
ગાંધીનગર,તા. 27 જૂન 2019, ગુરુવાર
સરકારના સુરક્ષા સેતુ પ્રોજેકટ હેઠળ પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય વધે તે માટે પ્રયાસ થઈ રહયા છે ત્યારે હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સમન્વય વધે અને પોલીસની કામગીરીથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તે હેતુથી સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સની રચના કરવામાં આવનાર છે. જેમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળાના ૪૪ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમને પોલીસની કામગીરીથી વાકેફ કરવાની સાથે સિવિલ પોલીસ હેઠળ કેવી રીતે લોકોને મદદ થઈ શકે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.
પોલીસની છાપ આમ તો કડક રહી છે પરંતુ સરકારે શરૂ કરેલા સુરક્ષા સેતુ પ્રોજેકટમાં પોલીસની કામગીરીથી લોકો વાકેફ થાય અને પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સંબંધ બંધાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો થતા રહયા છે જેના કારણે હવે પોલીસ ખરેખર લોકોની નજીક આવી છે અને લોકો પણ પોતાની કોઈપણ ફરિયાદ સંદર્ભે કોઈ ખચકાટ વગર પોલીસ મથક સુધી જઈ રહયા છે. ત્યારે આ જ પ્રોજેકટ હેઠળ વિદ્યાર્થીઓ નાનપણથી પોલીસની કામગીરીથી વાકેફ થાય અને પોલીસની જેમ લોકોની મદદ કરી શકે તે માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સની રચના કરવામાં આવનાર છે.
ગાંધીનગર જિલ્લામાં સુરક્ષા સેતુના આ પ્રોજેકટ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ પોલીસ મથક દ્વારા તેમના વિસ્તારમાં આવતી એક શાળામાં ૪૪ બાળકોની પસંદગી કરવામાં આવનાર છે. જેમાં રર વિદ્યાર્થી અને રર વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવશે. પોલીસ દ્વારા સમયાંતરે આ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેમાં સ્વબચાવની સાથે શાળા કે અન્ય સ્થળે કુદરતી કે માનવસર્જીત આપદા આવે ત્યારે કયા પ્રકારની કામગીરી કરી શકાય.
ધો.૮ના વિદ્યાર્થીઓની આ પ્રોજેકટ અંતર્ગત પસંદગી કરવામાં આવશે અને ધો.૧ર સુધી આ જ વિદ્યાર્થીઓ કેડેટ્સ તરીકે રહેશે.પોલીસ દ્વારા આ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન સહિતના સ્થળોએ મુલાકાતે પણ લઈ જવામાં આવશે અને સઘળી કામગીરીથી વાકેફ પણ કરવામાં આવશે. જેમના માટે અવારનવાર તાલીમનું પણ આયોજન કરવામાં આવશે. જેની તમામ જવાબદારી સ્થાનિક પોલીસ દ્વારા નિભાવવાની રહેશે. જે માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના વિદ્યાર્થીઓને યુનિફોર્મ પણ આપવામાં આવશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xhC7v6
No comments:
Post a Comment