
- મૂળ ચોડ ગામનાં કિરણ ચૌર્યા પુત્ર હર્ષનાં ધો.૯નાં એડમિશનનાં કામ માટે સસરા કાશીરામભાઈ ચૌધરી સાથે રંભાસ જતા હતા
વાંસદા, તા. 4 મે 2019, શનિવાર
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આહેરડી પેટ્રોલ પંપ પાસે સુરત શીરડી એસટી બસે મોટરસાઈકલને અડફેટમાં લેતા બે શખ્સોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત પુત્રએ સારવાર મળે તે પહેલા રસ્તામાં દમ તોડી નાંખ્યો હતો.
ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શનિવારે ડાંગ જિલ્લાનાં ગલકુંડ પીપલપાડા ગામથી પુત્રનાં ધો.૯નાં એડમિશન માટે રંભાસ તરફ સ્પ્લેન્ડર મોટર સાઈકલ (નં.જીજે-૧પ-ક્યુક્યુ-૦૧૧૩) ઉપર સવાર થઈ પિતા-પુત્ર અને સસરા જઈ રહ્યા હતા. સાપુતારાથી વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આહેરડી પેટ્રોલ પંપ પાસેનાં વળાંકમાં સુરતથી શીરડી જતી ગુજરાત એસટી નિગમની બસ (નં.જીજે.૧૮-ઝેડ-૨૫૫૩)એ સામેથી તેમની મોટર સાઈકલને અડફેટમાં લીધી હતી.
આ અકસ્માતમાં મોટરસાઈકલ ઉપર સવાર કિરણભાઈ મોહનભાઈ ચૌર્યા (ઉ.વ.૩૬, રહે.મૂળચોંડ, તા.આહવા) અને તેના સસરા કાશીરામભાઈ રતનુભાઈ ચૌધરી (ઉ.વ.૬પ, રહે.પીપલપાડા ગલકુંડ, તા.આહવા, ડાંગ)ને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર મોત થતા અરેરાટી વ્યાપી હતી.
જ્યારે આ જ મોટરસાઈકલ ઉપર સવાર પુત્ર હર્ષ કિરણ ચૌર્યા (ઉ.વ.૧૩, રહે.મૂળચોંડ, તા.આહવા, જી.ડાંગ)ને પણ શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વઘઈ સી.એચ.સી. ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં આ બાળકની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા. ત્યારે બાળકે તેનો અંતિમ શ્વાસ માર્ગમાં જ છોડી દીધો હતો. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZPIi6q
No comments:
Post a Comment