દિલ્હી, તા.૪
ઇશાંત અને અમિત મિશ્રાની ૩-૩ વિકેટ બાદ રિષભ પંતે ૩૮ બોલમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા સાથે અણનમ ૫૩ રન ફટકારતાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો. દિલ્હીએ આ સાથે પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. જોકે આવતીકાલે મુંબઈ કોલકાતાને હરાવશે તો દિલ્હી ત્રીજા ક્રમે ધકેલાય અને તેમને ક્વોલિફાયર-૧ને બદલે એલિમિનેટર રમવી પડે તેવી શક્યતા છે, કારણ કે તેમનો રનરેટ મુંબઈ કરતાં ખુબ જ નબળો છે.
દિલ્હી સામેની હાર સાથે જ રાજસ્થાન રોયલ્સની નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાની આશાનો અંત આવી ગયો છે. કોટલાની અત્યંત મુશ્કેલ પીચ પર પ્રવાસી રાજસ્થાન રોયલ્સ ૨૦ ઓવરના અંતે ૯ વિકેટે માત્ર ૧૧૫ રન કરી શકતાં તેમની હાર નિશ્ચિત લાગતી હતી.જે પછી દિલ્હીએ પણ વિકેટો ગુમાવી હતી, પણ પંતની અણનમ અડધી સદીને સહારે દિલ્હીએ ૧૬.૧ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૧ રન કરતાં મેચ જીતી લીધી હતી. સ્મિથ, બટલર અને બેરસ્ટો તેમજ એર્ચેર જેવા મેચ વિનર્સની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સ તરફથી યુવા ખેલાડી રિયાન પરાગે અડધી સદી ફટકારી હતી, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.
દિલ્હીની શિસ્તબદ્ધ બોલિંગ સામે રાજસ્થાનનો ધબડકો
ફિરોઝ શાહ કોટલા મેદાન પર રાજસ્થાનના કેપ્ટન રહાણેએ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. જોકે ફરી વખત કેપ્ટન નિમાયેલા રહાણેનો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને તેની ટોચની ચાર વિકેટ તો માત્ર ૩૦ રનમાં જ પડી ગઈ હતી. મીડલ ઓર્ડરમાં યુવા ખેલાડી રિયાન પરાગે ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૯ બોલમાં ૫૦ રન ફટકારતાં સ્કોરને ૧૦૦ને પાર પહોંચાડયો હતો. રાજસ્થાનની ઈનિંગમાં પરાગની સાથે લિવિંગસ્ટન (૧૪) અને એસ.ગોપાલ (૧૨) જ ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. દિલ્હી તરફથી અમિત મિશ્રાએ ૧૭ રનમાં અને ઈશાંત શર્માએ ૩૮ રનમાં ૩-૩ વિકેટ ઝડપી હતી. જ્યારે બોઉલ્ટને બે વિકેટ મળી હતી.
પંતની અણનમ અડધી સદીએ દિલ્હીને જીતાડયું
જીતવા માટેના ૧૧૬ રનના આસાન લાગતા પડકારનો પીછો કરવા ઉતરેલા દિલ્હીએ ૨૮ રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે રિષભ પંતે પાંચ છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૩૮ બોલમાં અણનમ ૫૩ રન ફટકારતાં ટીમને વિજય અપાવ્યો હતો. પંતે કેપ્ટન ઐયર (૧૫) સાથે ૩૩ રનની ભાગીદારી કરી હતી. આ પછી ઈનગ્રામ (૧૨) સાથે ૨૨ અને રૃથરફોર્ડ (૧૧) સાથે ૨૩ રનની ભાગીદારી કરતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. આખરે ટીમની જીતમાં પંતનો સાથ અક્ષર પટેલે આપ્યો હતો. ઈશ સોઢીએ ૨૬ રનમાં ૩ અને ગોપાલે ૨૧ રનમાં બે વિકેટ ઝડપી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PN1P2E
No comments:
Post a Comment