
ભાવનગર, તા. 04 મે 2019, શનિવાર
ભાવનગર શહેર અને જિલ્લામાં પાણી પ્રશ્ન વિકટ બન્યો છે. પીવાનુ પાણી નહી મળતા લોકો ત્રાહિમામ પોકાર ઉઠયા છે. ઘણા ડેમ પણ ખાલી થઈ ગયા છે. જિલ્લામાં પાણીના પ્રશ્ન અંગે આગામી સોમવારે જિલ્લા કલેકટરે બેઠક બોલાવી છે અને આ બેઠકમાં પાણી અંગે જીણવટભરી ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સરકારી અધિકારી-કર્મચારી હાજર રહેશે અને પાણીની સમીક્ષા કરશે.
શહેરના સર્કીટ હાઉસ ખાતે આગામી તા. 6 મેને સોમવારે બપોરના 12 કલાકે જિલ્લા કલેકટર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠકનુ આયોજન કરવામાં આવેલ છે. આ બેઠક ખાસ પાણીના મામલે બોલાવવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. શહેર અને જિલ્લામાં પાણીની સમસ્યા વધી છે ત્યારે સરકારી તંત્રએ પાણીનો પ્રશ્ન હલ કરવા તૈયારીઓ હાથ ધરી છે.
તાલુકા મથક અને નગરપાલિકામાં કેટલા દિવસે પાણી અપાય છે અને કેટલુ પાણી હાલ છે? તેની સમીક્ષા કરવામાં આવશે. ચોમાસાને હજુ દોઢ માસની વાર છે ત્યારે પાણીની સ્થિતી કેવી રહેશે?. જયાં વધુ પાણીની તકલીફ છે તેવા તાલુકામાં કંઈ રીતે પાણીની સમસ્યા હળવી થઈ શકે? વગેરે પ્રશ્ને સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા કલેકટરની સુચનાથી યોગ્યા નિર્ણય કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવેલ છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ પાણીની સમસ્યા વધી છે. ખાસ કરીને ગામડાઓમાં લોકોને પીવાના પાણી તકલીફ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. હાલ મોટાભાગના ડેમમાં પાણી નથી અને કુવામાં પણ પાણી ખુટી ગયા છે ત્યારે પાણી ભરવા માટે મહિલાઓએ દુર દુર સુધી જવુ પડી રહ્યુ છે. પાણી પ્રશ્ન વિકટ બનતા હાલ તંત્ર દ્વારા પાણીના ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં જે ગામોમાં પાણીની તકલીફ હશે ત્યાં પાણીના ટેન્કર મોકલવા પડશે તેવી સ્થિતી જોવા મળી રહી છે ત્યારે પાણીની સમીક્ષા બેઠકમાં શુ નિર્ણય કરવામાં આવે છે? તેની રાહ જોવી જ રહી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y7bVhP
No comments:
Post a Comment