
ગાંધીનગર, તા. 28 જૂન 2019, શુક્રવાર
રાજ્યના પુર્વ ધારાસભ્યો પ્રત્યે સરકાર દ્વારા ઉદાસીન વલણ દાખવવામાં આવતું હોય તેમ વિવિધ લાભો આપવામાં પણ ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે. મેડિકલ સહિત એસટીની મુસાફરીમાં અન્ય સાંસદો તેમજ ચાલુ ધારાસભ્યોને જે સુવિધા આપવામાં આવે છે. તેમાં પણ ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યું છે. જે અંગે સાત - સાત વખત એક્સએમએલએ કાઉન્સિલ દ્વારા પત્રો લખવા છતાં મુખ્યમંત્રીને પણ જવાબ આપવાનો સમય ન હોય તેમ સૌજન્ય દાખવતાં નથી.
રાજ્યના પુર્વ ધારાસભ્ય અને પેન્શન સહિત અન્ય સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે તે માટેનો સમય ફાળવવા અંગે એક્સએમએલએ કાઉન્સિલ દ્વારા સાત-સાત વખત મુખ્યમંત્રીને પત્રો લખવા છતાં એક પણ પત્રનો જવાબ નહીં મળતાં સભ્યોમાં સંવેદનશીલ સરકારનું ઉદાસીન વલણ હોય તેવું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વિરોધ પક્ષના નેતાને પણ અનેકવાર પુર્વ ધારાસભ્યને પડતી તકલીફો અંગે રજૂઆતો કરવામાં આવી છે.
તેની સામે પણ આક્રોશ વ્યક્ત કરતાં કાઉન્સિલના ચેરમેન બાબુભાઇ મેઘજી શાહે જણાવ્યું હતું કે, ઘણા એવા પુર્વ ધારાસભ્ય છે કે, જેમની પરિસ્થિતિ હાલમાં અત્યંત દયનીય હાલતમાં છે. સરકાર મંત્રીઓને ધારાસભ્યોના પગારો મોંધવારીને ધ્યાને રાખી વધારે છે. તો પુર્વ ધારાસભ્ય પ્રત્યે પક્ષપાત કેમ રાખવામાં આવે છે. પુર્વ ધારાસભ્ય માટે જાહેર કરવામાં આવેલી મેડિકલ સહાયની સવલતો મશ્કરી સમાન હોય તેમ સુવિધા મેળવવા જાય ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તો બીજી તરફ એસટીના જીઆર મુજબ પુર્વ ધારાસભ્યનું કાર્ડ બતાવો એટલે રાજ્યની બસોમાં મુસાફરી કરી શકાય છે પણ વોલ્વોમાં મુસાફરી કરવાની છુટ નથી. તો એસટી નિગમ પણ મનમાની કરતું હોય તેમ પુર્વ ધારાસભ્યોને મુસાફરી કરવા દેતાં નથી અને ઘણી વખત અપમાનીત થવાની નોબત પણ આવે છે. આમ અન્ય રાજ્યમાં પુર્વ ધારાસભ્યને વિવિધ લાભો પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.
ત્યારે પુર્વ ધારાસભ્યનું માનસન્માન જળવાઇ રહે તેમજ મેડિકલ સહાય બાબતે પુનઃ વિચારણા કરવામાં આવે અને જે પુર્વ ધારાસભ્યની આર્થિક સ્થિતિ નબળી છે તેમની યોગ્યતા ચકાસીને પેન્શન સહાય પણ શરૂ કરવામાં આવે. તેની પણ રજૂઆત કરવામાં આવશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xfFse3
No comments:
Post a Comment