
- હવે ૭ દિવસમાં પાંચ ટકા વટાવ અને બિલ ટુ બિલ ૯૦ દિવસમાં પેમેન્ટનો અમલ કરવાની વેપારીઓની હિલચાલથી વિવર્સમાં વિરોધ
- વિવર્સ યાર્ન ખરીદી બાદ ૧૫ દિવસમાં પેમેન્ટ ચૂકવે છે ત્યારે વેપારીઓને પણ ૧૫-૨૦ દિવસમાં પેમેન્ટની શરતે માલ આપવા મેસેજ ફરતા કરાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 મે 2019, શનિવાર
સુરતના કાપડબજારના વેપારીઓને વીવર્સ પાસેથી ગ્રેની ખરીદીમાં જુના ધારાધોરણ (૭ દિવસમાં પાંચ ટકા વટાવ અને બિલ ટુ બિલ ૯૦ દિવસ)નો અમલ કરવાની હિલચાલને વિવર્સ સ્વીકારવા તૈયાર નથી. વિવર્સ જ્યારે યાર્ન ખરીદી વેળા પેમેન્ટ પંદર દિવસે ચૂકવી આપતો હોય ત્યારે વેપારીને એક મહિનાથી વધુની ઉધારી તો કેવી રીતે આપી શકે ? એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. જીએસટી અમલમાં આવ્યો ત્યારે ૧૦ દિવસે નેટ પમેન્ટનો ધારો આજે ૩૦ દિવસનો થઈ ગયો છે.
ગ્રે બજારમાં ધારાધોરણ બદલવાની શરૂ થયેલી હિલચાલ હકીકતમાં તો વિવર્સના પૈસે ધંધો કરવાનો કેટલાક વેપારીઓનો ઇરાદો હોવાની વાત સાથે એક વિવરે જણાવ્યું કે, વિવર જાતે યાર્ન વિક્રેતાના ધારા-ધોરણનો અમલ કરીને ૧૫ દિવસે પેમેન્ટ કરે છે અને લેઇટ પેમેન્ટમાં વ્યાજ પણ ચૂકવે છે. ત્યારે વેપારીઓને વિવર્સના પૈસા ધંધો કરવા માટે ઉધારી આપી શકાય નહી. જેથી વેપારીઓની આવી વૃત્તિ ચલાવી નહી લેવાય.
અન્ય એક વિવરે જણાવ્યું કે, જીએસટી અમલમાં આવ્યા પછી પાંચથી છ ટકાનો વટાવ વેપારીઓ જે બારોબાર ગજવે ઘાલતા હતા, તે બંધ થયું હોવાથી પેટમાં દુઃખી રહ્યું છે. જીએસટી અમલમાં આવ્યો ત્યારે દોઢ વર્ષ પહેલા વીવર્સને નેટ પેમેન્ટ ૮ થી ૧૦ દિવસમાં મળી જતું હતું અને આજે પેમેન્ટનો ધારો ધીરે ધીરે કરીને ૩૦ દિવસની ઉપર લઇ જવાયો છે. વિવર્સને એટલી ગરજ નથી કે તે ગ્રે ૯૦ દિવસની ઉધારીએ આપે.
જ્યારે વિવર જયંતિ જોલવાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ફરતા આવા બનાવટી મેસેજથી વિવર્સે ડરવાની જરૂર નથી. અને ઉધારમાં બની શકે તો માલ આપવો નહીં. ૧૫ થી ૨૦ દિવસની શરતે જ માલ આપવો. અન્ય એક વિવરે જણાવ્યું કે, કાપડબજારમાં જૂના ધારા ધોરણના અમલ કરવા પાછળ બજારનું વાતાવરણ બગાડવાનો ઈરાદો હોય એવું લાગી રહ્યું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYuW4k
No comments:
Post a Comment