
દરેક દસ્તાવેજો કેગને સોંપ્યા હતા, જેના રિપોર્ટમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રફાલ અગાઉ કરતા સસ્તા છે: સરકારનો દાવો
નવી દિલ્હી, તા. 4 મે, 2019, શનિવાર
રફાલ સોદાને લઇને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેને લઇને હવે રિવ્યૂ પિટિશન દાખલ થઇ છે. જેથી સરકાર ભરી ભીસમાં આવી ગઇ છે. આ રિવ્યૂ પિટિશનમાં જે પુરાવા રજુ કરવામાં આવ્યા હતા તેનો સરકારે વિરોધ કર્યો હતો પણ સુપ્રીમ કોર્ટે વિરોધ ફગાવીને પુરાવાને માન્ય રાખ્યા હતા.
હવે આ મામલે આગામી છ તારીખે સુનાવણી થવાની છે ત્યારે સરકારે સોગંદનામુ રજુ કરીને સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે બીજી ફેબુ્રઆરીએ થયેલા કરારો પર પીએમઓએ નજર રાખી તેને સોદેબાજી ગણવી ખોટુ છે કેમ કે આવુ કઇ જ નહોતુ થયું.
સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક અખબારની રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે રફાલ ડીલ માટે સંરક્ષણ મંત્રાલય ફ્રાન્સ સરકારથી ડીલ કરી રહ્યું હતું, જોકે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ દખલ દીધી હતી અને આમ કરીને ફ્રાન્સને ફાયદો પહોંચાડયો હતો. પીએમઓની આ દખલગીરીનો સંરક્ષણ મંત્રાલયે વિરોધ કર્યો હતો.
સરકારે સાથે એવો પણ દાવો કર્યો હતો કે ડિસેમ્બરમાં કોર્ટે બહુ વિચાર કર્યા બાદ નક્કી કર્યું હતું કે આ મામલે કોર્ટની દરમિયાનગીરી કે તપાસની જરુર નથી. બે સરકારો વચ્ચે થયેલા કરારોને પીએમઓની સોદાબાજી ગણાવવી ખોટુ છે. ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં સરકારની કોઇ જ ભૂમિકા નથી. ૩૬ રફાલ વિમાન સંપૂર્ણપણે તૈયાર સ્થિતિમા ભારતને મળશે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં આપેલા પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે રફાલ સોદામાં લાગેલા આરોપોની હાલ કોઇ તપાસનો આદેશ આપવામાં નથી આવી રહ્યો. સુપ્રીમ કોર્ટમાં રફાલ સોદાની તપાસની માગ અરુણ શૌરી, વકીલ પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હાએ કરી હતી. જેને ફગાવી દેવાતા બાદમા આ અરજદારોએ એક રિવ્યૂ પિટિશન કરી છે જેને લઇને હવે સરકાર ભીસમાં આવી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JdkqDQ
No comments:
Post a Comment