- અંબાડીથી સુશોભિત ગજરાજ, પાલખી, સાથે નીકળેલી રથયાત્રામાં ભજન મંડળીઓ જોડાઈ

નડિયાદ, તા.4 જુલાઈ 2019, ગુરુવાર
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રાજા રણછોડજીની રથયાત્રા આજે ભક્તિભાવપૂર્વક નીકળી હતી. ડાકોર ખાતે અષાઢ સુદ બીજની આ ર૪૭મી રથયાત્રાના ઐતિહાસિક અવસરે ગુજરાતભરમાંથી હજ્જારોશ્રદ્ધાળુઓ ઉમટયા હતા. વહેલી સવારના નવ વાગે ગુરુપુષ્ય નક્ષત્રમાં રાજા રણછોડ સન્મુખ કુમકુમ તિલક સાથે રથનું પૂજન કરી તેમાં ગોપાલલાલજીની પધરામણી કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસર રણછોડ મહારાજાના જયઘોષથી ગૂંજી ઉઠયું હતું.રથમાં બેઠેલા ભગવાનને મંદિરના ઘુમ્મટ ની અને સમગ્ર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરાવ્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રથ તથા અંબાડીથી સુશોભિત ગજરાજ, પાલખીઓ, ભજનમંડળીઓ અને વિશાળ સંખ્યામાં જોડાયેલા ભક્તોએ રથયાત્રાની શોભામાં વધારો કર્યો હતો. આ વર્ષે સવારથી જ શરુ થયેલી મેઘરાજાની ઝરમર વચ્ચે પણ ગત ્ વર્ષ કરતા ભક્તોની સંખ્યામાં બમણો વધારો નોંધાયો છે. જો કે રથાયાત્રા દરમ્યાન બે વખત શ્રીજીની સવારીમાં પરંપરાનો ભંગ થયો હતો અને બળદ તથા ગજરાજે રથયાત્રામાં વિક્ષેપ કર્યો હોવાના વિવાદો નોંધાયા છે.
કારણ કે ભગવાનના રથ સાથે જોતરવાના બળદો તેમની જગ્યાએથી ઉઠયા જ નહીં. જેથી ગામના નવયુવાનોએ જાતે રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે રથયાત્રામાં અધવચ્ચે ગજરાજની સવારી વખતે ગજરાજાએ માનસિક સંતુલન ગુમાવતા મહાવતને સૂંઢ મારી નીચે પાડી દીધા હતા. જેથી ભગવાનને પણ મહાપરાણે બચાવી ઉતારી લેવા પડયા હતા.
ડાકોરના રાજા રણછોડના દરબારમાં છેલ્લાં કેટલાક દિવસોથી રથયાત્રાના મહાઉત્સવને માણવા ગુજરાતભરના શ્રદ્ધાળુઓ આતુર હતા, જેથી આજે યાત્રાધામના માર્ગો ઉપર ચાળીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જનમેદનીએ અષાઢસુદ બીજની ર૪૭મી રથયાત્રામાં રંગેચંગે ભાગ લીધો હતો. આજના ઉત્સવમાં વહેલી સવારે ૩.૧૫ વાગ્યે મંગાળઆરતી કર્યા બાદ રથયાત્રાના એક પછી એક પ્રસંગોની શરુઆત થઇ હતી.
ભગવાનના મહાભોગ અને ત્રણ ભોગ ટાણે ચાંદીના રથને ખેંચીને મંદિરના ઘુમ્મટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી જ જય રણછોડના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. અને હર્ષોલ્લાસ સાથે આરતી તથા રથનું પૂજન કરાયું હતું. ત્યારબાદ બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજની રથમાં પધરામણી કરાવી હતી. અને ત્યારથી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો.
પરંપરાનુસાર પહેલાં ઘુમ્મટ અને ત્યારબાદ મંદિર પરિસરની પરિક્રમ્મા કરાવવામાં આવી હતી. આ દરમ્યાન શ્રીજીને ભંડાર અને જાળીની બેઠક ઉપરાંત કુંજમાં પધરામણી કરાવાઈ હતી. મંદિરમાં રથ ખેંચવા અને પ્રભુ દર્શન માટે હરખઘેલા ભક્તો ઘુમ્મટ,પગથિયાં અને ટેરેસ સહિત જ્યાં જગ્યા મળી ત્યાં ઊભા રહી ગયા હતા.
અંદાજે ૧૦ વાગ્યાના સુમારે યુવકો ચાંદી અને પિત્તળથી સુશોભિત રથને ખેંચીને મંદિરની બહાર લઈ ગયા બાદ મુખ્ય દરવાજા આગળથી બંન્ને રથની સાથે બળદ જોતરવામાં આવ્યા હતા. પરંતુ બળદો તેમની જગ્યાએથી ટસના મસ ન થતા ડાકોરના નવયુવાનો રથને ખેંચીને રાધાકુંડ સુધી લઇ ગયા હતા.
મંદિરથી બંસરીના નાદ અને ઢોલ, મંજીરા તથા નગારાની રમઝટ વચ્ચે ભારે દબદબા સાથે શ્રીજીની શાહી સવારીને તેના નિયત માર્ગ પર પ્રયાણ કરાયું હતું. જ્યાં પહેલાં ગૌશાળા, લાલબાગ, મહાપ્રભુજીની બેઠક, નરસિંહ ટેકરી થઈ બપોરે રથયાત્રાનો રસાલો રાધાકુંડ પહોંચ્યો હતો.
અહીં રાધિકાજીના મંદિરમાં પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રાધાકુંડથી ગોપાલલાલજીને ગજરાજ પર બિરાજમાન કરી મોખાતલાવડી પહોંચવાનું હતું. રાધાકુંડથી રથયાત્રા આગળ વધતા આ સવારી હાથી પર નીકળે છે. આ વખતે પણ શ્રીજીની સવારી હાથી ઉપર શરુ તો થઇ હતી. પરંતુ અચાનક હાથીએ મગજનું સંતુલન ગુમાવ્યું હતું. અને તેણે પોતાના જ મહાવતને સૂંઢ મારીને ગબડાવ્યો હતો.
આ સમયે ગોપાલલાલજી અંબાડી પર હતા, અનેસેવકભાઇઓ પણ અંબાડીમા ંજ હતા. મહામહેનતે ગોપાલલાલજીને નીચે ઉતાર્યા હતા અને સેવકભાઇઓ ભૂસકા મારીને નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ ગોપાલલાલજીને ચાંદીના રથમાં બિરાજમાન કરી રથયાત્રા ગાયોના વાડાફાર્મ બાજુ આગળ વધી હતી, અને વાડાફાર્મ (ગાયોના વાડે) પહોંચી હતી. જ્યાં ભગવાન પોતાની ગાયોને જોઈ શકે તે માટે ભગવાનને વાડાફાર્મના મકાનના ટેરેસ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા હતા.
આ સ્થળે ભગવાને થોડો સમય વિસામો લીધો હતો. એ પછી આગળના રૂટ પર રણછોડપુરા અને સમાધિ થઈ સાંજે રથયાત્રા કેવડેશ્વર મહાદેવ પહોંચતા અહીં લાલજી મહારાજને સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બજરંગદાસ બાપુની જગ્યામાં પ્રભુની પધરામણી કરાવાઈ હતી.
અહીંથી શ્રીજીને લક્ષ્મીજી અને સત્યભામાજીના મંદિરે થઈ રાત્રે શાહી સવારી રાત્રે સાડા આઠ વાગ્યા પછી સ્વગૃહે પોતાના મંદિર આવી પહોંચી હતી. જ્યાં મંદિરના મુખ્ય દરવાજા આગળ ખુલ્લા રથમાં લાલજીને બિરાજમાન કરાવી કપૂરની આરતી કરી ઈંડીપિંડીની વિશેષ વિધિ સાથે શ્રીજીની નજર ઉતારવામાં આવી હતી. એ પછી મોટી પાલખીમાં બિરાજમાન કરી શ્રીજીને નિજમંદિરમાં લઈ જતાની સાથે રથયાત્રાનો પ્રસંગ પૂર્ણ થયો હતો.
આઠ કિ.મી.ની આ યાત્રામાં વરસતા વરસાદનો વિચાર કર્યા વગર શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું હતું. ઉપરાંત રથયાત્રાના મહિમાને અનુરૂપ શ્રધ્ધાળુઓએ પ્રભુને આજે ફણગાવેલા મગ, જાંબુ, કેરી તથા કેળાનો પ્રસાદ ધરાવ્યો હતો. ઠેરઠેર પ્રભુની આરતી ઉતારી ભેટ અર્પણ કરવામાં આવી હતી.
નગરચર્યાએ નીકળેલા પ્રભુના મનોહર રૂપના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. ડાકોરમાં આજે રથયાત્રાના મહાઉત્સવમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો. સમગ્ર ઉત્સવ હેમખેમ સંપન્ન થતા મંદિર સત્તાવાળા તથા પોલીસ પ્રશાસને નિરાંત અનુભવી હતી.

ગજરાજ વિફરતા ભક્તો ભૂસ્કા મારીને ઉતર્યા
- નવા બળદો ટ્રેનિંગના અભાવે આગળ ન વધતા વિક્ષેપ પડયો
આજે ડાકોરની રથયાત્રામાં બે મોટા વિધ્નો આવ્યા હતા. અઢીસોવર્ષની પરંપરા મુજબ આ રથયાત્રા શરુ થાય ત્યારે ભગવાનનો ચાંદીનો રથ બળદો દ્વારા રાધાકુંડ સુધી લઇ જવામાં આવે છે. પરંતુ આ માટે જે બળદો લાવવામાં આવ્યા હતા તે ટાવર પાસેના વિસ્તારમાંથી જતી વખતે ઉઠયા જ નહીં. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મંદિર તંત્રએ વર્ષોથી ટ્રેઇન થયેલા બળદો ઘરડા થઇ ગયા હોવાથી નવા બળદો મંગાવ્યા હતા.
પરંતુ પબ્લીકનો ધસારો જોઇને તથા ટ્રેઇનીંગના અભાવે આ બળદો નીકળતી વખતે પોતાની જગ્યા પરથી ઉઠયા જ નહીં. છેવટે સ્થાનિક યુવાનોએ બળદની જગ્યાએ જાતે જ જોતરાઇ જઇને ચાંદીનો રથ ખેંચ્યો હતો. અને ભગવાનને રાધાકુંડ સુધી લઇ જવામાં આવ્યા હતા.
ડાકોરની રથયાત્રામાં ભગવાનની સવારે રાધાકુંડથી આગળ વધે ત્યારે જૂના જમાનામાં જંગલ વિસ્તાર આવતો હતો. આથી એવી પરંપરા હતી કે રાધાકુંડથી આગળ ભગવાનની સવારી ચાંદીના રથ ઉપરથી ઉતરીને ગજરાજ ઉપર શરુ કરવામાં આવે. તે મુજબ ભગવાનને ગજરાજ ઉપર બિરાજમાન કરી રથયાત્રા શરુ થઇ.
પરંતુ ત્યાંથી થોડેક જ આગળ આવેલ મોખા તલાવડી પાસે ગજરાજ વિફર્યો અને તેણે મગજનું સંતુલન ગુમાવતા પોતાના મહાવતને જ સૂંઢથી નીચે પાડી દીધો. આથી નીચે ઉભેલા અને અંબાડીમાં બેઠેલા સેવકો ગભરાઇ ગયા.
મહામુશ્કેલીથી સ્થાનિકોએ અને ઘવાયેલા મહાવતે ગજરાજને કંટ્રોલમાં લીધો અને મોટી સાંકડોથી ઝાડ તથા માઇલસ્ટોનના પત્થર સાથે બાંધી દીધો. અને ત્યારબાદ ભગવાનને શાંતિથી નીચે ઉતાર્યા. તથા સેવકો પણ ભૂસકા મારીને જીવ બચાવતા નીચે ઉતર્યા હતા. અને ન છૂટકે આગળની રથયાત્રા માટે ભગવાનને ફરીથી ઓરીજીનલ ચાંદીના રથમાં જ બિરાજમાન કર્યા. અને ડાકોરના યુવાનો અને તિરંગા ગુ્રપના સૈનિકોએ રથને ખેંચીને સમગ્ર રથયાત્રા સંપન્ન કરાવી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XnRG3L
No comments:
Post a Comment