જિલ્લામાં પાણીની તંગી અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતી અંગે આંદોલનની ચિમકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

જિલ્લામાં પાણીની તંગી અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતી અંગે આંદોલનની ચિમકી


ભાવનગરસ, તા. 04 મે 2019, શનિવાર

ભાવનગર જિલ્લામાં પાણીની અછત જોવા મળી રહી છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ ઉપરાંત જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી કથળી છે અને ગુનાખોરી વધી છે. આ બાબતે કોંગ્રેસ પક્ષે આજે શનિવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પાણી અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્ને યોગ્ય પગલા લેવા રજુઆત કરી છે. આ અંગે તત્કાલ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષ આંદોલન છેડશે.

શહેરની જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે શનિવારે સવારે ૧૧ કલાકે કોંગ્રેસ પક્ષના અગ્રણી-કાર્યકર ભેગા થયા હતા અને પાણી તેમજ કાયદો-વ્યવસ્થાના પ્રશ્ને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું. કોંગ્રેસ પક્ષે આવેદન પત્રમાં જણાવેલ છે કે, ગુજરાતની સાથે સાથે જિલ્લામાં પણ મોટાભાગના ગામડા કે નગરોમાં પાણીનો પોકાર ઉઠયો છે. સરકારે ટેન્કરમૂકત ગુજરાતની વાતો કરી પણ એક જ દુકાળમાં સરકારની પોલ ખુલ્લી ગઈ છે અને અડધા ગુજરાતમાં ફરી ટેન્કર રાજનુ સામ્રાજ્ય સરકારની કૃપાએ ફાલ્યુ ફુલ્યુ છે. સરકારની નિષ્ફળતા સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

રાજ્યમાં અને ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી છે. જિલ્લામાં ખુન, ચોરી, લૂંટ વગેરે ઘટનાઓ બની રહી છે. માત્ર નેતાઓની સલામતીમાં સુરક્ષા કર્મીઓને લગાડી દેવાય છે તેથી લોકો ગુનાખોરીનો ભોગ બને છે. પાણી અને કાયદો-વ્યવસ્થા ભાવનગરની ગંભીર સમસ્યા બન્યા છે. રાજ્યમાં સૌથી વધુ ટેક્ષ ઉઘરાવતી મહાપાલિકા ભાવનગર છે.

પરંતુ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યુ છે. જિલ્લામાં લોકો અને પશુઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. ઘાસચારાની સમસ્યા છે. આ પ્રશ્નોથી લોકો હેરાન થઈ ગયા છે પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. આ અંગે તત્કાલ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં સામાજીક સંગઠનોને સાથે લઈ આંદોલન છેડશે તેવી ચીમકી આપી છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના મનહર પટેલ સહિતના અગ્રણી કાર્યકર બહોળી સંખ્યામાં જોડાયા હતાં.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5XGo9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages