાથી પ્રથમ તો તેઓ ઘર ખોલવા તૈયાર નહોતા.
તેમને ઘણી વિનંતી કર્યા બાદ અંતે તેઓએ ઘર ખોલ્યું હતું. તેઓ અહીં એકલા જ રહેતા હતા. તેમને પેરેલિસિસની અસર પણ થઈ હતી. તેઓ ડિપ્રેશનમાં સરી પડયા અને તેમણે આત્મહત્યા કરવાના હોવાની જાણ ઓસ્ટ્રેલિયાની સિડનીમાં રહેતી પત્નીને પણ કરી હતી. તેમની પત્નીએ જરા પણ સમય ન ગુમાવતા આ બાબતની જાણ બીકેસીમાં આવેલ બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશનને કરી હતી.
તેમણે આ બાબતની જાણ તરત મુંબઈ પોલીસને કરતા મુંબઈ પોલીસ હરકતમાં આવી હતી. અંતે પવઈ પોલીસે કોલર્ડને સતત સમજાવી તેમનું માનસ પરિવર્તન કર્યું હતું. શરૂઆતમાં તો તેઓ સતત પોલીસ પર ભડક્યા હતા પણ દોઢ કલાકની સમજાવટ બાદ અંતે પોલીસ તેમને ગાડીમાં બેસાડી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમના પર ઉપચાર શરૂ કરવામાં આવ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NAblJ9
No comments:
Post a Comment