
- આઇઆઇટીઇના નવમાં સ્થાપના દિને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ૧૦૦થી વધુ ગુરુજનોનું સન્માન કરાયું
શહેરમાં આવેલી આઇઆઇટીઇના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ૧૦૦થી વધુ ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ-યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને તૈયાર કરવાની સામાજીક જવાબદારી નિભાવે અને વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી તૈયાર કરવાના બદલે સમાજ ઘડતર માટેનું પણ શિક્ષણ આપવું જોઇએ.મહાત્મા મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્કોલશીપ અને ફેલોશીપ એનાયત કરાઇ હતી.
સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ અત્યંત મહત્વનું છે ત્યારે ગુણવત્તાલક્ષી સારૂં શિક્ષણ પુરું પાડવા માટે શિક્ષકો જ કરોડજ્જુ પુરવાર થઇ રહ્યા છે. તે સમાજ માટે ગૌરવરૂપ છે. ગાંધીનગર ખાતે આઇઆઇટીઇના ૯માં સ્થાપનાદિને ૧૦૦થી વધુ ગુરુજનોનું સન્માન કરતા રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, વિકસતા જતા સમયમાં વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવું અનિવાર્ય બન્યું છે. ત્યારે શિક્ષકો આ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. તેમણે શિક્ષકોને હવે વેતનભોગી ગ્રંથીમાંથી બહાર આવીને પોતાની કર્તવ્યનિષ્ઠા અદા કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શિક્ષક સમાજનું અભિન્ન અંગ છે.
શિક્ષકોમાં બૌધ્ધિક ક્ષમતાની સાથે સાથે વ્યવસાયિક ક્ષમતા અને સંવેદના જોડાય તો આવનારી પેઢીને અવશ્ય ફાયદો થસે. શિક્ષકનું કામ માત્ર મારવાનું નહીં પણ વિદ્યાર્થીઓને સંવેદના થકી સહારો આપીને ધડતર કરવાનું છે. તેમણે ઉમેર્યું કે શાળા, કોલેજો - યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી તૈયાર કરવાને બદલે સમાજઘડતર માટેનું પણ શિક્ષણ આપવું જોઇએ.
એન.સી.ટી.ઇ.ના ચેરપર્સન રવિન્દ્ર કડુએ આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોની પ્રશંસા કરીને તેમના દ્વારા શિક્ષણ થકી સમાજને આગળ લઇ જવાના કરવામાં આવેલા પ્રયાસો બિરદાવ્યા હતા. આ પ્રસંગે આઇ.આઇ.ટી.ઇ.ના કુલપતિ ડો.હર્ષદ પટેલે રાજ્યપાલ તથા મહેમાનો અને ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોને આવકારતા જણાવ્યું હતું કે, ચાર વર્ષિય બીએડ અભ્યાસક્રમો અને ત્રણ વર્ષીય અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવતી આ યુનિવર્સિટીમાં હાલમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્કોલરશિપ અને ફેલોશિપ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન સાથે રાજ્યની બીએડ, એમએડ શિક્ષણ સંસ્થાઓમાંથી નિવૃત્ત થયેલા ૧૦૦ થી વધુ અધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J11at2
No comments:
Post a Comment