વડોદરા, તા.25 મે, શનિવાર
સુરતમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર તંત્ર હવે જાગ્યું છે. ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળું મારવાની જેમ હવે અત્યાર સુધી ગેરકાયદે બાંધકામો તેમજ ફાયર એનઓસી નહી હોવા છતાં ચાલતી સંસ્થાઓ જેમને તંત્ર સાચવતું હતું તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર થયું છે. જિલ્લા કલેક્ટરે પણ આજે તાકીદની બેઠક બોલાવીને કોર્પોરેશન તેમજ નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો ઓળખી કાઢવાની સૂચના આપી છે.
સુરત જેવી દુર્ઘટનાઓ ટાળવાની તકેદારીના ભાગરૃપે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આજે સંબંધિત ખાતાઓની બેઠક યોજીને આગમચેતીના જરૃરી પગલાં લેવાની સાથે સઘન અને સર્વગ્રાહી ચકાસણી હાથ ધરવાની સૂચનાઓ આપી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, શિક્ષણ વિભાગ,જિલ્લા પંચાયત, નગર પાલિકા, આરોગ્ય વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત સંબંધિત ખાતાઓને અગ્નિશમન સુરક્ષાની અવગણના કરનારી સંસ્થાઓ સામે કડક પગલાં લેવા કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું છે. વિવિધ વિભાગોને ટીમો બનાવીને શહેર અને જિલ્લામાં સામુહિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા આદેશ કર્યા છે.
જિલ્લા કલેક્ટરે શહેર-જિલ્લામાં ટયુશન ક્લાસિસ, દવાખાના, રેસ્ટોરાં જેવી સંસ્થાઓમાં અગ્નિ શમન સુરક્ષાની વ્યવસ્થાઓની તાત્કાલિક ચકાસણી કરવા સૂચના આપી છે. આ વ્યવસ્થાઓનો અભાવ કે ખામી જણાય, યોગ્ય એનઓસી કે પરવાનગી લેવામાં ના આવી હોય તો વીજ જોડાણ કાપવા જણાવ્યું છે. જે બિલ્ડીંગ અથવા સંસ્થાના વીજ જોડાણ કાપવામાં આવે એવી સંસ્થાઓ ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા કરી જરૃરી એનઓસી સંબંધિત વિભાગો પાસેથી મેળવે તે પછી એની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ આવી સંસ્થાઓને પુનઃ શરૃ કરવા અને વીજ જોડાણ ફરી સ્થાપિત કરવા સૂચના અપાઇ છે.
જિલ્લા શિક્ષણ અધિકારી ડો.રાઠોડે જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારોમાં જરૃરી કાર્યવાહી માટે ચીફ ઓફિસર દ્વારા ટીમોની રચના કરવામાં આવી છે જેમાં શિક્ષણ વિભાગના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં દવાખાનાઓની ચકાસણી, તેમજ વડોદરા શહેરી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાશે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YOCfxS
No comments:
Post a Comment