
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 4 મે, 2019, શનિવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી લોકસભા બેઠક વિસ્તારમાં રોડ શો કરી રહ્યા હતા તે વખતે સુરેશ નામના એક યુવાને તેમને થપ્પડ મારી હતી. કેજરીવાલ કર્મપુરા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા તે સમયે અચાનક જ લાલ ટી શર્ટ પહેરેલો યુવાન તેમની ગાડી પર ચડી ગયો હતો અને થપ્પડ મારી દીધી હતી.
થપ્પડ મારીને તે યુવાને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેજરીવાલના સમર્થકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવાનને મોતીનગર પોલીસ સ્ટેશન લઈ જઈને તેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે કેજરીવાલને થપ્પડ મારનાર યુવાનને કસ્ટડીમાં લીધો છે અને તે કૈલાશ પાર્કનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
સુરેશ નામના આ યુવાને કેજરીવાલથી નારાજ હોવાના કારણે તેમને થપ્પડ મારી હતી. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ભૂતકાળની ઘટનાઓનો હવાલો આપીને આ ઘટના પાછળ ભાજપ કે મોદી ભક્તો જવાબદાર હોવાનું જણાવ્યું છે. જો કે ભાજપે ભારદ્વાજના આરોપોનો અસ્વીકાર કર્યો છે.
અગાઉ ચાર એપ્રિલ, ૨૦૧૪ના રોજ સુલ્તાનપુરી વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક રીક્ષા ચાલકે હાર પહેરાવ્યા બાદ કેજરીવાલને થપ્પડ ઝીંકી દીધી હતી. આ ઉપરાંત ૨૦૧૬માં એક મહિલાએ કેજરીવાલ પર સ્યાહી ફેંકી હતી અને ચાલુ વર્ષે લુધિયાણામાં કેજરીવાલની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WqK4J4
No comments:
Post a Comment