આજે IPLના લીગ રાઉન્ડનો આખરી મુકામ : પ્લે ઓફની લાઈનઅપનો ફેંસલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

આજે IPLના લીગ રાઉન્ડનો આખરી મુકામ : પ્લે ઓફની લાઈનઅપનો ફેંસલો

મોહાલી/મુંબઈ, તા. ૪

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦ની ૧૨મી સિઝનમાં આવતીકાલે આખરી બે લીગ મેચો રમાશે, જેના પરીણામને આધારે પ્લે ઓફ લાઈન અપ નક્કી થઈ જશે. ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈએ તો પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જોકે ચોથા સ્થાન માટે હૈદરાબાદની સાથે કોલકાતા તેમજ પંજાબ પણ રેસમાં છે. 

હવે આવતીકાલે સાંજે ૪.૦૦ વાગ્યાથી શરૃ થનારી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ હોમગ્રાઉન્ડ પર ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. જ્યારે રાત્રે ૮.૦૦ વાગ્યાથી કોલકાતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને તેના ઘરઆંગણે પડકારશે.

પ્લે ઓફના આખરી સ્થાન માટે મુખ્ય દાવેદાર તરીકે તો હૈદરાબાદ અને કોલકાતા જ મનાય છે. જો શનિવારે મોડી રાત્રે પુરી થનારી મેચમાં હૈદરાબાદે બેંગ્લોરને હરાવ્યું હોય તો પંજાબની ટીમ રેસમાંથી બહાર ફેંકાઈ જશે. ટૂંકમાં તેમની મેચ ઔપચારિક બની રહેશે. જ્યારે પ્લે ઓફની આશા જીવંત રાખવા માટે કોલકાતાએ મોટા માર્જિનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે, તો જ તેઓ પ્લે ઓફમાં પ્રવેશી શકશે.

દિનેશ કાર્તિકની કેપ્ટન્સી હેઠળની ટીમે પંજાબ સામેની મહત્વની મેચ જીતી લઈને આગેકૂચની આશા વધુ મજબુત બનાવી છે. હવે જો હૈદરાબાદ શનિવારની મોડી રાતે પુરી થનારી બેંગ્લોર સામેની મેચમાં હારી જાય તો કોલકાતાએ પ્લેઓફમાં પ્રવેશવા મુંબઈને હરાવવું જ પડે. જો તેઓ હારે અને પંજાબ ચેન્નાઈ સામે જીતે તો હૈદરાબાદ, કોલકાતા, અને પંજાબના ૧૨-૧૨ પોઈન્ટ થાય અને નેટ રનરેટથી પ્લેઓફમાં પ્રવેશનારી ટીમો નક્કી થશે. 

ટૂંકમાં હૈદરાબાદની હાર થઈ હોય તો જ પંજાબની આગેકૂચની આશા જીવંત રહેશે. જો હૈદરાબાદ બેંગ્લોર સામે જીતી જાય તો પંજાબની ટીમ રેસમાંથી બહાર ફેંકાઈ જાય તેમ છે. આ બધા જો અને તો ના સમીકરણો પર ટીમો મીટ માંડીને બેઠી છે.

મુંબઈ માટે પણ જીત જરુરી છે...

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ચૂકી છે. આમ છતાં રોહિત શર્માની ટીમ આવતીકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઉતરશે, ત્યારે તેઓની નજર એકમાત્ર વિજય પર રહેશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ હાલ ત્રીજા સ્થાને છે. હવે જો મુંબઈની ટીમ કોલકાતાને હરાવે તો તેઓ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી જાય તેમાંય જો ચેન્નાઈ પંજાબ સામે હારે તો મુંબઈને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવાની પણ તક સર્જાય તેમ છે.

ટૂંકમાં મુંબઈનું લક્ષ્ય પોઈન્ટ ટેબલમાં નંબર વન કે ટુ મેળવવાનું છે, જેના કારણે તેઓને ફાઈનલમાં પ્રવેશવાની બે તકો મળી શકે. કારણ કે આઇપીએલના ફોર્મેટ અનુસાર ટોચના બે સ્થાન ધરાવતી ટીમો વચ્ચેની ક્વોલિફાયર-૧માં જીતનારી ટીમ ફાઈનલમાં પ્રવેશે પણ હારનારી ટીમને ફાઈનલમાં પ્રવેશવા માટેની બીજી તક ક્વોલિફાયર-ટુ માં મળશે, જેમાં એલિમિનેટરની વિજેતા ટીમ તેની સામે ટકરાશે.

આઇપીએલમાં આજે

ચેન્નાઈ વિ. પંજાબ, સાંજે ૪.૦૦થી, મોહાલીમાં

મુંબઈ વિ. કોલકાતા, રાત્રે ૮.૦૦થી, મુંબઈમાં




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vDlKbi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages